Madhya Gujarat

ડાકોર-ગોધરા સ્ટેટ હાઉવે પર મસમોટાં ખાડાઓનું સામ્રાજ્ય

ડાકોર: ડાકોર-ગોધરા સ્ટેટ હાઈવે અતિબિસ્માર હાલતમાં ફેરવાયાં બાદ થોડા દિવસો પૂર્વે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ, તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાથી આ રોડ ઉપર પુનઃ ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેને પગલે વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. આ મામલે અનેકોવારની રજુઆતો બાદ પણ ડાકોર આર.એન્ડ.બી તંત્રના પેટનું પાણી હલતું નથી. જેને પગલે ડાકોર આર.એન્ડ.બી ના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ડાકોર-ગોધરા સ્ટેટ હાઈવે ઉપર ઠાસરા, સેવાલિયા સહિતના ખેડા જિલ્લાના ગામો આવેલાં છે. આ માર્ગ પર દૈનિક એક હજાર કરતાં વધુ નાના-મોટા વાહનો અવરજવર કરી રહ્યાં છે. જોકે, તંત્રની બેદરકારીને કારણે આ સ્ટેટ હાઈવે ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ડાકોરથી ઠાસરાને જોડતાં આઠ કિલોમીટર રોડ ઉપર જ 40 થી 50 ખાડા પડ્યાં છે. જેને પગલે વાહનચાલકોને આ માર્ગ પરથી અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

રાત્રીના સમયે આ માર્ગ ઉપર અકસ્માતોના બનાવો વધ્યાં છે. આ ઉપરાંત ખાડામાં પટકાવાથી વાહનોને નુકશાન પણ પહોંચી રહ્યું છે. ત્યારે, આ મામલે કેટલાક વાહનચાલકો તેમજ જાગૃત નાગરીકોએ માર્ગ પરના ખાડા પુરવા અંગે ડાકોર આર.એન્ડ.બી વિભાગમાં રજુઆત કરી છે. પરંતુ, નઘરોળ તંત્ર દ્વારા આ રજુઆતો ધ્યાને લેવાતી નથી.
કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર સવાલો ઉઠ્યાં
અમદાવાદની સરસ્વતી બીલ્કોનના કોન્ટ્રાકટર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો છે. જોકે, રોડ બનાવવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનાં મટીરીયલ્સનો ઉપયોગ કર્યો હોવાથી ગણતરીના મહિનાઓમાં રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો હતો.

Most Popular

To Top