એક સંત તેમના ત્રણ ચાર શિષ્યો સાથે ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યા.એક શ્રીમંતના દરવાજા પર આવીને તેમણે ભિક્ષા માંગી.શ્રીમંત બહાર આવ્યા અને સંતને ભિક્ષા આપવાને સ્થાને અપશબ્દો બોલવા લાગ્યા અને અપમાન કરીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું.સંતના શિષ્યોને ગુસ્સો આવ્યો. તેઓ કંઈ બોલવા જાય તે પહેલાં સંતે તેમને અટકાવ્યા અને ચૂપ રહેવા કહ્યું. પોતે હસીને ‘કલ્યાણ થજો’ના આશીર્વાદ આપી આગળ વધી ગયા. સંત અને તેમના શિષ્યો બીજા ઘરમાંથી ભિક્ષા લઇ પોતાના મુકામે ગયા અને શિષ્યોએ તરત પૂછ્યું, ‘ગુરુજી, પેલા દુષ્ટ શ્રીમંતે કારણ વિના તમારું અપમાન કર્યું.
ભિક્ષા નહોતી આપવી તો વાંધો નહિ, પણ અપશબ્દો બોલવાની શું જરૂર હતી? અને તમે પોતે કંઈ જવાબ આપ્યો નહિ અને અમને પણ ચૂપ રહેવા કહ્યું. વળી ઉપરથી આશિષ આપીને હસીને ત્યાંથી નીકળી ગયા.આવું કેમ કર્યું?’ સંત કંઈ બોલ્યા નહિ અને ઇશારાથી શિષ્યોને પોતાની પાછળ આવવા કહ્યું અને પોતાની કુટીર પાસે જઈને શિષ્યોને કહ્યું, ‘તમે અહીં ઊભા રહો. હું હમણાં આવું છું.’
સંત અંદર ગયા અને બહાર આવ્યા ત્યારે તેમના હાથોમાં ત્રણ ગંદાં પહેરણ હતાં, જેમાંથી દુર્ગંધ આવી રહી હતી.શિષ્યો પાછળ હટી ગયા અને તરત નાક બંધ કરી લીધું.સંત બોલ્યા, ‘જેને પેલા શ્રીમંતની વાતોનો જવાબ આપવો હોય તે આગળ આવીને આ પહેરણ પહેરી લે અને પછી જઈને જવાબ આપે.’કોઈ આ ગંદાં પહેરણ પહેરવા આગળ આવ્યું નહિ. એક શિષ્યે હિંમતથી આગળ વધી તે પહેરણ લીધાં અને દૂર જઈને ફેંકી દીધાં. સંત હસ્યા અને બોલ્યા, ‘કોઈ તમને ગમેતેમ એલફેલ બોલે , અપશબ્દો કહે તો તમે ગુસ્સે થઇ જાવ છો અને તે ગંદકી ..ગંદા અપશબ્દોને મન અને મગજ પર ધારણ કરી લો છો. તમારા સાફસુથરા અને શાંત મન અને મગજમાં ગંદકીને સ્થાન આપો છો.
જો અત્યારે તમે તમારા સાફસુથરા ધોયેલા કપડાના સ્થાને આ ગંદા પહેરણ પહેરવાની ના પાડી દીધી ..કોઈ આગળ આવ્યું નહિ અને તમે તેને લઈને દૂર ફેંકી દીધાં.જેમ તમે તમારા સાફ કપડાના સ્થાને આ ગંદાં કપડાં સ્વીકારીને પહેરવા તૈયાર નથી તેમ હું પેલા શ્રીમંત માણસે ફેંકેલી અપશબ્દોની ગંદકીનો સ્વીકાર કરી ધારણ કરવા તૈયાર નથી.તેની ગંદકીથી હું મારા સાફ મન અને શાંત મગજને બગાડવા તૈયાર નથી.કોઈ કંઈ પણ કહે,બોલે કે વર્તન કરે આપણે તેની પરવા કરવી નહિ.આપણે તો બસ આપણા કામ અને ભક્તિમાં ધ્યાન આપવું.’સંતે શિષ્યોને જીવનની સાચી સમજણ પોતાના જ વર્તન અને દૃષ્ટાંત દ્વારા આપી.