Charchapatra

દેવ આનંદના જીવનમાં કર્મયોગ હતો

ખૂબસૂરત અભિનેત્રી સુરૈયા સાથેના પ્રણયભંગ બાદ થોડો સમય દેવઆનંદ શોકમાં રહ્યા. પછી એ બધું ભૂલીને ફરી આ કર્મયોગી દેવઆનંદ પોતાના ફિલ્મી જીવનમાં વ્યસ્ત થઇ ગયા. બાદમાં કલ્પનાકાર્તિક સાથે લગ્ન કરી 25 વર્ષ સુધી સુખી દાંપત્યજીવન જીવ્યા. એક સમયે કલ્પના કાર્તિકને આધ્યાત્મિક રંગ લાગ્યો ને તેઓ એક મિશનમાં જોડાયાં. એ બાબતે પણ તેઓ દુ:ખી નહીં થયાં. પત્ની સાથે બાંધછોડ કરીને પત્નીને પોતાની રીતે જીવન જીવવા માટે તેઓએ કોઇ પ્રકારનું મનદુ:ખ કર્યું નહીં.

રાજીખુશીથી પત્નીને એ મિશનમાં જવા માટે વિદાય કર્યાં. દેવ આનંદને એક જ પ્રકારની ધૂન લાગી હતી માત્ર ને માત્ર ફિલ્મ. એ જ એમનો ધર્મ અને અંત સમય સુધી કર્મ. હરે રામ હરે કૃષ્ણ ફિલ્મથી તેઓને ઝિન્નત અમાન તરફ આકર્ષણ રહ્યું. પરંતુ પાછળથી તેઓને ખબર પડી કે ઝિન્નત અમાન સત્યમ્ શિવમ્ સુંદરમના શુટીંગ દરમિયાન રાજકપૂરની નજીક છે ત્યારથી તેઓએ  પોતાની અલગ પ્રકારની જીવનશૈલીથી ઝિન્નત અમાન સામે પણ કોઇ નારાજગી બતાવી નહીં.

હરે રામ હરે કૃષ્ણ ફિલ્મ તેઓની અંતિમ સફળ ફિલ્મ હતી. બાદમાં કુલ 20 ફિલ્મો સરિયામ નિષ્ફળ નીવડી. એ બાબતે પણ તેઓ દુ:ખી થયા નહીં. એમનો એક જ જીવનમંત્ર હતો ને રહ્યો. મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા. લંડનમાં એમનું અવસાન થયું ત્યારે દીકરાને એક દિવસ કહ્યું કે મારા મૃત્યુનો શોક કરશો નહીં. દીકરાએ પણ લંડનમાં થોડા પરિચિત વ્યકિતઓની વચમાં એની અંતિમવિધિ પૂરી કરી. ટૂંકમાં કહેવાનો સાર એટલો કે એમને કયારેય દુ:ખી થઇને દેવદાસ બનવાનું ફાવ્યું નહીં. પસંદ કર્યું નહીં.દેવ આનંદ દેવ આનંદ બનીને રહ્યા. દિલીપકુમાર નહીં.
સુરત     – જગદીશ પાનવાલા

ક્રિકેટમાં સુરત કેમ ઉપેક્ષિત છે?
ક્રિકેટની રમતનો જન્મ ઇંગ્લેન્ડમાં થયેલો. આપણા દેશમાં કેટલાક રાજા મહારાજાઓએ આ રમતને પોતાનો અંગત શોખ સમજીને અપનાવી. સમય જતાં મુંબઇમાં બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટની (બીસીસીઆઇ) સ્થાપના કરવામાં આવી. દેશના પાંચ ઝોન ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યમાં બોર્ડની વહેંચણી કરવામાં આવી. આ બોર્ડ 125 થી 130 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું. આપણા ઝોનમાં મુંબઇ હતું. પણ મુંબઇ ગુજરાત 1960માં અલગ થયાં. અમદાવાદ પાટનગર બન્યું. દરેક ઝોનમાં મુખ્ય મુખ્ય શહેરોમાં ક્રિકેટ એસોસીએશન સ્થપાયાં હતાં. તેમાં અમદાવાદ મુખ્ય હતું અને બાકીના ક્રિકેટ એસોસીએશન અમદાવાદના તાબામાં રહેતા હતા.

જેથી કરીને બીસીસીઆઇ જયારે પણ કોઇ આંતરરાષ્ટ્રીય મેચ હોય તો પ્રથમ અમદાવાદને જાણ કરે અને અમદાવાદથી બીજાં શહેરોનાં એસોસીએશનને તેનો લાભ પ્રાપ્ત થાય. એટલે આંતરરાષ્ટ્રીય મેચ મોટે ભાગે અમદાવાદને જ મળે. એટલે સુરત, વલસાડ, ભરૂચ, ખેડા, દાદરાનગર હવેલી કે કોઇ બીજા શહેરને તેનો લાભ ન મળે. વડોદરા તો પહેલેથી ગાયકવાડ સરકારમાં હતું અને તેણે તો પહેલેથી બીસીસીઆઇના સભ્ય બની ગયેલા. કારણ કે દેશના રાજા રજવાડાંઓએ આ કામ માટે પહેલેથી સક્રિયતા દાખવેલી. વર્તમાન પરિસ્થિતિમાં હવે બીસીસીઆઇ પણ સુરત, વલસાડ જેવાં શહેરોની અવારનવાર મુલાકાત લઇ સારી સારી મેચોના આયોજન અંગેની શકયતા તપાસીને મેચો ફાળવતા થયા છે. સારી વાત છે.
સુરત              – રમેશ વૈદ્ય

Most Popular

To Top