ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં હિન્ડનબર્ગ રિપોર્ટ દ્વારા અદાણી જૂથની વિશ્વસનીયતા પર પ્રહાર કરવામાં આવ્યો તેને કારણે તેની કંપનીના શેરોના ભાવો ગગડી ગયા હતા. તે પછી પત્રકાર નેટવર્ક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) દ્વારા અદાણી જૂથ પરના આક્ષેપો દોહરાવવામાં આવ્યા હતા. પરિણામે ગૌતમ અદાણીની સંપત્તિમાં એટલું ધોવાણ થયું હતું કે તેઓ ભારતના પહેલા નંબરના સૌથી ધનવાન મટીને બીજા નંબર પર ઊતરી ગયા હતા.
હવે લંડનના પ્રતિષ્ઠિત દૈનિક ફાઇનાન્સિયલ ટાઇમ્સે ધડાકો કર્યો છે કે અદાણી જૂથ દ્વારા જે કોલસાની આયાત કરવામાં આવી હતી તેના ભાવોમાં કૃત્રિમ વધારો દેખાડીને તેના દ્વારા ઉત્પન્ન થતી વીજળીના દામ વધારી દેવામાં આવ્યા હતા, જેને કારણે ભારતના વપરાશકારોને ૪.૮ અબજ ડોલરનું નુકસાન થયું હતું. અદાણી જૂથે આ હેવાલને નકારી કાઢ્યો છે તો પણ તેની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચ્યા વિના રહેવાનો નથી.
અદાણી જૂથે કોલસાના વેપારમાં હાથ નાખ્યા પછી સતત તેના પર સરકારની મહેરબાની મેળવીને વધુ પડતી કમાણી કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. અદાણી જૂથે છેક ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો ખરીદી છે. તેનો કોલસો સ્ટીમરો દ્વારા ભારતમાં લાવવામાં આવે છે અને થર્મલ પાવર પ્લાન્ટોને વેચવામાં આવે છે. આ કોલસો ભારતમાં નીકળતા કોલસા કરતાં મોંઘો પડતો હોવા છતાં કેટલીક રાજ્ય સરકારો દ્વારા સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટો આ મોંઘો કોલસો ખરીદે છે. આંધ્ર પ્રદેશ સરકારે ગૌતમ અદાણી જૂથને કોલસાની આયાતનો કોન્ટ્રાક્ટ વાસ્તવિક કિંમત કરતાં વધુ ભાવે આપ્યો હોવાની અનેક વર્તુળોમાં ટીકા થઈ રહી છે. રાજ્ય સરકારે ૭.૫ લાખ ટન કોલસાની આયાત કરવા માટે ગૌતમ અદાણી જૂથને ત્રણ ગણી વધુ રકમ ચૂકવવાનું નક્કી કર્યું છે. કોલસાનો બજાર ભાવ ટનના ૪,૫૦૦ રૂપિયા છે, પણ અદાણી જૂથને ટનના ૧૩,૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે.
બ્રિટન સ્થિત પ્રકાશન ફાઇનાન્સિયલ ટાઇમ્સે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે જાન્યુઆરી ૨૦૧૯ અને ઓગસ્ટ ૨૦૨૧ વચ્ચે અદાણી જૂથે કથિત રીતે ૩૦ શિપમેન્ટમાં તેના આયાતી કોલસાની કિંમતમાં ૭૩ મિલિયન ડોલરનો વધારો કર્યો હતો. જ્યારે આ ૩૦ શિપમેન્ટ ઇન્ડોનેશિયાના કિનારેથી નીકળ્યાં, ત્યારે તેની નિકાસ કિંમત કુલ ૧૩૯ મિલિયન ડોલર હતી, પરંતુ ભારત પહોંચ્યા પછી તે ૨૧૫ મિલિયન ડોલર થઈ ગઈ હતી, જે મૂળ કિંમત કરતાં બાવન ટકા વધુ હતી. કોલસાના ઓવર ઈનવોઈસનો ફાયદો સીધો અદાણી ગ્રુપને ન પહોંચ્યો હોવા છતાં તે એવી કંપનીઓને થયો હતો કે જેઓ અદાણી ગ્રુપમાં કથિત રીતે ગુપ્ત શેરધારકો હતા.
વાત ખરેખર જૂની છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ૨૦૧૬માં એક પરિપત્ર જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ડોનેશિયાથી કોલસાની આયાતના ઓવર ઈનવોઈસિંગ માટે અદાણી ગ્રુપની પાંચ કંપનીઓ સહિત ૪૦ કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈએ ત્યાર બાદ સિંગાપોર અને અન્ય કેટલાક દેશોને લેટર ઓફ રોગેટરી (અન્ય દેશોમાં તપાસ માટેની વિનંતી) મોકલ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૯ માં આ રોગેટરી લેટરોને એમ કહીને રદ કર્યા હતા કે તેમને મોકલતી વખતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ આદેશ બાદમાં જાન્યુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપની અને અન્ય કંપનીઓની તપાસ ફરી શરૂ કરવા સામે સ્ટે આપ્યો હતો. જો કે, ૨૦૧૯ માં બોમ્બે હાઈકોર્ટે નોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામેના કેસને ફગાવી દીધો હતો, જે ડીઆરઆઈ દ્વારા નામ આપવામાં આવેલી ૪૦ કંપનીઓમાંથી એક હતી.
