જગતને સુધારી નાંખવાનો જોશ એટલે યુવાની, પછી હોંશ આવે ત્યારે ખબર પડે કે જગતને નહીં, જાતને સુધારવા જેવી છે.. જુવાની એટલે જ દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાનો જોસ્સો…. જુવાની એટલે જ l will do anything નો ઉત્સાહ… જુવાની એટલે જ આંખ મીંચીને કુદી પડવાનું સાહસ… આંખ મીંચીને કુદી પડવામાં સફળ થઈએ તો સાહસ ગણાય અને નિષ્ફળ જઈએ તો દુઃસાહસ..! જુવાની એટલે ચડતું લોહી… ચડતું લોહી હિમાલય ચઢવા ય પ્રેરે, જ્યારે ઉતરતું લોહી ઉંમરો ઓળંગતા ય અટકાવે.. ડુંગરો ય ઉંબરા જેવો લાગે તો માનવું કે ચઢતું લોહી છે અને ઉંબરો ડુંગરા જેવો લાગવા માંડે તો સમજવું કે વળતા પાણી છે…
પચાસ વર્ષની ઉંમરે પચીસ વર્ષે હોય એટલી શક્તિ ના હોય અને ૫૦ વર્ષની ઉંમરે જે સમજણ શક્તિ હોય એ ૨૫ વર્ષે ના હોય.. સાહસ એ જુવાનીનું લક્ષણ છે, જ્યારે ગણત્રી એ પીઢતાની નિશાની છે.. માણસ જ્યારે calculative risk લેતો થઈ જાય ત્યારે માનવું કે હવે ઉતરતું લોહી છે.. સમય તમને વેડફી નાંખે એ પહેલાં સમયનો સદુપયોગ કરી લેવો એ “જીવન કળા” છે.. કોઈકે સરસ કહ્યું છે કે, જેને બધું સમયસર હોય છે, એનું મૃત્યુ પણ એક અવસર હોય છે.
સુરત – પ્રેમ સુમેસરા.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.