અમેરિકાના ભદ્ર કહેવાતા સમાજના મહાનુભાવોની જિંદગી કેવી ગંદકીથી ભરેલી છે, તેનો ઘટસ્ફોટ થયો છે. અમેરિકાની ન્યુ યોર્ક કોર્ટે ગુરુવારે વેશ્યાવૃત્તિના દોષિત અબજોપતિ જેફરી એપસ્ટેઇન સાથે સંબંધિત કેસના કેટલાક દસ્તાવેજો જાહેર કર્યા છે. તેમાં ૧૭૦ લોકોનાં નામો જાહેર કરવામાં આવ્યાં છે, જેઓ કથિત રીતે જેફરી એપસ્ટેઇન સાથે સંકળાયેલા હતા. આ લોકોમાં પીડિત યુવતીઓ, સાક્ષીઓ, એપસ્ટેઇનના કર્મચારીઓ અને ઘણા આરોપીઓ સામેલ છે. દસ્તાવેજમાં જાહેર કરાયેલાં કેટલાંક નામો આશ્ચર્યજનક છે.
તેમાં વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ, પોપસ્ટાર માઈકલ જેક્સન અને ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનાં નામો પણ સામેલ છે. કોર્ટમાં આપેલા નિવેદનમાં પીડિતા વર્જિનિયા ગિફ્રેએ ૨૦૧૫માં આરોપ લગાવ્યો હતો કે જેફરી એપસ્ટેઇને તેને સુપ્રસિદ્ધ વિજ્ઞાની સ્ટીફન હોકિંગ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં એપસ્ટેઈનના એક મેઈલનો પણ ઉલ્લેખ છે, જે તેણે તેની ગર્લફ્રેન્ડ અને સહયોગી ઘિસ્લેન મેક્સવેલને મોકલ્યો હતો. આમાં જેફરી એપ્સટેઈને સ્ટીફન હોકિંગ સામેના આરોપોને હટાવવામાં મદદ કરવા માટે ઘિસ્લેન મેક્સવેલને કહ્યું હતું.
વર્જિનિયા ગિફ્રે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માર-એ-લાગો ક્લબમાં કામ કરતી હતી. વર્જિનિયા ગિફ્રેએ કોર્ટમાં કહ્યું હતું કે ‘‘હું ડોનાલ્ડ ટ્રમ્પની ક્લબના લોકર રૂમમાં કામ કરતી હતી. અહીં જેફરી એપસ્ટેઈન મારી સાથે બળજબરીથી સેક્સ માણતો હતો. મને એક કલાકના ૭૦૦-૮૦૦ ડોલર મળતા હતા.’’કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનું નામ પણ ૫૦થી વધુ વખત લખવામાં આવ્યું છે. ૨૦૧૬માં થયેલી સુનાવણી દરમિયાન પીડિતા જોહાન્ના સેજોબર્ગે કહ્યું હતું કે ‘‘બિલ ક્લિન્ટને જેફરી એપસ્ટેઈનના પ્રાઈવેટ પ્લેનમાં ઘણી વખત મુસાફરી કરી હતી. બિલ ક્લિન્ટનનો ઉલ્લેખ કરતાં જેફરી એપસ્ટેઈને એક વાર મને કહ્યું હતું કે ક્લિન્ટનને યુવાન છોકરીઓ બહુ પસંદ હતી.’’
જેફરી એપસ્ટેઈનના કેસમાં જાહેર થયેલા દસ્તાવેજોમાં બ્રિટનના શાહી પરિવારની પોલ પણ ખોલવામાં આવી છે. કેસની પીડિતા જોહાન્ના સોજોબર્ગે કોર્ટને કહ્યું હતું કે ૨૦૦૧માં તે કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્રુને મળી હતી. તેણે કહ્યું હતું કે ‘‘હું મેનહટનમાં જેફરી એપસ્ટેઈનના ઘરે ગઈ હતી. પ્રિન્સ એન્ડ્રુ ત્યાં હાજર હતો. તેણે મને તેના ખોળામાં બેસવા કહ્યું હતું. આ પછી તેણે મને સેક્સ્યુઅલ રીતે સ્પર્શ કર્યો હતો. એવી જ રીતે પ્રિન્સ એન્ડ્રુનો પીડિતા વર્જિનિયા ગિફ્રે સાથે પણ સંબંધ હતો. ગિફ્રેએ કોર્ટમાં કહ્યું હતું કે ‘‘જ્યારે હું ૧૭ વર્ષની હતી ત્યારે જેફરી એપસ્ટેઈન મને એન્ડ્રુ પાસે લઈ ગયો હતો અને પ્રિન્સે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.’’આ આરોપ પર પગલાં લેતાં રાજા ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુને રાજવી પરિવારમાંથી કાઢી મૂક્યો હતો.
દસ્તાવેજોમાં કિંગ ઓફ પોપ માઈકલ જેક્સન અને જાદુગર ડેવિડ કોપરફીલ્ડનાં નામોનો પણ ઉલ્લેખ છે. પીડિતા જોહાન્ના સોજોબર્ગે તેની જુબાનીમાં જણાવ્યું હતું કે ‘‘જેફરી એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલે તેને ફસાવીને જેફરીના ઘરે મોકલી હતી. અહીં જેફરી એપસ્ટેઈનની સાથે પોપ સિંગર માઈકલ જેક્સન અને જાદુગર ડેવિડ કોપરફિલ્ડ પણ હાજર હતા.’’આ દરમિયાન જેફરી એપસ્ટેઈને જોહાન્ના સોજોબર્ગને દરેકને જાતીય મસાજ આપવાનું કહ્યું હતું. જો કે જોહન્ના સોજોબર્ગે કહ્યું હતું કે તેણે માઈકલ જેક્સનને મસાજ આપ્યો નહોતો.