અદાણી ગ્રુપે સોમવારે જારી કરેલા નિવેદનમાં ફાઇનાન્શિયલ ટાઇમ્સના તમામ આક્ષેપોને પૂર્વગ્રહપ્રેરિત જણાવીને રદિયો આપ્યો છે. તેણે એ હકીકત પર પ્રકાશ પાડ્યો હતો કે ‘‘જાન્યુઆરી ૨૦૨૩માં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા સામેની ડીઆરઆઈની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને એવી ટિપ્પણી કરી હતી કે “અમે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા વલણની પ્રશંસા કરીએ છીએ કે તેણે બિનજરૂરી મુકદ્દમામાં સામેલ થવું જરૂરી નથી.’ફાઇનાન્શિયલ ટાઇમ્સનો “બેશરમ એજન્ડા’એ હકીકત દ્વારા સ્પષ્ટપણે પ્રગટ થાય છે કે તેઓએ માત્ર અદાણી ગ્રુપ વિશે જ વાત કરી છે, જ્યારે ડીઆરઆઈના મૂળ પરિપત્રમાં અદાણી ગ્રુપની કંપનીઓ સહિતના ૪૦ આયાતકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૪૦ કંપનીઓ દ્વારા કોલસાની આયાતમાં કરાયેલા કથિત ઓવર વેલ્યુએશનનો મુદ્દો ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ણાયક રીતે ઉકેલવામાં આવ્યો હતો.’’
ફાઇનાન્શિયલ ટાઇમ્સનો રિપોર્ટ કહે છે કે કોલસાના ભાવોમાં ઓવર ઈનવોઈસિંગનો ફાયદો સીધો અદાણી ગ્રુપને મળ્યો ન હતો, પરંતુ તેના બદલે ત્રણ વચ્ચેની કંપનીઓને મળ્યો હતો, જેમાં તાઈપેઈમાં હાઈ લિંગોસ, દુબઈમાં વૃષભ કોમોડિટીઝ જનરલ ટ્રેડિંગ અને સિંગાપોરમાં પાન એશિયા ટ્રેડલિંકનો સમાવેશ થતો હતો. ભારતીય આયાતના આંકડાઓ સૂચવે છે કે અદાણીએ બજાર કિંમતો કરતાં નોંધપાત્ર પ્રીમિયમ પર કોલસો ખરીદવા માટે ત્રણ કંપનીઓને કુલ ૪.૮ અબજ ડોલર વધુ ચૂકવ્યા હતા.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે ઓગસ્ટમાં પત્રકાર નેટવર્ક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) દ્વારા હાથ ધરવામાં આવેલી અગાઉની તપાસ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હાઈ લિંગોસના માલિક તાઈવાનના વેપારી ચાંગ ચુંગ-લિંગ ગુપ્તપણે અદાણી ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર હતા. ચાંગ ચુંગ-લિંગની ઓળખ ટેક્સ હેવન કન્ટ્રીમાં કાગળ પર છૂપાવવામાં આવી હતી, જ્યારે દુબઈથી રોકાણનું સંચાલન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીના કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું.
નવાઈની વાત એ છે કે ભારતમાં કોલસાના વેપારમાં અદાણી ગ્રુપની તરફદારીનો દાવો કરવામાં આવે છે તેમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસની સરકારો પણ સામેલ છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહના આક્ષેપ મુજબ છત્તીસગઢમાં પારસા અને કાંતા ખાતે આવેલી કોલસાની બે ખાણો રાજસ્થાન સરકારને ફાળવવામાં આવી હતી, જેમાં રાજસ્થાન સરકારને ૨૬ ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ કંપનીમાં ૭૪ % શેર અદાણીના છે અને ૨૬ % શેર રાજસ્થાન સરકારના છે.
કોલ ઈન્ડિયાએ રાજસ્થાન સરકારને પ્રતિ ટન રૂ. ૨,૦૦૦ના ભાવે કોલસો આપ્યો હતો, જ્યારે અદાણીની ખાણોએ એ જ કોલસો રૂ. ૨,૩૦૦ પ્રતિ ટનના ભાવે વેચ્યો હતો. રાજસ્થાન સરકારને જે ખાણો ફાળવવામાં આવી હતી તેમાંથી કાઢવામાં આવેલો કોલસો અદાણી ગ્રુપ દ્વારા રાજસ્થાન સરકારને જ વેચવામાં આવ્યો હતો. કોલ ઈન્ડિયાના નિયમો હેઠળ પાવર પ્લાન્ટ્સમાં ૨,૨૦૦ કેલરીનો કોલસો વાપરી શકાય છે, પરંતુ રાજસ્થાન સરકારે અદાણી સાથેના કરારમાં કહ્યું છે કે પાવર પ્લાન્ટ્સમાં ૪ હજાર કેલરીથી ઓછા કોલસાનો ઉપયોગ કરી શકાતો નથી. આ રીતે અદાણીને રિજેક્ટના નામે ૨૫ % કોલસો વેચવાની કે તેનો ઉપયોગ તેના પોતાના પાવર પ્લાન્ટમાં કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જો કે ભારત સરકારના નિયમો અનુસાર ખાનગી કંપની ખાણમાંથી કોલસાનો એક ટુકડો પણ લઈ શકતી નથી.