Editorial

સંસદમાં શાસક અને વિપક્ષો એકબીજાના શત્રુની જેમ વર્તે તે નર્યું શરમજનક

સંસદનું શિયાળુ સત્ર નવા સંસદ ભવનમાં શરૂ થયું તેના પહેલા સરકાર અને વિપક્ષ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં સંસદની કાર્યવાહી સુચારુ ઢબે ચાલે તે બાબતે ચર્ચાઓ થઇ હતી અને કેટલીક સહમતિ પણ સધાઇ હતી. પરંતુ   સત્ર શરૂ થયું કે થોડા જ સમયમાં જૈસે થે જેવી હાલત થઇ ગઇ. અધુરામાં પુરુ ૧૩મી ડિસેમ્બરે સંસદ પર ત્રાસવાદી હુમલાની વરસી હતી તે જ દિવસે બે યુવાનો લોકસભામાં ઘૂસી ગયા અને પીળા રંગના ધુમાડા છોડ્યા.

આ બંને   યુવાનો અને સંસદભવનની બહાર દેખાવો કરતા એક મહિલા સહિત તેમના બે સાથીદારો જો કે તરત પકડાઇ ગયા, પરંતુ સંસદની સુરક્ષામાં ગંભીર ચૂક બહાર આવી ગઇ અને હવે વિપક્ષ લાગ જોઇને સતત આ મુદ્દે હોબાળો   મચાવી રહ્યો છે. આ મુદ્દે આ બનાવના બીજા દિવસે તો લોકસભામાં ભારે ધમાલ મચી અને તેના ૧૩ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા. રાજ્ય સભાના પણ એક સભ્યને તે દિવસે સસ્પેન્ડ કરી દેવાયા. 

તેના પછી પણ વિપક્ષનો   હોબાળો ચાલુ રહેતા એક અભૂતપૂર્વ પગલામાં વિપક્ષના ૭૮ સાંસદોને સોમવારે સંસદમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જે એક દિવસમાં સાંસદોના સસ્પેન્શનનો સૌથી મોટો આંકડો છે. આને પગલે કોંગ્રેસ તથા અન્ય વિપક્ષો   તરફથી સખત પ્રતિભાવ આવ્યો હતો જેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપની સરકાર વિપક્ષહીન સંસદમાં મહત્વના ખરડાઓ બળપૂર્વક પસાર કરી દેવા માગે છે. સંસદમાં શાસક અને વિપક્ષ કેવી રીતે એક બીજાના દુશ્મન હોય   તેમ વર્તી રહ્યા છે તે આ આખા ઘટનાક્રમ પરથી સમજાય છે.

સોમવારે લોકસભામાંથી ૩૩ સભ્યોને સસ્પેન્ડ કરાયા હતા જેના પછી રાજ્ય સભામાંથી ૪૫ સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ૧૩મી ડિસેમ્બરે લોકસભામાં બે વિરોધ કર્તાઓ ઘૂસી ગયા અને ધુમાડા છોડ્યા તે સંસદ સુરક્ષા ભંગના   બનાવ અંગે ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન કરે તેવી પોતાની માગણીમાં વિપક્ષે બાંધછોડ કરવાનો ઇન્કાર કર્યા બાદ આ સસ્પેન્શનનું પગલું ભરાયું છે. ગુરુવારે લોકસભામાંથી ૧૩ અને રાજ્યસભામાંથી એક સાંસદને  સસ્પેન્ડ કરાયા હતા. લોકસભામાંથી સોમવારે સસ્પેન્ડ કરાયેલા ૩૩ સભ્યોમાં કોંગ્રેસ અને ડીએમકેના ફ્લોર નેતાઓનો  પણ સમાવેશ થાય છે.

આ બંને પક્ષો વિપક્ષના બે સૌથી મોટા પક્ષો છે. સાંસદોને ગેરશિસ્તભરી વર્તણૂકના  આક્ષેપ સાથે સસ્પેન્ડ કરાયા છે. લોકસભામાંથી ૩૦ સભ્યોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે જ્યારે ત્રણ સભ્યોને  વિશેષાધિકાર સમિતિનો અહેવાલ નહીં આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. આ ત્રણ સભ્યો સ્પીકરના પોડિયમ  પર ચડી ગયા હોવાનો આરોપ છે. નવા સંસદ ભવનમાં સંસદ ખસેડાઇ ત્યારે એવી શાસક વિપક્ષ વચ્ચે એવી સહમતિ  સધાઇ હતી કે ત્યાં પ્લેકાર્ડ્સ દર્શાવાશે નહીં, પણ અનેક વિપક્ષી સાંસદોએ પ્લે કાર્ડસ દર્શાવ્યા અને તેમને  બાકીના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા.

રાજ્યસભામાં આવા જ પગલામાં ૪પ સભ્યોને સોમવારે સસ્પેન્ડ કરાયા હતા જેમાંથી ૩૪ને બાકીના સત્ર માટે જયારે ૧૧ને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી સસ્પેન્ડ  કરાયા છે. સંસદમાં પ્લેકાર્ડ્સ નહીં દર્શાવવા સહમત થયા બાદ વિપક્ષી સભ્યોએ પ્લેકાર્ડ્સ દર્શાવ્યા તે ખોટું છે તો બીજી બાજુ માત્ર પ્લેકાર્ડ્સ દર્શાવનાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા તે પણ વધુ પડતું જલદ  પગલું જણાય છે.

આટલા બધા સાંસદોને એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા હોય તેવો સંસદના ઇતિહાસમાં આ પહેલો બનાવ છે એમ જાણકારો કહે છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આને લોકશાહીની હત્યા ગણાવતા કહયું  હતું કે મારી ૧૯ વર્ષની સંસદીય કારકિર્દીમાં પ્રથમ વખત મારુ નામ પણ આ ‘સન્માન યાદી’માં આવ્યું છે. જયારે શાસક પક્ષે વિપક્ષ ઇરાદાપૂર્વક સંસદની કાયવાહી ખોરવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મંગળવારે લોકસભામાંથી  વધુ ૪૯ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે જેમાં વિપક્ષના કેટલાક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે અને સસ્પેન્ડ કરાયેલા કુલ સાંસદોની સંખ્યા ૧૪૧ પર પહોંચી છે.

સામ સામી આક્ષેપબાજી, સામ સામા હાકોટા પડકારા, ધાંધલ ધમાલ અને ક્યારેક તો શારીરિક ઘર્ષણ સુધી જતા બનાવો – એ હવે સંસદમાં જાણે રાબેતા મુજબની બાબતો બની ગઇ છે. સંસદની ગરિમા અને સંસદ સભ્યપદનું  ગૌરવ જાણે ભૂતકાળની વાત બની ગઇ છે. દેશને માટે અને પ્રજા હિત માટે આપણે અહીં કામ કરવા ભેગા થયા છીએ એવું હવે શાસકો અને વિપક્ષો ગંભીરપણે વિચારતા હોય તેવું જરાયે લાગતું નથી. આજે અંગત સ્વાર્થ અને  પોતાની રાજકીય વિચારધારાથી ઉપર ઉઠીને સહકારથી સાંસદો કામ કરે તેવું તો હવે વિરલ બની ગયું છે. સંસદમાં શત્રુતાનો માહોલ દૂર થાય તે ખૂબ જરૂરી છે.

Most Popular

To Top