ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર દુનિયાની રાજનીતિમાં મોદી સરકારના ચાણક્ય બની ગયા છે. ભારતીયો તેમને પસંદ કરે છે. તેમની સાદગી હોય કે બેફામ જવાબો આપવાની તેમની શૈલી હોય, તેઓ બુદ્ધિપૂર્વક ભારતની વકીલાત કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછીની કટોકટી હોય કે કેનેડા સાથેનો વર્તમાન વિવાદ, જયશંકરે પોતાની બિનધાસ્ત કૂટનીતિથી દુનિયાને અરીસો બતાવ્યો છે. જ્યારથી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અને વિદેશ મંત્રીએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનું નામ લીધું છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. આવા વાતાવરણમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક માટે અમેરિકા ગયેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે પોતાની તીખી દલીલો અને ધારદાર નિવેદનોથી કેનેડાને ક્ષોભમાં નાખી લીધું છે. લોકો કહેવા લાગ્યા છે કે જયશંકરને ‘મોદીના મિસાઈલ મિનિસ્ટર’ કહેવાય છે તે સાર્થક છે.
હકીકતમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કથિત તપાસ રિપોર્ટના બહાને કેનેડાના વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમનું કદ વધારવા માગતા હતા. શીખોની લાગણી જીતીને ઘરઆંગણે પોતાની વોટબેંક વધારવાની તેમની ઈચ્છા હતી. ફાઇવ આઇ સોદાને ટાંકીને અમેરિકા અને અન્ય દેશોએ પણ તેમના હાથ મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ જયશંકરે હવે જે કહ્યું તે તેમને નુકસાન પહોંચાડી શકે છે. જયશંકરે પોતાનાં ધારદાર નિવેદનો દ્વારા તેમને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે. કૂટનીતિના માસ્ટરની જેમ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સિવાયના અન્ય કાર્યક્રમોમાં કેનેડાને જડબાંતોડ જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રીએ કહ્યું કે તે દિવસો ગયા, જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરતા હતા અને અન્ય લોકો તેમની વાત સ્વીકારે તેવી અપેક્ષા રાખતા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં તેમણે કહ્યું હતું કે પ્રાદેશિક અખંડિતતાનું સન્માન અને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ પસંદ કરી શકાય નહીં.
મુત્સદ્દીગીરીમાં ખાસ કરીને દેશના વડા પ્રધાન કોઈ પણ અન્ય દેશની વિરુદ્ધ બોલવાનું ટાળે છે; પરંતુ જસ્ટિન ટ્રુડોએ જે પ્રકારની અપરિપક્વતા દર્શાવી છે તેની તેમના જ દેશમાં નિંદા થઈ રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાની ભૂમિ પર હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતમાં કેનેડાને સ્પષ્ટ કહ્યું છે કે આ અમારી નીતિ નથી. અમે આ કિસ્સામાં ચોક્કસ અને સંબંધિત માહિતીને ધ્યાનમાં લેવા તૈયાર છીએ. વિપક્ષના નેતાઓ જ નહીં, ભારત સરકાર પણ તેના પુરાવા માંગી રહી છે, પરંતુ જસ્ટિન ટ્રુડો મૌન છે. જયશંકરે વધુમાં કહ્યું કે ‘‘અમારી ચિંતા એ છે કે કેનેડામાં રાજકીય કારણોસર અલગતાવાદી ગતિવિધિઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ભારતીય રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી રહી છે અને મિશન પર હુમલો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.’’
અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે ભારતીય નેતાઓએ વિવાદાસ્પદ પ્રશ્નોને ટાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જયશંકર સામી છાતીએ પ્રહારો કરે છે. જ્યારે જસ્ટિન ટ્રુડોના આરોપો વિશે પૂછવામાં આવ્યું કે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હતા, તો તેમણે કહ્યું કે ‘‘અમે કેનેડાને જે કહ્યું છે તે હું તમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું. સૌ પ્રથમ, આ ભારત સરકારની નીતિ નથી.’’ કેનેડાના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા જયશંકરે કહ્યું કે ‘‘તમારે સંદર્ભ સમજવો પડશે; કારણ કે આ સંદર્ભ વિના ચિત્ર સ્પષ્ટ નહીં થાય.’’ કેનેડાની સરકારને સંબોધતાં તેમણે કહ્યું કે ‘‘તમારે સમજવું પડશે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેનેડાએ અલગતાવાદી બળો, હિંસા, કટ્ટરપંથી સંબંધિત ઘણા સંગઠિત અપરાધો જોયા છે. તેઓ એકબીજા સાથે ખૂબ જ ઊંડો સંબંધ ધરાવે છે. સત્ય એ છે કે અમે કેનેડાના અધિકારીઓને પગલાં લેવા માટે સતત કહી રહ્યા છીએ. ત્યાં હાજર ઘણા ગેંગસ્ટર વિશે પ્રત્યાર્પણની ઘણી વિનંતીઓ કરવામાં આવી હતી; પરંતુ ત્યાંનું વાતાવરણ અલગ પ્રકારનું છે.’’
