નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જવાનોએ રોકેટ લોન્ચર વડે આતંકીઓ જ્યાં છુપાયેલા હતા તે ઘરને ઉડાવી દીધું હતું. સેનાની આ કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે કુલગામમાં સુરક્ષાદળોના ઓપરેશનનો આ બીજો દિવસ છે.
કુલગામ પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન અંગે એડીજીપી કાશ્મીરે કહ્યું કે ઘટના સ્થળેથી વાંધાજનક સામગ્રી મળી આવી છે અને હવે ઓપરેશન અંતિમ તબક્કામાં છે. સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ કાશ્મીર ઝોન પોલીસે એક્સ (ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે કુલગામના દમહાલ હાંજી પોરા વિસ્તારમાં ગુરુવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અહીં ગઈકાલથી જ સુરક્ષાદળોએ કેટલાક આતંકીઓને ઘેરી લીધા હતા. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો.
આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPFની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં સેના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા.
ઉરી સેક્ટરમાં પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા
તમને જણાવી દઈએ કે બુધવારે જ સેનાએ નિયંત્રણ રેખા પાસે ઉરી સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ખરાબ વિઝિબિલિટી અને ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.
સેના અનુસાર માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ પીઓકેમાં લોન્ચ કમાન્ડર બશીર અહેમદ મલિક અને અહેમદ ગની શેખ તરીકે કરવામાં આવી છે. બશીરે અંકુશ રેખા પાર અસંખ્ય આતંકવાદીઓની ઘૂસણખોરીની સુવિધા આપી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.