National

દેશની પહેલી રેપીડ ટ્રેન શરૂ થઈ, આ રૂટ પર દોડશે

નવી દિલ્હી: દેશને પહેલી રેપીડ ટ્રેન (RapidTrain) મળી છે. આ ટ્રેન નમો ભારત ટ્રેન (NamoBharat Train) તરીકે ઓળખાશે. આજે તા. 20 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMNarendraModi) ગાઝિયાબાદના (Gaziabad) વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી ‘નમો ભારત’ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આવતીકાલ તા. 21મી ઓક્ટોબરથી સામાન્ય જનતા માટે આ ઝડપી ટ્રેન સેવા શરૂ થશે.

પ્રથમ તબક્કામાં આ ટ્રેનમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર પર સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધી 17 કિમીનું અંતર કાપી શકાશે. આ યાત્રા 12 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં અને 68 કિમી ઉત્તર પ્રદેશમાં છે.

નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) NCRમાં પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) નું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે, જે દિલ્હી મેટ્રોની વિવિધ લાઇન સાથે જોડાયેલું હશે. તે અલવર, પાણીપત અને મેરઠ જેવા શહેરોને પણ દિલ્હીથી જોડશે.

ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ તેમાં બેસીને પ્રવાસનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન તેમણે ટ્રેનમાં હાજર શાળાના બાળકો સાથે પણ વાત કરી હતી. પીએમ મોદીએ નમો ભારતના ક્રૂ સાથે પણ વાતચીત કરી હતી.

આ અગાઉ આજે સવારે પીએમ મોદીએ ગાઝિયાબાદથી રેપિડ રેલને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે તેમની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. હાલમાં આ ટ્રેન 5 સ્ટેશનો વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે. બાદમાં 82 કિલોમીટરનો કોરિડોર પૂરો થયા પછી, દિલ્હીથી મેરઠની મુસાફરી 1 કલાકથી ઓછા સમયમાં કરી શકાશે.

આ રેપીડ ટ્રેન 160 કિ.મી.ની ઝડપે દોડશે
આ રેપીડ ટ્રેનો 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરવામાં આવી છે. જોકે, આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડશે. આ ટ્રેન 60 મિનિટમાં 100 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. 6 કોચવાળી આ ટ્રેનનો દેખાવ બિલકુલ બુલેટ ટ્રેન જેવો છે. આરઆરઆરટીએસ એ મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ શાંતિથી લાંબા અંતરની મુસાફરી ઓછા સમયમાં પુરી કરવા માંગે છે.

આ રેપિડએક્સ ટ્રેનોનું સંચાલન મહિલાઓ કરશે
આ આધુનિક હાઇ-સ્પીડ, હાઇ-ફ્રિકવન્સી રેપિડએક્સ ટ્રેનોના સંચાલનમાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવશે. આ વિભાગની કામગીરીમાં મહિલા કર્મચારીઓની ભાગીદારી પુરૂષ કર્મચારીઓ કરતાં વધુ હશે. પ્રાથમિક વિભાગમાં રેપિડએક્સ ટ્રેનો ચલાવવા માટે નિયુક્ત કરાયેલા ટ્રેન ઓપરેટરોમાં, મહિલા ઓપરેટરોની સંખ્યા પુરૂષ ઓપરેટરો કરતાં વધુ છે. આ સિવાય સ્ટેશન કંટ્રોલ, મેનેજમેન્ટ, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, ઓપરેશન કંટ્રોલ સેન્ટર, ટ્રેન એટેન્ડન્ટ વગેરેમાં પણ મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવશે.

Most Popular

To Top