વર્ષ ૨૦૦૫ માં પ્રથમ વખત જેફરી એપસ્ટેઈન અને ઘિસ્લેન મેક્સવેલ ઉપર બાળકોનાં શોષણમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૪ થી ૨૦૦૬ સુધી બંનેએ અનેક ગુનાઓ આચર્યા હતા. માર્ચ ૨૦૦૫માં ફ્લોરિડામાં રહેતી ૧૪ વર્ષની સગીર છોકરીએ જેફરી એપસ્ટેઈન પર તેની છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ પછી હાઈસ્કૂલની ઘણી છોકરીઓએ જેફરી પર આરોપ લગાવ્યો કે તે તેમને પોતાના ઘરે બોલાવતો હતો અને સેક્સુઅલ મસાજ કરાવવા માટે દબાણ કરતો હતો.
૨૦૦૬ માં પ્રથમ વખત જેફરી એપસ્ટેઇનને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે સેક્સ માણવા બદલ ફોજદારી આરોપોનો સામનો કરવો પડ્યો. ત્યાર પછી તેના પર વધુ ઘણા કેસ નોંધાયા હતા. અમેરિકામાં ૨૦૧૭માં ‘‘મી ટુ’’ની ચળવળની શરૂઆત દરમિયાન જેફરી-ઘિસ્લેન સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યું હતું. જેફરી એપસ્ટેઈનની જુલાઇ ૨૦૦૬માં ગુનાહિત આરોપોનો સામનો કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. જ્યુરીએ તેને વેશ્યાવૃત્તિ માટે દોષી ઠેરવ્યો હતો. કેટલાંક લોકોએ પોલીસ પર જેફરી સાથે નરમાઈનો આરોપ લગાવ્યો હતો, જે બાદ મામલો ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) સુધી પહોંચ્યો હતો.
જેફરી એપસ્ટેઈનને બચાવવાના ઘણા પ્રયાસો થયા હતા. એપસ્ટેઈનના વકીલો ઈચ્છતા ન હતા કે એફબીઆઈ આ કેસની તપાસ કરે. તેઓ જેફરીને એફબીઆઈની તપાસથી બચાવવા માગતા હતા. એક તરફ સરકારી વકીલો જેફરી એપસ્ટેઈન સામે આરોપો તૈયાર કરી રહ્યા હતા, જ્યારે બીજી તરફ જેફરી એપસ્ટેઈનના વકીલો મિયામીમાં અમેરિકન એટર્ની એલેક્ઝાન્ડર એકોસ્ટા સાથે વાટાઘાટો કરીને તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેફરી એપસ્ટેઈનના વકીલો તેના આરોપીઓને અવિશ્વસનીય સાક્ષીઓ ગણાવતા હતા. છેવટે કોર્ટે તેને જૂન ૨૦૦૮માં ૧૮ વર્ષથી ઓછી વયની છોકરીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવા બદલ દોષિત ઠેરવ્યો હતો. તેને ૧૮ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. ગુપ્ત વ્યવસ્થા હેઠળ અમેરિકન એટર્ની એકોસ્ટાએ ફેડરલ ગુનાઓ માટે જેફરી એપસ્ટેઈન સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી ન હતી.
જેફરી એપસ્ટેઈનને જુલાઈ ૨૦૦૯માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી ૧૦ વર્ષ સુધી જેફરીના બાળ શોષણના કૌભાંડનો ભોગ બનેલી છોકરીઓએ તેની સામે કાનૂની લડાઈ લડી હતી. આ પછી ૨૦૧૮ માં અમેરિકાના એક અખબારે ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વખતે આ કેસમાં અમેરિકન એટર્ની એલેક્ઝાન્ડર એકોસ્ટાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે ફેડરલ ગુનાઓ માટે કાર્યવાહી કરવામાં આવતાં જેફરી એપસ્ટેઇનને બચાવ્યો હતો.
તેને કારણે આ કેસમાં લોકોનો રસ ફરી વધ્યો હતો. જુલાઈ ૨૦૧૯ માં જેફરીની ફેડરલ સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેનાથી વ્યથિત થઈને ૨૦૧૯ના ઓગસ્ટમાં એપસ્ટેઈને જેલમાં જ આત્મહત્યા કરી હતી. કેટલાક અમેરિકી મીડિયા અહેવાલો કહે છે કે જેફરી એપસ્ટેઈને ન્યુયોર્ક જેલની કોટડીમાં ફાંસી લગાવી દીધી હતી અને સ્થાનિક સમય મુજબ સવારે ૭.૩૦ વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેફરી એપસ્ટેઈનની આત્મહત્યા પછી વર્ષ ૨૦૨૧માં તેની સાગરીત બ્રિટિશ મહિલા ઘિસ્લેન મેક્સવેલને ટીનેજ છોકરીઓને લલચાવવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી.
અમેરિકન કોર્ટમાં લગભગ એક મહિના સુધી ચાલેલી સુનાવણી બાદ આ નિર્ણયથી ૧૪ વર્ષની વયે યૌન શોષણનો ભોગ બનેલી સંખ્યાબંધ યુવતીઓને ન્યાય મળ્યો હતો. તાજેતરમાં આ કેસ સાથે સંબંધિત અન્ય ઘણા રેકોર્ડસ જાહેર કરવામાં આવ્યા હતા. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુલ ૧૫૦ નામોમાંથી ત્રણ નામો હજુ પણ જાહેર કરવામાં આવશે નહીં. જે ત્રણ નામો ગુપ્ત રાખવામાં આવશે તેઓ જેફરી એપસ્ટેઇન સાથે સીધી રીતે જોડાયેલા ન હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.