ગાંધીનગર: તાજેતરમાં 17મી સપ્ટે.ની આસપાસ ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર (Flood) આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાજય સરકાર (Gujarat Goverment) દ્વારા રાહત સહાય પેકેજડની જાહેરાત કરાઈ છે.
આ રાહત સહાય પેકેજનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા ૨ શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે. અગાઉ રાજય સરકારે કૃષિ રાહત પેકેજ તથા કપડા અને ઘરવખરી સહાયની પણ જાહેરાત કરી દીધી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ જિલ્લાઓના નાના વેપારી , રેકડીધારકો માટે આ સહાયની જાહેરત કરાઈ છે.
આ સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહી માસિક રૂ. ૫ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. 31/10/2023 સુધીમાં સંબંધિત મામલતદાર – નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર કરવાના મામલે જો કોઈ વિવાદ થાય તો તેવા કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.
સહાયની વિગતો નીચે મુજબ છે:
- લારી / રેકડી ધારકોને ઉચ્ચક રોકડ સહાય – રૂ. 5,000/-
- નાની સ્થાયી કેબિન ધારકોને ૪૦ ચોરસ ફુટ સુધીનો વિસ્તાર ઉચ્ચક રોકડ સહાય – રૂ. 20,000/- ,
- મોટી કેબિન ધારકોને 40 ચોરસ ફુટથી વધારે વિસ્તાર ઉચ્ચક રોકડ સહાય – રૂ. 40,000/-
- નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે પાકા બાંધકામવાળી જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. 5લાખ સુધી હોય , તેને ઉચ્ચક રોકડ સહાય – રૂ. 85,000/-
- મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી અને જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. 5 લાખથી વધુ હોય તેને , રૂ. 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે વધુમાં વધુ કુલ રૂ. 5 લાખ સુધીની સહાય અપાશે .