સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (dang District) ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ (Rain) નોંધાઈ રહ્યો છે. આજે ગિરિમથક સાપુતારા, શામગહાન સહીત સરહદીય પંથકનાં ગામડાઓમાં (Village) થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ નોંધાતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.
ગિરિમથક સાપુતારાનાં ડુંગરાળ વિસ્તારમાં થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા અંબિકા નદીનાં વહેણ વધ્યા હતા. જ્યારે મંગળવારે ડાંગ જિલ્લાનાં આહવા અને વઘઇ પંથક વરસાદ વિના કોરાકટ રહ્યા હતા. સુબિર પંથકમાં હળવો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન 23 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
સાપુતારા ઘાટમાં ટ્રક પલટી ગઈ
સાપુતારા : નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક જે સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા ચીખલદા ગામ નજીક ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહીત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ પહોચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફને આગ પર કાબુ મેળવવાની તાલીમ અપાઇ
સાપુતારા : આકસ્મિક સંજોગોમા આગના બનાવો બને ત્યારે આગ પર કંઇ રીતના કાબુ મેળવી શકાય તે અંગે, જિલ્લા કલેક્ટર કચેરી-આહવાના સ્ટાફ માટે ડિઝાસ્ટર મામલતદાર દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલની સૂચના અનુસાર ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ તેમજ ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરના અનુભવના આધારે ફાયર પર કાબુ મેળવવાની જાણકારી ધરાવતા ઇન્સ્ટ્રક્ટરને રૂબરૂ બોલાવી, કલેક્ટર કચેરીના સ્ટાફને આકસ્મિક સંજોગોમાં આગ લાગે તો તેના પર કાબુ મેળવવા અંગેની તાલીમ પૂરી પાડવામા આવી હતી.
આ તાલીમમાં આગ ઓલવવા માટેની હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ ફાયર એક્સિટિગ્યુસર કેટલા પ્રકારના હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા માટેની હાઇડ્રોલિક સિસ્ટમ ફીટ કરવામાં આવેલી હોય છે. પરંતુ ખરેખર જ્યારે આગ લાગવાનો પ્રસંગ બને છે, ત્યારે આ ટુલનો ઉપયોગ કરતા નહીં આવડતુ હોવાને કારણે હથિયાર હાથવગુ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. જેના કારણે જાનમાલને નુકસાન થવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારે કલેક્ટર કચેરી, ડાંગની સંપૂર્ણ ટીમ દ્વારા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા આ પ્રકારની તાલીમ આપી અને એક નવો જિલ્લો ચિતરવામાં આવ્યો છે, તેમ ડિઝાસ્ટર મામલતદાર ચિંતન વૈષ્ણવ દ્વારા જણાવાયું છે.