કેનેડા વારંવાર કહી રહ્યું છે કે તેણે કથિત રૂપે પુરાવા આપ્યા છે કે ભારતીય અધિકારીઓ હરદીપસિંહ નિજ્જર પરના હુમલા અંગે વાકેફ હતા. જયશંકરે પૂછ્યું હતું કે ‘‘શું તમે કહો છો કે કેનેડાના અધિકારીઓએ અમને દસ્તાવેજો આપ્યા હતા? જો કોઈ અમને ચોક્કસ કે સંબંધિત માહિતી આપે તો અમે તેના પર વિચાર કરવા તૈયાર છીએ. જો માહિતી ઉપલબ્ધ હોત, તો તે ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવી હોત.’’ જયશંકરે હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતના કેનેડાના આરોપ પર એવું ન કહીને પરિપક્વતા બતાવી કે ‘‘અમે તે કર્યું નથી.’’ તેમણે કહ્યું હતું કે ‘‘આ અમારી સરકારની નીતિ નથી.’’ તેમનું આ વિધાન ‘નરો વા, કુંજરો વા’ જેવું જણાઈ રહ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનું આયોજન મોટા પાયે કરવામાં આવ્યું હતું. તેમાં ઓછામાં ઓછા ૬ લોકો અને બે કાર સામેલ હતાં. ૯૦ સેકન્ડ દરમિયાન લગભગ ૫૦ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી ૩૪ ગોળીઓ નિજ્જરને વાગી હતી. ગુરુદ્વારા સ્વયંસેવક ભૂપિન્દરજીતસિંહ ૧૦૦ મીટર દૂર ફૂટબોલ રમી રહ્યો હતો. અવાજ સાંભળીને તેમને લાગ્યું કે કોઈ ફટાકડા ફોડી રહ્યું છે. બીજી જ ક્ષણે તેણે વિચાર્યું કે આ ગોળીનો અવાજ છે. આ ઘટના પછી ભૂપિન્દરજીતસિંહે સૌથી પહેલાં નિજ્જરને જોયો હતો. તેણે ડ્રાઈવરની બાજુનો દરવાજો ખોલ્યો હતો અને નિજ્જરના ખભાને પકડી લીધો હતો. ત્યાં સુધીમાં નિજ્જરનો શ્વાસ થંભી ગયો હતો. ભૂપિન્દરના કહેવા પ્રમાણે ત્યાં લોહી અને કાચ વિખરાયેલા હતા. જમીન પર કારતૂસના કેસ પડ્યા હતા. ગુરુદ્વારાના અન્ય એક નેતા ગુરમીતસિંહ તૂરે તેમની ટ્રક પાછળથી કાઢી હતી. ભૂપિન્દર પણ તેમાં સવાર થઈ ગયો અને બંને હુમલાખોરોનો પીછો કરવા નીકળ્યા હતા. જો કે તેમને કોઈ મળ્યું નહોતું. ૨૦ મિનિટ પછી પહોંચેલી પોલીસ ટીમો વચ્ચે તપાસને લઈને પણ વિવાદ થયો હતો.
કેનેડાના ગુપ્તચર વિભાગને ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરના હત્યારાઓને શોધવામાં હજુ સફળતા મળી નથી. આટલા દિવસો પછી પણ ગુપ્તચર વિભાગ હરદીપસિંહ નિજ્જરની હત્યા પહેલાં કે પછી કેનેડામાં પ્રવેશેલા કે બહાર આવ્યા હોય તેવા એક પણ ભારતીયની ઓળખ કરી શક્યું નથી. એવી આશંકા છે કે હુમલાખોરો હત્યા કર્યા પછી દેશ છોડીને ભાગી ગયા હોઈ શકે છે. હકીકતમાં કેનેડિયન પોલીસ નિજ્જરની હત્યાની તપાસમાં બે શંકાસ્પદ વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધી હતી, જેમાં એક બળી ગયેલી કાર અને બીજી સિલ્વર રંગની ૨૦૦૮ મોડલની ટોયોટાનો સમાવેશ થાય છે. આ કારોનો ઉપયોગ હત્યારાઓએ કર્યો હતો.
યુનોની જનરલ એસેમ્બલીને સંબોધન કરતાં જયશંકરે આતંકવાદનો જવાબ આપવા માટે રાજકીય રોટલા શેકવા માટે યુનોના સભ્ય દેશો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આતંકવાદનો મુકાબલો કરવાની બાબતમાં રાજકીય સ્વાર્થને આડે આવવા દેવો જોઈએ નહીં. તેમણે ચીન સાથે પણ કડક ભાષામાં બોલવાનું રાખ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધના સંદર્ભમાં યુરોપના દેશોને સંભળાવી દીધું હતું કે તેમણે એમ ન સમજવું જોઈએ કે તેમની સમસ્યા વિશ્વની સમસ્યા છે. રશિયા પાસેથી ભારતે વધુ પ્રમાણમાં ખનિજ તેલ લેવા માંડ્યું તેની યુરોપના દેશો દ્વારા ટીકા થઈ રહી હતી ત્યારે તેમણે સંભળાવ્યું હતું કે યુરોપ રશિયા પાસેથી ભારત કરતાં વધુ ખનિજ તેલ ખરીદે છે.