બિલાડીને જેમ સાત જિંદગી હોવાનું કહેવાય છે, તે વાત માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને પણ લાગુ પડે છે. પાંચમી વખત દાઉદ ઇબ્રાહિમના મૃત્યુના સમાચાર આવ્યા તે પછી તેના સાગરીત છોટા શકીલે તેનું ખંડન કર્યું છે. મુંબઈના ઘણા પત્રકારો છોટા શકીલ સાથે નિકટના સંબંધો ધરાવે છે. તેમાંના એકે છોટા શકીલને ફોન કરીને મિડિયાને જણાવ્યું છે કે દાઉદ હજુ જીવતો છે. આ વાત માનવી કે ન માનવી તે તમારે નક્કી કરવાનું છે. જ્યાં સુધી ભારતના કે પાકિસ્તાનના સત્તાવાળાઓ અધિકારિક રીતે દાઉદના મૃત્યુના સમાચાર આપણને ન આપે ત્યાં સુધી આપણા માટે ડોન દાઉદ ઇબ્રાહિમ જીવતો જ છે. ભારતનાં લોકો માટે તો દાઉદ ઇબ્રાહિમ એક દંતકથારૂપ બની ગયો છે.
મુંબઈ બ્લાસ્ટને અંજામ આપ્યા બાદ દાઉદ તેના પરિવાર સાથે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. દાઉદે ૧૯૯૩માં અને ૨૬/૧૧માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ જેવા આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો. વર્ષ ૧૯૮૬માં દાઉદ પહેલાં દુબઈ બાદ પાકિસ્તાન પહોંચ્યો હતો. તેના કરાચી, ઈસ્લામાબાદ સહિત ૯ જગ્યાએ અડ્ડાઓ છે. કરાચીમાં જ્યાં દાઉદનો બંગલો છે તે શેરી નો-ટ્રેસ્પાસ ઝોન છે અને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેની કડક સુરક્ષા કરવામાં આવે છે. દાઉદને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIનું સંરક્ષણ પણ મળેલું છે.
અમેરિકાએ પણ તેને આતંકવાદી જાહેર કર્યો છે. દાઉદને પાંચ ભાઈ-બહેન છે. મુંબઈ વિસ્ફોટો બાદ બે ભાઈઓ અનીસ ઈબ્રાહીમ અને નૂરા ઈબ્રાહીમ દાઉદ સાથે દુબઈ ભાગી ગયા હતા. વર્ષ ૨૦૦૭માં કરાચી બોમ્બ બ્લાસ્ટમાં નૂરાનું મોત થયું હતું. દાઉદની પત્ની ઝુબીના ઝરીન ઉર્ફે મહેજબીન મુંબઈની રહેવાસી છે અને તે દાઉદ સાથે રહે છે. દાઉદે પાકિસ્તાનમાં બીજી વખત પઠાણ મહિલા સાથે લગ્ન કર્યા છે. દાઉદને ચાર બાળકો છે. તે પત્ની અને બાળકો સાથે રાતોરાત ભારતથી ભાગી ગયો હતો. હાલમાં દાઉદની પત્ની મહેજબીન તેના સાળા અનીસ સાથે મળીને દુનિયાભરમાં દાઉદનો કાળો કારોબાર ચલાવી રહી છે.
