સુરત(Surat): આગામી તા. 24મી ઓક્ટોબરના રોજ દશેરા (Dashera) નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતના વેસુ વિસ્તારમાં રાવણ (Ravana) દહનનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આદર્શ રામલીલા દ્વારા આ રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વખતે 65 ફૂટ ઊંચા રાવણનું પૂતળું બનાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે રાવણનું પૂતળું બનાવવા માટે ખાસ કૃષ્ણની (Krishna) જન્મભૂમિ મથુરાથી (Mathura) કારીગરો આવ્યા છે.
હાલમાં આરાધ્યનું પર્વ નવરાત્રિ (Navratri) ચાલી રહ્યું છે. નવરાત્રિ પછી દશેરાની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને શહેરમાં રાવણ દહન માટેની ઠેર-ઠેર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ખાસ વાત એ છે કે મથુરાથી સુરત શહેરમાં આવેલા મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવી રહ્યા છે. 65 ફુટ જેટલા મહાકાય રાવણના પુતળાનું રામલીલાના મેદાનમાં દહન કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશના મથુરા ખાતે રહેતા મોહમ્મદ અસ્ફાકએ જણાવ્યું હતું કે તેઓ 15 જેટલા કારીગરો સુરત ખાતે આવ્યા છે. તેઓ ખાસ અહીં રાવણના પૂતળા બનાવવા માટે આવ્યા છે. તેઓ તમામ ભેગા મળીને 65 ફુટ જેટલું ઊંચું મહાકાય પૂતળું બનાવી રહ્યાં છે. દર વર્ષે તેઓ સુરત ખાતે ખાસ કરીને રાવણના પૂતળા બનાવવા માટે આવે છે. છેલ્લા 35-40 વર્ષથી તેઓ મથુરાથી સુરત રાવણનું પૂતળું બનાવવા માટે આવે છે. આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી છે. એક-એક પાર્ટ્સ તૈયાર કરી તેઓ 65 ફૂટના રાવણનું પૂતળું બનાવી રહ્યા છે.
સુરતમાં મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવી રહ્યાં છે
સુરતમાં આ વખતે સૌથી મોટા 65 ફુટના રાવણનના પુતળાનું દહન રામલીલા મેદાનમાં થવાનું છે. ખાસ વાત તો એ છે કે સુરતમાં રાવણ બનાવવાની કામગીરી કરનાર કારીગરો મુસ્લિમ છે. વધુમાં મોહમ્મદ અસ્ફાકે કહ્યું હતું કે તેઓ કોઈ પણ ધાર્મિક ભેદભાવ વગર સંપૂર્ણ ભાઈચારાથી આ કામ છેલ્લાં 35 વર્ષથી કરી રહ્યાં છે.