રામાયણ કાળમાં ભગવાન શ્રીરામની વાનરસેના અને લંકાપતિ રાવણની અસુર સેના સાથે લંકામાં 87 દિવસ યુદ્ધ થયેલું. અંતિમ 32 દિવસ બાદ શ્રી રામે રાવણનો વધ કરેલો, દશેરાના દિવસે રામે વિજય પ્રાપ્ત કરેલો. આથી વિજયાદશમી તરીકે ઉજવાય છે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા જયારે લંકેશ રાવણ મહા જ્ઞાની, પ્રખર શિવભકત હતો. અનેક મહાશકિતનો સ્વામી હતો, પરંતુ અહંકારના લીધે રાવણ હણાયો હતો, દશેરાનો તહેવાર એટલે આસુરી શકિત સામે દેવી શકિતનો વિજય રામે રાવણનો વધ કરીને લંકાનું રાજ વિભીષણને સોંપીને રામ રાજય સ્થાપ્યું હતું. દશેરાના દિવસે સાંજે રાવણના વિરાટ પૂતળાનું દહન કરવામાં આવે છે.
આ એક પરંપરા છે. રાવણ ભલે રામના હાથે મર્યો હતો, પરંતુ સમાજ જાહેર જીવનમાં હજી અનેક રાવણ જીવે છે અને ભ્રષ્ટાચાર, પાપાચાર, અત્યાચાર, અરાજકતા ફેલાવે છે. આ બધા રાવણના જ અવતાર છે. સરકાર દ્વારા અપાતું મફત અનાજ જે પ્રજાને મળવું જોઇએ તેના બદલે કાળા બજારી કરતાં તત્ત્વો હેરાફેરી કરીને લાખો કરોડોના માલિક બની ગયા છે. માસૂમ બાળાઓ પર પાશવી બળાત્કાર ગુજારનારા હેવાન પણ રાવણના અવતાર જેવા છે. અસલી દારૂમાં ભેળસેળ કરીને નકલી દારૂ વેચનારા બુટલેગરો શરાબીઓની જિંદગી સાથે ખિલવાર કરે છે. જેથી લઠ્ઠાકાંડ થાય છે. આવાં અનેક તત્ત્વો ભોગવિલાસ, બિન્દાસથી વટભેર જીવી રહ્યા છે. રામના હાથે રાવણ મર્યો, પરંતુ સમાજમાં રાવણ હજી જીવે છે.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિષાદ બળી શકે છે
ઓશોએ કહ્યું છે, તમે તમારા પગ પર ઊભા હો તો પણ માણસ છો અને જો માથા પર ઊભા થઈ જાવ તો પણ માણસ છો. સોનામાં માટી મળી જાય, તો ‘અશુધ્ધ સોનું’ જ કહેવું પડે છે. અશુધ્ધ હોવા છતાં સોનું જ છે. એ બળી શકે છે અને ફરી પાછું સોનું થઈ શકે છે. ‘વિષાદ’ બળી જઇ શકે છે, યોગ બચી શકે છે. આનંદની યાત્રા થઈ શકે છે. વિષાદની ઊંડામાં ઊંડી અવસ્થામાં પણ પાછા આવવાની પગદંડી શેષ છે. આ પગદંડીના સ્મરણને જ યોગ કહ્યો છે.
વિજલપોર- ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.