મુંબઇના વિખ્યાત ક્રાઇમ રિપોર્ટર એસ. હસન ઝૈદીનું પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ’ અનુસાર દાઉદ ઇબ્રાહિમ ૧૯૮૬ થી ફરાર છે. પોલીસ દાઉદને શોધી રહી હતી. દાઉદ અને મેહજબીનના લગ્નના ૧૫ દિવસ બાદ જ પોલીસે અંડરવર્લ્ડના સભ્યોને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. દાઉદ સમજી ગયો હતો કે હવે મુંબઈમાં રહેવું મુશ્કેલ છે. એક દિવસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડી કંપનીના હેડક્વાર્ટર મુસાફિરખાનામાં અડધી રાત્રે દરોડો પાડ્યો હતો. બે માળની આ ઈમારતમાં છવાયેલી શાંતિ જોઈને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
આ ઈમારતનાં લોકો ક્યારેય સૂતાં ન હતાં. ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોરનાં લોકો કે જેમાં દાઉદની આલીશાન ઓફિસ હતી. ક્રાઈમ બ્રાન્ચે દરેક રૂમના ખૂણે ખૂણે સર્ચ કર્યું હતું. તે રાત્રે પોલીસ દાઉદના પિતરાઈ ભાઈઓ અને તેના સાગરીતોની જ ધરપકડ કરવામાં સફળ રહી હતી. મુંબઇના તત્કાલીન પોલીસ કમિશનર ડી.એસ. સોમણે દાઉદની ધરપકડ કરવા માટે તાત્કાલિક વોરંટ જારી કર્યું હતું. ઓપરેશન સંપૂર્ણપણે ગુપ્ત હતું. સોમણે દાઉદ ઉપર કાર્યવાહી કરવા માટે પોલીસને છૂટ આપી રાખી હતી; પરંતુ દાઉદ એક ડગલું આગળ વધ્યો. તેણે તેના પરિવાર સાથે ભારત છોડવાનું નક્કી કર્યું અને તે રાતોરાત ગાયબ થઈ ગયો હતો.
જ્યારે સોમણને કહેવામાં આવ્યું કે દાઉદ પાંજરામાંથી બહાર નીકળી ગયો છે ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસની અંદર પણ દાઉદનું આટલું ચુસ્ત નેટવર્ક છે એ વાત માની શકાય તેમ નથી. જ્યારે પોલીસ અધિકારીઓની રૂબરૂ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે પોલીસ દાઉદ પાસે પહોંચે તેની ૧૦ મિનિટ પહેલાં મુંબઈના પોલીસ વિભાગમાં રહેલા બાતમીદારનો ફોન દાઉદ પાસે પહોંચી ગયો હતો.
તે ૧૦ મિનિટમાં તે ફરાર થઈ ગયો હતો. મુંબઈના પોલીસ કમિશનરે મંત્રાલયના એક ટોચના રાજનેતા પાસેથી આ અભિયાન માટે સંમતિ પણ લીધી હતી. રાજનેતાએ કહ્યું હતું કે દાઉદને જીવતો પકડવો જોઈએ. બાદમાં પોલીસને રાજનેતા પર પણ શંકા ગઈ હતી. દરમિયાન દાઉદ કોઈક રીતે એરપોર્ટ પર પહોંચ્યો અને દુબઈ જતી ફ્લાઈટ પકડી. બાદમાં એ પણ સામે આવ્યું કે દાઉદ પહેલાં દિલ્હી અને પછી ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટથી દુબઈ ગયો હતો. તેનો પાસપોર્ટ પહેલાથી જ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો. તે પાસપોર્ટ વગર દુબઈ પહોંચી ગયો હતો.
એસ. હુસૈન ઝૈદીનાં પુસ્તક ‘ડોંગરી સે દુબઈ’માં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દાઉદનાં ઘણાં નામ છે. મુંબઈના અંડરવર્લ્ડમાં શરૂઆતના દિવસોમાં તે ‘મુછડ’ તરીકે ઓળખાતો હતો. તેનું કારણ તેની જાડી અને ગાઢ મૂછો હતી. ભારતમાંથી ભાગી ગયા બાદ તે સતત પોતાનું નામ અને ઓળખ બદલતો રહ્યો હતો. એવું કહેવાય છે કે તેનો દેખાવ બદલવા માટે તેણે ઘણી વખત તેના ચહેરાની સર્જરી પણ કરાવી હતી.
