Charchapatra

ભાજપની જીતનાં મુખ્ય કારણ

હાલમાં જ થયેલા વિધાનસભાના ઇલેક્શનમાં ભાજપને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થયું.આ પરિણામોને આવનાર લોકસભા માટે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું છે.એક રીતે આ સાચું પણ છે.ભાજપની આટલી મોટી જીત પાછળ જો કોઈ સૌથી મુખ્ય કારણ હોય તો એ છે પક્ષના લાખો કરોડો કર્મનિષ્ઠ, ઈમાનદાર અને નિઃસ્વાર્થ સેવા કરતા કાર્યકર.ત્યારબાદ કેન્દ્ર સરકારની યોજના ખાસ કરીને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ જેમાં લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધા રૂપિયા આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જેમાં ઘર વગરનાં લોકોને પોતાના ઘરના ઘરનું સપનું પૂરું થાય છે. આયુષ્માન ભારત યોજના જેમાં લગભગ ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર મફત થાય છે.

પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોર જેમાં સસ્તા ભાવે દવાઓ મળે છે.ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયા આવે છે અને ઘણા નાના ફેરિયા અને દુકાનદારોને પણ સરળતાથી લોન મળે છે.આવી જન કલ્યાણકારી યોજનાઓના કારણે અને સાથે સાથે ઝડપથી વધી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપેન્ટના કારણે આજે આ સરકારની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે.ભલે મોંઘવારી અને બીજા કેટલાક પ્રશ્નો જરૂર હશે, પરંતુ સરકારનાં કામ કરવાની રીત પર લોકોને ભરોસો છે. આથી જ પક્ષ પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત કરી રહ્યો છે.
સુરત     – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વારંવાર ઉકળેલા તેલમાં વાનગી  અંગે કાયદો બનાવવાની જરૂર
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર કેન્સરજન્ય અને માનવ આરોગ્ય માટે જોખમી ગણાતા વારંવાર ઉકળેલા તેલમાં તૈયાર કરીને ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે શું પગલાં લેવામાં આવ્યાં તે અંગે સ્પષ્ટતા કરવાની સૂચના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ગુજરાત માનવ અધિકાર આયોગે આપી છે. આ સંદર્ભમાં માનવ અધિકાર આયોગ પણ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ની કલમ 12માં કરવામાં આવેલી જોગવાઇ હેઠળ ચકાસણી કરીને કલમ 18માં કરવામાં આવેલી જોગવાઇ મુજબ પગલાં પણ લેવા માંગે છે.

અહીં નોંધપાત્ર બાબત એ છે કે મુંબઇમાં ખાદ્ય તેલનો ત્રણ વાર ઉપયોગ કર્યા પછી એનો તળવા માટે અથવા રસોઇમાં ઉપયોગ નહીં કરવાનો નિયમ નહીં પાળનારા વ્યાવસાયિકો સામે અન્ન અને ઔષધ પ્રશાસને સખત વલણ અપનાવ્યું છે અને દરરોજ પચાસ લિટર કરતાં વધુ ખાદ્યતેલનો ઉપયોગ કરનારા વ્યાવસાયિકો અને ત્રણ વાર વાપરેલું ખાદ્યતેલ બાયોગેસ અથવા સાબુ બનાવવા માટે આપવાનું ફરજિયાત છે. આ માટે કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કંપનીઓ વ્યાવસાયિકો પાસેથી ખાદ્યતેલ જમા કરીને તેની રકમ ચૂકવશે અને આ તેલ બાયોગેસ અને સાબુ બનાવતી કંપની એકને પહોંચાડશે. આવો કડક કાયદો નિયમ દેશના તમામ રાજ્યોમાં અમલી બનાવવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top