વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) 27મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને ન્યુઝીલેન્ડ (New Zealand) આમને-સામને આવ્યા હતા. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 5 રને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. લક્ષ્યની નજીક પહોંચી ગયેલી ન્યૂઝીલેન્ડની ટીમ 389 રનનો ટાર્ગેટ પૂરો કરી શકી ન હતી. છેલ્લી ઓવરમાં તેણે વિકેટ ગુમાવી હતી અને 9 વિકેટે 383 રન બનાવ્યા હતા.
આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ આ નિર્ણયને ખોટો સાબિત કર્યો અને રેકોર્ડબ્રેક રન બનાવ્યા. ઈજામાંથી પરત ફરેલા ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે પહેલા પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. પાવરપ્લેમાં 10 સિક્સર ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડએ સૌથી વધુ 109 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફે રચિન રવીન્દ્રએ 89 બોલમાં 116 રનની ઇનિંગ રમી હતી. આ તેની ODI કારકિર્દીની બીજી સદી છે. આ સાથે જ રચિન સચિન તેંડુલકર બાદ વર્લ્ડ કપમાં 24 વર્ષથી ઓછી ઉંમરમાં બે સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે.
પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.2 ઓવરમાં 388 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે 67 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. તેણે 7 સિક્સર અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ વોર્નરે 65 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેણે 6 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ તરફ ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સ અને ટ્રેન્ટ બોલ્ટે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મિશેલ સેન્ટનરે બે વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ નિશમ અને મેટ હેનરીએ એક-એક વિકેટ લીધી હતી.
આત્મવિશ્વાસથી ભરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ 2023ની 27મી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરી છે. ટીમ તેના શાનદાર રેકોર્ડને જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે. યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે સતત ત્રણ જીત નોંધાવીને પુનરાગમન કર્યું છે. છેલ્લી મેચમાં તેણે નેધરલેન્ડને 309 રને હરાવીને વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત નોંધાવી હતી. પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.