જ્યારે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં સ્થાયી થયો ત્યારે તેનું નામ પણ બદલાઈ ગયું હતું. તેનું એક ઉપનામ શેખ દાઉદ હસન છે. આ નામ પાકિસ્તાનમાં તેની ઓળખ છે. આ સિવાય કેટલાંક લોકો તેને ‘ભાઈ’ પણ કહે છે. જ્યારે તે ભારતમાં લોકોને બોલાવે છે, ત્યારે તેની ઓળખ હાજી સાહેબ અથવા અમીર સાહેબ તરીકે થાય છે. પાકિસ્તાનમાં તેના લોકેશન વિશેની દરેક વાસ્તવિકતા ભારત સરકાર સમક્ષ આવી ચૂકી છે. ભારત સરકાર દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવેલા ડોઝિયરમાં તેનાં તમામ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દાઉદ ઈબ્રાહિમના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. દાઉદનો ભાઈ અનીસ ઈબ્રાહિમ તેને ડી કંપની ચલાવવામાં મદદ કરે છે. દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર તેની પત્ની અને ત્રણ બાળકો સાથે મુંબઈમાં રહે છે. ૨૦૧૧માં તેના પર જીવલેણ હુમલો થયો હતો. દક્ષિણ મુંબઈમાં સ્થિત ડોંગરી વિસ્તાર ગેરકાયદેસર કામો અને અંધારી આલમ માટે જાણીતો છે. હાજી મસ્તાન, કરીમ લાલા અને વાસુ દાદા જેવા માફિયાઓ પણ અહીંથી જ નીકળ્યા હતા. દાઉદ પણ એ જ ડોંગરીમાંથી ઉભરી આવ્યો હતો.
દાઉદ ઈબ્રાહિમ કાસકરનો જન્મ ૧૯૫૫માં મુંબઈમાં થયો હતો. દાઉદ નાની ઉંમરથી જ ચોરી, લૂંટ અને છેતરપિંડીમાં સામેલ થઈ ગયો હતો. વર્ષ ૧૯૮૧માં દાઉદ ઈબ્રાહિમ અને તેનો ભાઈ શબ્બીર એક ગેસ સ્ટેશનમાં ઘેરાઇ ગયા હતા. આ દરમિયાન પઠાણ ગેન્ગ દ્વારા શબ્બીરની હત્યા થઈ હતી પણ દાઉદ ભાગી ગયો હતો. ત્રણ વર્ષના અંતરાલ પછી ૧૯૮૪માં દાઉદે તેના ભાઈ શબ્બીરની હત્યામાં સામેલ ત્રણેય હુમલાખોરોને મારી નાખ્યા હતા. ૧૯9૩ના બોમ્બ બ્લાસ્ટમાં તેને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો, જ્યારે તે પાકિસ્તાનના કરાચીથી મુંબઈના અંડરવર્લ્ડ પર રાજ કરતો હતો. બ્લાસ્ટ બાદ દાઉદ સીધો જ કેન્દ્રીય એજન્સીઓના રડાર પર આવ્યો હતો.
૧૯૮૫ પછી દાઉદ ઈબ્રાહિમની પહેલી તસવીર ૨૦૧૬માં સામે આવી હતી, જેમાં તે સંપૂર્ણ રીતે દેખાઈ રહ્યો હતો. ત્યાર પછી દાઉદની કોઈ તસવીર પબ્લિક ડોમેનમાં આવી ન હતી.૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઈમાં ૧૩ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ઘટના પછી પણ દાઉદે મુંબઈમાં પોતાના સાગરીતોની મદદથી ગેરકાયદે ધંધો ચાલુ રાખ્યો હતો. આ ઘટના બાદ તે ભારતમાંથી ભાગી ગયો હતો અને તેણે પહેલાં ખાડી દેશોમાં અને પછી પાકિસ્તાનમાં આશરો લીધો હતો. તેણે પાકિસ્તાનના કરાચીમાં પોતાનું ઘર બનાવ્યું છે અને ત્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.