કરમસદ સ્થિત કૃષ્ણ હૉસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટર ખાતે ફેફસાની ગાંઠ (સી.સી.એ.એમ.-કન્જાઇટલ સિસ્ટિક એડેનોમેટોઇડ માલ્ફોર્મેશન) ધરાવતા બે મહિનાના અને બે વર્ષના બાળકોને શસ્ત્રક્રિયા દ્વારા ફેફસાની ગાંઠ દુર કરવામાં આવી. જન્મજાત ફેફસામાં ગાંઠ હોય તેવા કેસો જવલ્લે જ જોવા મળતા હોય છે. આવા કેસો દસ હજારમાંથી 1 અને 35 હજારમાંથી 1માં જોવા મળે છે.
આણંદ જીલ્લાના બોચાસણ ગામનું બે મહિનાનું બાળક શ્રી કૃષ્ણ હૉસ્પિટલ, કરમસદના બાળરોગ વિભાગમાં જી-6 પીડીની ઉણપની સારવાર માટે આવ્યું હતું. બાળરોગ વિભાગના ડૉ.રાજેશ પંખાનીયાએ બાળકની પ્રાથમિક તપાસ કરી હતી. બાળકના છાતીના એક્સ-રે અને સિટી સ્કેન રિપાર્ટમાં ફેફસામાં ગાંઠ હોવાનું જણાયું હતું. જેથી બાળકને કાર્ડિયાક સેન્ટરમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતુ. આ સેન્ટરના પેડિયાટ્રીક કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ.વિશાલ ભિંડેએ બાળકને તપાસીને ફેફસાને નુક્શાન ન થાય તેવી રીતે ટેકનીકલી મુશ્કેલ શસ્ત્રક્રીયા કરીને ફેફસાની ગાંઠ દુર કરી હતી.
અન્ય કિસ્સામાં ખંભાતના બે વર્ષના બાળકને છાતીનાં ભાગમાં વિકૃતિની ફરીયાદ સાથે શ્રી કૃષ્ણ હૉસ્પિટલના બાળરોગ વિભાગના દાખલ કરવામાં આવ્યો હતો. બાળરોગ નિષ્ણાંત ડૉ.દિપાલી શાહે બાળકને તપાસી સીટી રીપોર્ટ કરવવા જણાવ્યું હતું. સીટી રીપોર્ટમાં ફેફસામાં ગાંઠ હોવાની પુષ્ટિ થઈ હતી.
ડૉ.વિશાલ ભિંડેએ પીડિયાટ્રીક એર-વે ડિસઓર્ડર ના નિષ્ણાંત અને એસ.જી.વી.પી. હૉસ્પિટલ, અમદાવાદના ચીફ ઇન્ટેન્સિવિસ્ટ ડૉ.અમીત ચિતાલીયાની મદદથી બાળકના જમણાં ફેફસાના 40 ટકા ભાગમાં પ્રસરેલ ગાંઠને દુર કરવા જટીલ શસ્ત્રક્રિયા કરી હતી અને ફેફસાની ગાંઠ દૂર કરી હતી.
આ લાંબી શસ્ત્રક્રિયામાં કાર્ડિયાક સેન્ટરના એનેસ્થેટીસ્ટ ડૉ.ગુરપ્રિત પાનેસર અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. અમીત કુમારના નેજા હેઠળ કાર્યરત ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. બંન્ને બાળકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપીને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
આ જટિલ શસ્ત્રક્રિયા કરવા માટે ડૉ. અમીત ચિતાલીયા કે જેઓ ગુજરાતમાં ખાસ કરીને શિશુઓમાં બ્રોન્કોસ્કોપી કરવામાં જાણીતા છે, તેમને બાલાવવામાં આવ્યા હતા. તેમણે બ્રોન્કોસ્કોપી દ્વારા ફેફસાની જમણી બાજુએ પાતળુ કેથેટર મુકીને બાળકના ફેફસાની સ્થિતિ દર્શાવી હતી, જેથી ડૉ.ભિંડેને ઑપરેશન કરવામાં સફળતા મળી હતી. શ્રી કૃષ્ણ હૉસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.જીતેશ દેસાઇએ આ શસ્ત્રક્રિયા માટે દિલ્લીથી એન્ડોબ્રોન્શીયલ બ્લોકર મંગાવી આપવાની સુવિધા પુરી પાડી હતી. બ્લોકરનો ખર્ચો હૉસ્પિટલે ઉઠાવ્યો હતો.
ડૉ. ભિંડેના જણાવ્યા અનુસાર બાળકોમાં જન્મજાત ફેફસા અને હૃદયમાં ખામી હોવી એ ગંભીર ચિંતાનો વિષય છે. ફેફસાની આ જાતની ગાંઠ (સી.સી.એ.એમ. – કન્જાઇટલ સિસ્ટિક એડેનોમેટોઈડ માલ્ફોર્મેશન)ને દુર કરવામાં ન આવે તો ગાંઠ ફેફસામાં પ્રસરે છે અને જીવલેણ સાબીત થાય છે. આધુનિક તબીબી સારવાર અને યોગ્ય મેનેજમેન્ટથી જન્મજાત ફેફસામાં ગાંઠ હોય તેવા બાળકોને બચાવી શકાય છે.
કરમસદ હોસ્પિટલ ખાતે બે બાળકોની શસ્ત્રક્રિયા દ્વારા ગાંઠ દૂર કરાઈ
By
Posted on