SURAT

સુરતના રત્નકલાકારને 30 મિનિટમાં 3 હાર્ટ એટેક આવ્યા, કલર કામ કરતો યુવક અચાનક ઢળી પડ્યો

સુરત (Surat) : છેલ્લાં કેટલાંક સમયથી હાર્ટ એટેકના (HeartAttack) બનાવમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરના બાળકો પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામી રહ્યાં છે, ત્યારે આજે સુરતમાં હાર્ટ એટેકમાં મોતના બે બનાવ બન્યા છે, જેમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નવાગામ અને ઓલપાડમાં એક કલાકના સમયગાળા દરમિયાન બે વ્યક્તિઓને છાતીમાં દુ:ખાવો થયા બાદ મોત નિપજ્યા હોવાની દુઃખદ ઘટના બની છે. તે પૈકી એક યુવક કલર કામની મજૂરી કરતો હોવાનું અને બીજો રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટ મોર્ટમ કરનાર ડો. ઉમેશ ચૌધરી એ જણાવ્યું હતું કે બન્નેના મોત લગભગ હૃદય રોગના હુમલામાં થયા હોય એવી આશકા છે. છતાં સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કહી શકાશે.

કલર કામ કરતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને યુવક બેભાન થઈ ગયો
પહેલી ઘટનામાં વીઆઈપી રોડના આવાસમાં કલર કામ કરતી વખતે યુવકનું મોત થયું છે. માહિતી મુજબ વીઆઈપી રોડ નજીકના એસએમસી આવાસ પાસે કલર કામ કરતી વખતે 35 વર્ષીય ધર્મવીર રામનક્ષત્ર ગોડનું મોત થયું છે. તેના પરિવારના સભ્ય અનિલભાઈએ કહ્યું કે, ઘટના બુધવારની સાંજની હતી. ધર્મવીર SMC આવાસ પાસે કલર કામ કરતો હતો. અચાનક કામ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ નીચે પટકાતા બેભાન થઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો. ધર્મવીર યુપી ગોરખપુરનો રહેવાસી હતો. તેના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. ઘરનો આર્થિક આધારસ્તંભ છીનવાઇ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રત્નકલાકાર વિપુલ પટેલ

30 મિનિટમાં 3 હાર્ટ એટેક આવતા 42 વર્ષીય રત્નકલાકારનું મોત
બીજી ઘટનામાં 30 મિનિટમાં ઉપરાછાપરી ત્રણ એટેક આવતા ઓલપાડમાં રહેતા 42 વર્ષીય રત્નકલાકારનું મોત થયું છે. બળવંત ભાઈ પટેલ (મૃતકના પિતા) એ જણાવ્યું હતું કે બે સંતાનોમાં વિપુલ પટેલ નાનો હતો. 42 વર્ષીય વિપુલ ને બે સંતાન અને પત્ની સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો. રત્નકલાકાર તરીકે કામ કરી ઘરે આવ્યા બાદ ઓટલા પર હીંચકા પર બેઠાં બાદ છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. કંઈ સમજ પડે અને વિપુલને દાદર ઉતારીએ એટલે બીજો એટેક આવ્યો હતો. ઓલપાડ ખાનગી ડોક્ટર પાસે પહોંચીએ એ પહેલાં ત્રીજો એટેક આવી ગયો હતો. 30 મિનિટમાં ત્રણ એટેક આવ્યા બાદ વિપુલે છેલ્લા શ્વાસ લીધા હતા. જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણી શકાશે: ડો. ઉમેશ ચૌધરી
ડોક્ટર ઉમેશ ચૌધરી કહે છે બંને કેસમાં સેમ્પલ લેવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ કહી શકાશે, જોકે હૃદય રોગનો હુમલો બન્ને માટે જીવલેણ બન્યો હોય એ વાત ને નકારી શકાય નહીં.

Most Popular

To Top