ગાંધીનગર(GandhiNagar) : રાજ્ય સરકારે (GujaratGovernment) ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં (GiftCity) દારૂની (Liquor) છૂટ આપતા જ રાતોરાત ગિફ્ટ સિટીની ડિમાન્ડ વધી ગઈ છે. રાજ્ય સરકારે દારૂબંધી દૂર કરવાની જાહેરાત કરી તેના 48 કલાકમાં જ ગિફ્ટ સિટિમાં 107 લોકોએ ક્લબની મેમ્બરશીપ મેળવી છે. આ ક્લબોએ માત્ર 48 કલાકમાં જ 7 કરોડ 49 લાખની કમાણી કરી લીધી છે. ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે ગિફ્ટ સિટીના ક્લબમાં મેમ્બરશીપનો ભાવ 7 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ભાવ આગામી દિવસોમાં હજુ વધે તેવી સંભાવના છે.
માત્ર ક્લબની મેમ્બરશીપના ભાવ વધ્યા છે એવું નથી. ગિફ્ટ સિટીના રિઅલ એસ્ટેટમાં પણ ભયંકર તેજી આવી ગઈ છે. ગિફ્ટ સિટીમાં તો પ્રોપર્ટીના ભાવ 10 ટકા જેટલા વધી ગયા છે. પ્રોપર્ટીની ઈન્ક્વાયરીમાં પણ 20 ટકાનો વધારો થયો છે. આ સાથે ગિફ્ટ સિટીની આસપાસની જમીનોના ભાવ પણ એકાએક ઊંચકાયા છે.
ગાંધીનગર ક્રેડાઈના સૂત્રો અનુસાર દારૂની છૂટની જાહેરાત માત્રથી ગિફ્ટ સિટીની પ્રોપર્ટીની ઈન્ક્વાયર વધી છે. જોકે, એ વાત જાણી લેવા જેવી છે કે દારૂની છૂટ માત્ર ગિફ્ટ સિટીમાં સીબીડી એરિયા પૂરતી સીમિત છે. ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈનની પરમિશન નથી. સરકાર ટૂંક સમયમાં દારૂ બંધી હળવી કરવા અંગેના નિયમો જાહેર કરશે. ત્યાર બાદ વધુ સ્પષ્ટતા મળશે. જોકે, અત્યારે એવું કહી શકાય કે માત્ર કોર્પોરેટ માટે છૂટ છે. રેસિડેન્શિયલ માટે નહીં.
શું ગિફ્ટ સિટીમાં બધા દારૂ પી શકશે?
ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે પરંતુ શું ગિફ્ટ સિટીમાં જઈ તમામ નાગરિકો દારૂ પી શકશે. ગિફ્ટ સિટીમાં કોણ દારૂ પી શકશે, ક્યા સ્થળો પર પી શકશે. શું હશે નિયમો? હજુ આ અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા જાહેર કરાઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ/ક્લબ/રેસ્ટોરન્ટને લીકર પીરસવા અંગેનું લાયસન્સ, ગીફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ –આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ-ક્લબ-રેસ્ટોરન્ટને લાયન્સ મળી શકશે.
માત્ર ઓફિશિયલી ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને ઓફિશિયલ વિઝીટર્સ લીકર પી શકશે. ટુરીસ્ટને દારૂ પીવાની છૂટ મળશે નહીં. હાલના હેલ્થ પરમીટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂ નહીં પી શકે. વળી, તે પણ ગિફ્ટ સિટીમાં જે ચોક્કસ સ્થળો પર દારૂ પીવાની છૂટ આપવામાં આવશે ત્યાં જ પી શકાશે. અન્ય સ્થળો પર પી નહીં શકાય.