આણંદ : આણંદ જિલ્લાના પંચાયતની અઢી વર્ષની મુદત ભાજપના નેતૃત્વમાં પ્રમુખ હંસાબેન પરમાર અને ઉપપ્રમુખ સંજયભાઇ પટેલના કાર્યભાર હેઠળ પૂર્ણ થઇ છે. આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે હસમુખભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હીરાબેન સિંધાએ ઉમેદવારી નોંધાવી છે. જોકે શાસક પક્ષ ભાજપ સિવાય કોઈ પક્ષના સભ્યો ઉમેદવારીપત્રો રજૂ કરી તેવી શક્યતા જણાતી નથી. જેથી ગુરુવારે સભામાં પ્રમુખ-ઉપપ્રમુખ બન્નેને બિનહરીફ નિયુક્ત કરી દેવાશે.
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વિધાનસભા વિસ્તારમાં હાલમાં મોટેભાગે ભાજપનુ પ્રભુત્વ રહેલું છે. જેથી મજબૂત વિપક્ષના અભાવે વિવિધ જવાબદારીઓ માટે ભાજપના પ્રતિનિધિઓની નિર્વિધ્ને નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયત માટે આગામી અઢી વર્ષના શાસનકાળ માટે પ્રમુખ તરીકે હાડગુડ જીલ્લા પંચાયત બેઠકના સભ્ય હસમુખભાઈ ધુળાભાઈ પટેલ (ટીનાભાઈ)અને ઉપપ્રમુખ તરીકે કલમસર જીલ્લા પંચાયત બેઠકના સભ્ય હીરાબેન બળવંતસિંહ સિંધાની પસંદગી કરવામાં આવી છે.
જેથી આગામી અઢી વર્ષ માટે નવા નિયુક્ત થયેલ હોદ્દેદારો સુકાનીપદ સંભાળશે. પ્રમુખ ઉપપ્રમુખ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ જવાબદારી માટે કારોબારી સમિતી ચેરમેન તરીકે સામરખા જીલ્લા પંચાયત બેઠકના સભ્ય બળવંતસિંહ પરમાર અને શાસક પક્ષ નેતા તરીકે ભાદરણ બેઠકના સપનાબહેન ધવલભાઈ ઠાકોરને નિયુક્ત કરાયાં છે.
કોંગ્રેસના 4 પ્રમુખપદની સાથે ભાજપની બરોબરી
બૃહદ ખેડા જિલ્લામાંથી વિભાજન કરી નવો આણંદ જીલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી હાલના સમયકાળ સુધી કોંગ્રેસનુ શાસનકાળ વધુ રહ્યું હતું. આ શાસનકાળ દરમિયાન ભરતસિંહ સોઢા, નટવરસિંહ મહીડા, રતનબેન જાદવ અને કપિલાબેન ચાવડા એમ કુલ ચાર જીલ્લા પ્રમુખ કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના શાસન દરમિયાન સૌથી પહેલાં જ્યોત્સનાબેન પટેલ, ત્યારબાદ જશવંતસિંહ સોલંકી (જશુભા) , વર્તમાન પ્રમુખ હંસાબેન પરમાર એમ માત્ર ત્રણ પ્રમુખ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ છે. પરંતુ આગામી અઢી વર્ષ માટે નિયુક્ત થયેલ હસમુખભાઈ પટેલની પ્રમુખ તરીકે નિયુક્ત થવાથી ભાજપના ચોથા પ્રમુખ તરીકે નામાંકિત થશે. આમ હવે આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખની નિમણૂંક મામલે કોંગ્રેસની બરોબરી ભાજપ સિધ્ધ કરી દેવામાં આવી છે.