SURAT

ચૌટા બજારમાં રખડતાં યુવકે નાનકડી વાતમાં રિક્ષા ચાલકને ઢોર માર માર્યો, ત્રણ દિવસ બાદ મોત

સુરત : ચૌટા બજાર સિંધીવાડના રિક્ષા ચાલકની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ રિક્ષા ચાલકની ભૂલ એટલી જ હતી કે તેણે મહોલ્લામાં રખડતા યુવકને ઠપકો આપ્યો હતો. રિક્ષા ચાલકના ઠપકાંથી રખડુ યુવક એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે રિક્ષા ચાલક પર જાહેરમાં હુમલો કરી દીધો હતો અને ઢીક મુક્કાનો માર માર્યો હતો. ત્રણ દિવસ બાદ આ રિક્ષા ચાલકનું મોત થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોર રખડું યુવકને પકડવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા ચાલક ગણેશ દાનજી સુમસેરા (ઉં.વ. 39) ચૌટા બજારના સિંધીવાડમાં રહેતો હતો. ગયા રવિવારે ગણેશ સુમસેરાએ મહોલ્લામાં રખડતા રાજસ્થાની યુવક રાકેશને ઠપકો આપતા કહ્યું હતું કે, મહોલ્લામાં કેમ રખડે છે? ગણેશના ઠપકાથી રાકેશ ગુસ્સે ભરાયો હતો અને રિક્ષા ચાલક ગણેશ પર હુમલો કરી દીધો હતો. જાહેરમાં જ ગણેશને ઢીક મુક્કાનો માર માર્યો હતો. ગણેશને ગંભીર ઈજાઓ પહોંચતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ગણેશના નાક, મોંઢા અને માથા પર ટાંકા લેવા પડ્યા હતા.

સારવાર બાદ રજા લઈ ગણેશ ઘરે આરામ કરતો હતો. ત્રણ દિવસ બાદ આજે બુધવારે સવારે 6.30 કલાકે ગણેશની તબિયત બગડી હતી. તેથી તેને 108માં ફરી સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે. હુમલાખોર રાકેશે ચાર મહિના પહેલા પણ પિતા પર હુમલો કરી લાફા માર્યા હોવાનું મૃતકના ભાઈ કાલિદાસે જણાવ્યું છે. એ બાબતે જ ગણેશે મહોલ્લામાં કેમ આવે છે કહી રવિવારે ફરી ઠપકો આપ્યો હતો તેથી રાકેશે હુમલો કરી દીધો હતો.

Most Popular

To Top