સુરત: સુરતમાં (Surat) ડોગ બાઇટના (Dog Bite) અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં હવે ઓલપાડથી (Olpad) વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડના શેરડી ગામે ઘર બહાર ઓટલા પર બેસેલા એક વૃદ્ધ પર શ્વાને એટેક કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલુ જ નહીં પણ હાથના પંજા પર શ્વાને બાચકા ભરતા આજે વૃદ્ધને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.
પીડિય વૃદ્ધના જમાઈ દીપકે જણાવ્યું હતું કે સસરા ભાણાભાઈ છોટુભાઈ રાઠોડ ઉ.વ. 70 ને 5 દીકરીઓ જ છે. ઘટના બુધવારની છે. તમામ દીકરી-જમાઈ કામ પર ગયા હતા. વૃદ્ધ સસરા ઘર બહાર ઓટલા પર બેઠા હતા. ત્યારે રખડતા શ્વાને એટેક કરી હાથ પર બાચકા ભર્યા હતા.
મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સાયણ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા હાથમાં ટાકા લીધા બાદ આજે તેમને 108ની મદદથી હડકવાની રસી માટે સુરત સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જો કે હાલ તબિયત સુધારી છે એવા સમાચાર મળ્યા છે.
સુરતમાં ડોગ બાઈટથી એક બાળકીએ જીવ ગુમાવ્યો
સુરત: (Surat) સુરત શહેરમાં બાળકો રખડતાં કૂતરાંના (Dog) આતંકનો (Terror) ભોગ બની રહ્યાં છે, ત્યારે સીડબ્લ્યૂસી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જણાઈ રહ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં બાળકોનાં હિતોનું રક્ષણ કરવા અને કરાવવાની તેમજ તેમને સુરક્ષા આપવાની અને અપાવવાની જવાબદારી જેના માથે છે એ સીડબ્લ્યૂસી (CWC) (ચાઈલ્ડ વેલફેર કમિટી-બાળ કલ્યાણ સમિતિ)ને આ ઘટનાઓ વિશે ખબર નથી.
છેલ્લા બે મહિનાથી શહેરમાં રખડતાં કૂતરાંનો આતંક વધી ગયો છે. પાંચેક બાળકોને કૂતરાંએ શિકાર બનાવ્યાં હતાં. તેમાં ખજોદના શ્રમજીવી પરિવારની 2 વર્ષની દીકરી મર્શીલા હેમરોનને ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. 4 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બાળકોને કૂતરાં કરડવાની આટલી બધી ઘટનાઓ બની રહી છે. એક બાળકીએ જીવ ગુમાવ્યો ત્યારે સીડબ્લ્યૂસી હાથ પર હાથ ધરીને બેઠું છે. સીડબ્લ્યૂસીની ફરજમાં એ પણ આવે છે કે, બાળકો કૂતરાંના શિકાર પણ ન બને. જો બને તો તેમને સારી સારવાર મળી રહે.