અનાવલ: (Anaval) મહુવા તાલુકાના ગામોમાં (Village) અવારનવાર રહેણાંક વિસ્તારમાં દીપડો (Leopard) દેખાવવાની ઘટના બની રહી છે. રાત્રી દરમિયાન શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતા દીપડા નજરે પડી રહ્યા છે. ત્યારે બુધવારે રાત્રી દરમિયાન મહુવા તાલુકાના કરચેલીયા ગામેથી મહુવા ધારાસભ્યના પુત્રની કાર સામે પણ અચાનક દીપડો આવી ચઢ્યો હતો. ત્યારબાદ નજીકના ખેતરમાં ચાલ્યો જતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે.
ધારાસભ્યના પુત્ર જયમિનભાઈ મોહનભાઈ ઢોડિયા પોતાની કાર લઈ પરિવાર સાથે ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન કુપાવાડી ફળિયામા મુખ્ય માર્ગ નજીક બિન્દાસ્ત આરામ ફરમાવતો કદાવર દીપડો નજરે પડ્યો હતો. જે જોઈ જયમિનભાઈ અને તેમની સાથે કારમાં સવાર નાના બાળકો ભયભીત બની ગયા હતા. થોડો આરામ ફરમાવી દીપડો બિન્દાસ્ત ત્યાંથી નજીકના ખેતરમાં પલાયન થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડવાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા.
બિન્દાસ્ત ફરતો આ દીપડો ગ્રામજનોના મોબાઈલમા કેદ થઈ ગયો હતો. દીપડો નજરે પડતા જ હવે ઘણા ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરે જવાનુ પણ ટાળી રહ્યા છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં બિન્દાસ્ત ફરતો આ દીપડો પાલતુ પશુઓ કે ગ્રામજનોને નુકશાન પહોંચાડે તે પહેલા સત્વરે આ દીપડાને વનવિભાગ દ્વારા પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવે એવી માંગ ગ્રામજનો કરી રહ્યાં છે.