નડિયાદ: ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ પોષડોડાના જથ્થા સાથે ચકલાસીના રાઘુપુરામાંથી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઈસમ પાસેથી પોષડોડાનો 44 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. તેમજ આ અંગે ચકલાસી પોલીસ મથકે ઝડપાયેલા ઈસમ અને અન્ય એક વોન્ટેડ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.
મળતી વિગતો મુજબ ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો પોતાની ઓફીસમાં હાજર હતા. તે દરમિયાન પોલીસ ઈન્સપેક્ટરને ચકલાસી હદ વિસ્તારમાં એક ઈસમ પોષડોડાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખતો હોવાની બાતમી મળી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઈન્સપેક્ટર ડી.એન.ચુડાસમા અને પી.એસ.આઈ. જે.વી.વાઢીયા અને તેમની ટીમે આ બાતમી આધારીત સ્થળે સપાટો બોલાવ્યો હતો. જ્યાં ચકલાસી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતા છત્રસિંહ બુધાભાઈ વાઘેલા (રહે. રાઘુપુરા, દેસાઈ સ્ટ્રીટ, ચકલાસી)ના ઘરે રેઈડ કરતા સફદે કલરની મીણીયાની મોટી કોથળીમાં પોષડોડાના છાલાનો જથ્થો મળી આવ્યો હતો. આ પોષડોડાનો કુલ જથ્થો 14 કિલો 790 ગ્રામ હતો, જેની કિંમત 44,370 રૂપિયા ગણી પોલીસે અન્ય મુદ્દામાલ મળી કુલ 44,870નો મુદ્દામાલ કબ્લે લીધો છે. પોલીસે ઝડપાયેલા છત્રસિંહ વાઘેલા સામે એન.ડી.પી.એસ. એક્ટ-1985ની કલમ 8(સી), 15(બી), 29 મુજબનો ગુનો દાખલ ચકલાસી પોલીસ મથકે દાખલ કરાવ્યો છે. જ્યારે આ મુદ્દામાલ આપનારા અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.