કોલંબો: રવિવારે તા. 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં (Colombo) ભારે વરસાદના (Rain) લીધે ભારત-પાકિસ્તાન (IndiavsPakistanMatch) વચ્ચેની સુપર ફોરની મેચ અટકાવવી પડી હતી. આ મેચ રિઝર્વ ડે (Reserve Day) એટલે કે આજે તા. 11 સપ્ટેમ્બરના રોજ રમાડવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ આજે પણ મેચ રમાઈ તે અંગે શંકા ઉભી થઈ છે. રવિવારની જેમ આજે સોમવારે પણ કોલંબોમાં વરસાદ વરસી રહ્યો છે.
સવારથી જ કોલંબોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ગ્રાઉન્ડ કવર કરી રાખવામાં આવ્યું છે. હવામાન અંગેના આંકડા પણ સારા નથી. હવામાન ગમે ત્યારે બગડી શકે છે. વરસાદની સંભાવના 99 ટકા છે. વાદળછાયું રહેવાની પણ 95 ટકા શક્યતા છે. પવનની ઝડપ પણ 41 કિમી પ્રતિ કલાક રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
આ અગાઉ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી ન હતી. જેથી આ મેચ રિઝર્વ ડે પર સોમવારે રમાડવાનો નિર્ણય લેવાયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર અત્યારે 2 વિકેટે 147 રન છે. વિરાટ કોહલી 8 રન અને કેએલ રાહુલ 17 રન સાથે રમી રહ્યા છે.
મેચ રદ્દ થાય તો શું થશે?
આજે સોમવારે રિઝર્વ ડે પર પણ વરસાદ વરસી રહ્યો હોય કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં મેચ રમાય તેવી શક્યતા ધૂંધળી લાગી રહી છે ત્યારે મેચ રદ્દ થાય તો શું થશે તે પ્રશ્ન ચાહકોને સતાવી રહ્યો છે. જો મેચ રદ્દ થશે તો બંને ટીમને 1-1 પોઈન્ટ ફાળવી દેવાશે.
જો આવું થયું તો એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારતની મુશ્કેલી વધી જશે. પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે આ બે મેચ છે. જો નસીબ ખરાબ હોય અને જો ભારત મેચ હાર્યું તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. જ્યારે પાકિસ્તાનની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે. જો પાકિસ્તાન-શ્રીલંકાની મેચ રદ થાય છે. તો તે સ્થિતિમાં ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવા માટે તેની આગામી બંને મેચ જીતવી પડશે. જો ભારત એક પણ મેચ હારશે તો મુશ્કેલીમાં મુકાઈ જશે.
તેનો અર્થ એવો થયો કે આજની પાકિસ્તાન સામેની મેચ રદ્દ થાય તો ભારતે આગામી બંને મેચ સારી રન રેટ સાથે જીતવી પડશે. તો જ ભારત ફાઈનલમાં સ્થાન બનાવી શકશે.
ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થાય તો શું સમીકરણ બને?
ભારતને હરાવી જો શ્રીલંકા તેની બંને મેચ જીતે છે તો તે ફાઇનલમાં પહોંચી જશે. તે સ્થિતિમાં જો ભારતીય ટીમ બાંગ્લાદેશને હરાવશે તો પાકિસ્તાન અને ભારતના 3-3 પોઈન્ટ્સ બરાબર થઈ જશે. આવી સ્થિતિમાં નેટ રન રેટના આધારે ટીમ આગળના રાઉન્ડમાં પહોંચી શકશે. વર્તમાન પરિસ્થિતિ મુજબ પાકિસ્તાન હજુ ભારત કરતા આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ બહાર થઈ શકે છે.
જો શ્રીલંકા ભારતીય ટીમ સામે જીતે અને આગામી મેચમાં પાકિસ્તાન સામે હારે તો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે જીતે તો પણ ટુર્નામેન્ટની બહાર થઈ જશે. કારણ કે પાકિસ્તાન 5 પોઈન્ટ અને શ્રીલંકા 4 પોઈન્ટ સાથે ફાઇનલમાં પહોંચી જશે. જ્યારે ભારતીય ટીમ 3 પોઈન્ટ સાથે બહાર થઈ જશે.
ભારતીય ઓપનરોએ શતકીય ભાગીદારી નોંધાવી
આ અગાઉ રવિવારે એશિયા કપ 2023ના સુપર-4ની મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. 15 ઓવર પછી ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 115 રન બનાવી લીધા હતા. કેપ્ટન રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીની 50મી અડધી સદી ફટકારી હતી. તેણે શાદાબ ખાનના બોલ પર છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેની સતત બીજી અડધી સદી હતી. આ પહેલા તેણે નેપાળ સામે અણનમ 74 રન બનાવ્યા હતા. રોહિત 49 બોલમાં 56 રન અને શુભમન ગિલ 52 બોલમાં 58 રન બનાવી આઉટ થયા હતા.
ભારતે 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા
ભારતીય ટીમની પ્રથમ વિકેટ 121 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 49 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. શાદાબ ખાને તેને ફહીમ અશરફના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. હવે વિરાટ કોહલી શુભમન ગિલ સાથે ક્રિઝ પર ઉતર્યા હતા. 17 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 122 રન હતો. રોહિત શર્મા બાદ શુભમન ગિલ પણ આઉટ થયા હતા. શાહીન આફ્રિદીએ તેને આગા સલમાનના હાથે કેચ કરાવ્યો હતો. ગિલે 52 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલી સાથે લોકેશ રાહુલ ક્રિઝ પર પગ જમાવ્યા હતા. 24 ઓવરમાં ભારતે 2 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા. 24 ઓવરને અંતે વરસાદ વરસતા મેચ રોકાઈ ગઈ હતી.