સુરત: પાંડેસરામાં (Pandesara) દુધનું વેચાણ કરતા યુવકની મદદથી પોલીસે (Police) બનાવટી ચલણી નોટોના (Duplicate note) રેકેટને ખુલ્લું પાડી એકને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં લુધીયાણાના અન્ય આરોપીની સંડોવણી પણ બહાર આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે લુધિયાણાના (Ludhiana) મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે 46 હજારની બનાવટી ચલણી નોટો સહિત પ્રિન્ટર મશીન સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વિજયસિંહ ગુર્જર (સુરત ડીસીપી) એ જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર નજીકથી ચોથી સપ્ટેમ્બરના રોજ એક યુવકનો પોલીસને કોલ આવ્યો હતો. કોલર દૂધ વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તેની પાસે દૂધ લેવા આવેલો વ્યક્તિ 500 રૂપિયાની ડુપ્લીકેટ નોટ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. યુવકના કોલ બાદ પાંડેસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક આવેલા જલારામ નગરમાં રહેતા અને ફર્નિચરનું કામકાજ કરતા દશરથ વિશ્વકર્મા નામના ઈસમ દ્વારા બનાવટી ચલણી નોટ આપવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસે દશરથ વિશ્વકર્માના ઘરે છાપો મારતા 500 ના દરની સાત બનાવટી ચલણી નોટો મળી આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં ચોકાવનારી બાબત સામે આવી હતી. આરોપીએ જણાવ્યું હતું કે,પોતે youtube ઉપર રેન્ડમ રિલ્સ જોઈ રહ્યો હતો.જે દરમ્યાન એક એવી રિલ્સ સામે આવી હતી કે, જેમાં બનાવટી ચલણી નોટ ક્યાં પ્રકારે બને છે તેની માહિતી જાણવા મળી હતી. જેથી પોતે આ રિલ્સ પર કૉમેન્ટ કરતા સામેવાળી વ્યક્તિએ 1500 રૂપિયામાં અસલ ચલણી નોટ લઈ તેના અવેજમાં 500 ના દરની 10 બનાવટી ચલણી નોટો મોકલાવી હતી.જે 1500 રૂપિયાનું પેમેન્ટ સુરતના આરોપીએ ઓનલાઈન કર્યું હતું.બનાવટી ચલણી નોટોનું રેકેટ મોટું હોવાની શક્યતાના પગલે પાંડેસરા અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો દોર શરૂ કર્યો હતો. બનાવટી ચલની નોટો ના આ કારોબારમાં લુધિયાણાના રાહુલ મલેક નામના ઈસમનું નામ બહાર આવ્યું હતું.
વધુમાં ઉમેર્યું હતું કે, પાંડેસરા પોલીસની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ લુધિયાણા ખાતે રવાના થઈ હતી. લુધિયાણાના ઇસ્લામગંજ ખાતે રહેતા રાહુલ મલેક ત્યાં બંને ટીમોએ છાપો માર્યો હતો.જ્યાંથી રાહુલ મલેકની ધરપકડ કરી બંને ટિમો સુરત પરત આવી હતી. પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા 46 હજારની 500 ના દરની બનાવટી ચલણી નોટો તેમજ નોટ છાપવા માટેનું પ્રિન્ટર મશીન સહિતનો મુદ્દામાલ પણ.મળી આવ્યો હતો.જે તમામ મુદ્દામાલ હાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બનાવટી ચલની નોટોના કારોબારમાં અન્ય મોટા માથાઓના નામો બહાર આવે તેવી શકયતા છે.