એક યુવાન સફળ બીઝનેસમેન; નામ રોનક.ઘરમાં માતા પિતા,પત્ની.બે બાળકો,નાની બહેન.રોનકે જાત મહેનતે બીઝનેસ શરુ કર્યો અને નાનાપાયે શરુ થયેલો બીઝનેસ સફળતાની ટોચ પર પહોંચ્યો.જેમ જેમ કામ વધતું ગયું અને સફળતા મળતી ગઈ તેમ તેમ રોનક વધુ ને વધુ વ્યસ્ત થતો ગયો.રોનક પાસે માતા પિતા સાથે વાત કરવાનો કે પત્નીની સાથે બહાર જવાનો કે બાળકો સાથે રમવાનો કે નાની બહેનને શોપિંગ કરાવવાનો બિલકુલ સમય જ ન હતો. રોહન વહેલી સવારે નીકળી જતો રાત્રે મોડો આવતો મહિનામાં બે અઠવાડિયા તો બિઝનેસને માટે બહારગામ રહેતો.રોનકની સફળતાથી બધા ખુશ હતા.જણતા હતા કે તે આટલી મહેનત પરિવાર માટે જ કરે છે છતાં પણ તેની ગેરહાજરી બધાને સાલતી.કોઈ ફરિયાદ કરતુ નહિ.પણ મનમાં બધા એક પુત્ર,એક પતિ,એક ભાઈ, એક પિતા નો પ્રેમ અને સમય ઈચ્છતા પણ બીઝનેસમેન રોનકની પાછળ આ બધા રૂપ ગાયબ હતા.
રોનકને ગાડીઓનો ખુબ શોખ હતો તેને ઘરમાં બધા માટે જુદી જુદી કાર લીધી હતી અને બધી કારની જાળવણી પર તે પોતે ખાસ ધ્યાન રાખતો.એક દિવસ રવિવારે પણ એક લંચ મીટીંગ હતી એટલે સવારે સમય હોવાથી રોનક બધી કાર અને તેની જાળવણી વિષે ડ્રાઈવર સાથે વાત કરી રહ્યો હતો.અને તેને ડ્રાઈવરને સુચના આપી કે રોજ કાર બરાબર સાફ થવી જોઈએ અને બરાબર સમય સમય પર દરેક કારનું સર્વીસીંગ વ્યવસ્થિત થવું જોઈએ.ગાર્ડનમાં ચા પીતાં રોનકના પિતાએ રોનક અને ડ્રાઈવરની બધી વાત સાંભળી અને તેઓ ઉભા થયા હાથમાં રોનકનો ગ્રીન ટી નો કપ લીધો અને તેની પાસે જઈ હાથમાં ગ્રીન ટીનો કપ આપતાં એટલું બોલ્યા, ‘લે દીકરા, તારી ટી ઠંડી થાય છે અને દરેક કારની સર્વીસીંગ માટે તું આટલી ચીવટ રાખે છે તે સારી વાત છે;
મોંઘી વસ્તુ છે તને ગમતી વસ્તુ છે એટલે જાળવવી જરૂરી છે.પણ દીકરા એટલું યાદ રાખજે કે તારા જીવનમાં સંબંધો પણ મહત્વના છે અને તેને પણ સર્વીસીંગની જરૂર પડે છે.’આટલી ટકોર કરી પિતા અંદર જતા રહ્યા.રોનક પિતાને અંદર જતા જોઈ રહ્યો.પિતાએ કરેલી ટકોર તે સમજી ગયો તેને તરત આજની લંચ મીટીંગ કેન્સલ કરી.બાળકો સાથે સ્વીમીંગ કર્યું.માતા-પિતા સાથે લંચ લીધું અને બધાની સાથે સાંજે ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવ્યો. તેણે ઘરના નોકરોના પરિવારના હાલચાલ પૂછ્યા…જુના મિત્રોને અને સ્વજનોને ફોન કર્યા…પત્નીએ પૂછ્યું, ‘કેમ આજે કોઈ કામ નથી.’ રોનક બોલ્યો, ‘છે ને..મહત્વનું કામ જ કરી રહ્યો છું મારા સંબંધોનું સર્વીસીંગ કરી રહ્યો છું.’ અને આમ બોલી પિતા સામે હસ્યો. ચાલો, આપણે પણ સંબંધોનું સર્વીસીંગ કરતા રહીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે