Charchapatra

જનતા બધું જાણે છે

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના જુદા જુદા રાજ્યોમાં આવેલા ઠેકાણાઓ પર ઇડીએ પાડેલા દરોડા દરમ્યાન લગભગ 400 કરોડ જેટલી બિનહિસાબી રોકડ રકમ તેમજ કરોડો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાઓ અને હીરા જપ્ત થયા છે. એવું કહેવાય છે કે, આપણને સ્વતંત્રતા મળી ત્યારથી દેશમાં એક સાથે આટલી મોટી માત્રામાં રોકડ રકમ ક્યારેય મળી નથી. આ વિષયની સંસદમાં ગંભીર ચર્ચા થવી જોઇએ. આ મુદ્દે કોંગ્રેસ પાસે જવાબ મંગાવો જોઇએ. એકબાજુ વિપક્ષો ઇડી અને આઇટીના કહેવાતા દૂરૂપયોગ વિશે બૂમરાણ મચાવે છે પણ કોંગ્રેસના આ ધીરજ સાહુ અને બંગાળમાં ટીએમસીના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી પાસેથી મળેલી 21 કરોડની બિનહિસાબી રકમ મુદ્દે મૌન છે. 

આ વિશે તેઓ કોઇ જવાબ આપતા નથી કે આપવા માંગતા નથી ઉલટું તેઓ એમ કહે છે કે, આ નાણાં સાથે અમારે કોઇ લેવા-દેવા નથી. આજ વિપક્ષો અદાણી અને અંબાણીના બિઝનેસ કે તેની સમૃદ્ધિમાં થતી વૃદ્ધિ બાબતે મોદી પાસે ક્યાં આધારે જવાબ માગે છે? દેશના કોઇપણ ઉદ્યોગપતિની સંપત્તિ કે કારોબાર બાબતે દેશના વડાપ્રધાન કે શાસક પક્ષને કઇ રીતે ક્યા તર્કને આધારે પ્રશ્નો કરી શકાય? તેનો જવાબ કોઇ વિપક્ષ પાસે નથી.આવી સીધી સાદી વાત દેશની જનતા ઘણી સારી રીતે સમજે છે. જનતા 75 વર્ષની લોકશાહી બાદ પૂરતી પરિપકવતા ધરાવે છે.

અનેક ઉતાર-ચઢાવો, સત્તાની સાકમારીઓ, હોર્સ ટ્રેડિંગ, જૂઠા વિમર્શો (નેટીટીસ) ચૂંટણીમાં હારી ગયા  બાદ અરાજકતા ઊભી કરીને શાસક પક્ષને હંફાવવાના હિરાન કરવાના ગતકડાંઓ અપપ્રચારો એવી બધી પ્રયુક્તિઓને મૂંગા મોઢે જોયા કરતી પ્રજા કંઇ જ સમજતી જ નથી, કે તેને અમે જે ઊંઠા ભણાવીશું. તે ભણી લેશે એવા ભ્રમમાંથી જો વિપક્ષો બહાર નહિ આવે તો તેને પ્રજા આવતી લોકસભાની ચૂંટણીમાં એવો જવાબ આપશે કે તેને વર્ષો સુધી કળ નહી વળે. તે વિપક્ષોએ સારી રીતે સમજી લેવાની જરૂર છે.
બારડોલી          – ધવલ ઠેસીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વર્કિંગ વુમન અને પિરિયડ લિવ્ઝ
છેલ્લા થોડા સમયથી working woman અને paid period leaveની ચર્ચાએ જોર પકડ્યું છે. મહિલાઓને દર મહિને આવતાં પિરિયડસને લઇને એક યા બીજા પ્રકારની તકલીફો ( મૂડ સ્વિંગ, દુખાવો થવો, હેવી ફલો )રહે છે.જેથી મહિલા જો કામકાજી હોય તો આ સમય દરમ્યાન એક કે બે દિવસ તેને આરામની જરૂર હોય છે. જેથી તેને રજા મળવી જોઈએ, ભલે તે “લીવ વિધાઉટ પે “કેમ ન હોય! ( Leave without pay).

સ્ત્રીની શારીરિક રચના સાથે જોડાયેલી સમસ્યા( કુદરતી બાબત)ને પુરુષ સમોવડીના ખ્યાલ સાથે જોડી દેવામાં આવ્યો અને તે આધારિત અભિપ્રાયો રજૂ થયા. બીજું કે કોઈ પણ મહિલા દર મહિને પિરિયડ દરમ્યાન ચાર પાંચ દિવસની રજા માંગે પણ નહીં અને કોઈ સંસ્થા આપે પણ નહીં( ન ભૂતો ન ભવિષ્યતિ ) હા, જે દિવસે તકલીફ વધુ હોય તે દિવસ પૂરતી રજા મળી શકે એવી જોગવાઈ હોવી જોઈએ.પછી તે અવેતન કેમ ન હોય! પ્રાઈવેટ સેક્ટરમાં તો રજા પર જનાર કર્મચારીની જગ્યા પર extra કર્મચારીઓ ( સ્પેર વ્હીલ) હોય જ છે. જેને કામે લગાડી શકાય.
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top