World

ઈમરાન ખાનના સમર્થકોએ જ્યાં તોફાન મચાવ્યું હતું તે પાકિસ્તાની એરફોર્સ બેઝ પર આતંકી હુમલો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) ફરી એકવાર આતંકીઓએ (Terrorist) પાકિસ્તાની એરફોર્સ બેઝ (PakistanAirforceBase) પર હુમલો (TerroristAttack) કર્યો છે. પંજાબના (Punjab) મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં ફિદાયીન સહિત હથિયારોથી સજ્જ 6 આતંકવાદીઓ ઘુસ્યા છે. બંને તરફથી ભારે ગોળીબાર (Firing) થઈ રહ્યો છે અત્યાર સુધીમાં એક હુમલાખોર માર્યો ગયો છે. તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.

પાકિસ્તાન આર્મી (ISPR) એ આ હુમલાને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, 4 નવેમ્બર, 2023ના રોજ વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સના મિયાંવાલી ટ્રેનિંગ એર બેઝ પર અસફળ આતંકવાદી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સૈનિકો દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક વળતો જવાબ આપી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું. સુરક્ષા જવાનોએ અસાધારણ હિંમત દાખવીને 3 આતંકીઓને બેઝમાં પ્રવેશતા પહેલા જ ઠાર માર્યા હતા, જ્યારે બાકીના 3 આતંકીઓને સૈનિકોએ ઘેરી લીધા હતા.

સેનાના નિવેદન અનુસાર હુમલા દરમિયાન જમીન પર પહેલાથી જ ઉભેલા ત્રણ ફાઇટર પ્લેનને પણ નુકસાન થયું છે. વિસ્તારને સંપૂર્ણ રીતે ખાલી કરાવવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આતંકવાદીઓએ મિયાવાલીમાં પાકિસ્તાન એરબેઝની વાડની દીવાલો પાર કરવા માટે સીડીનો ઉપયોગ કર્યો અને પછી અંદર ઘૂસીને હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ બ્લાસ્ટ પણ કર્યા હતા. આત્મઘાતી હુમલાખોરો વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે અને બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે મિયાંવાલી એ જ એરબેઝ છે જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી. આ પહેલા શુક્રવારે પણ દારમાં સુરક્ષાદળોને લઈ જઈ રહેલા બે વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા 14 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પાસનીથી ઓરમારા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી

TJPએ જવાબદારી લીધી
તહરીક-એ-જેહાદ પાકિસ્તાન (TJP)ના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે આ હુમલામાં ઘણા આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે. સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર વિડિયો ફૂટેજ પોસ્ટ કરીને હુમલાને સમર્થન આપ્યું છે. આતંકવાદી જૂથે એવો પણ દાવો કર્યો છે કે તેણે બેઝ પર હાજર એક ટેન્કને નષ્ટ કરી દીધી છે.

Most Popular

To Top