વડોદરા: મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન અને દંડકની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે નવા મેયર તરીકે મહિલા માટેની બેઠક છે. શનિવારે આ અંગેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને મેયરની રેસમાં જે હશે તે હોદ્દેદારો, ચૂંટાયેલ સભ્યો, ધારાસભ્યો, સાંસદ, શહેર પ્રમુખ તેમજ હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવશે.
આગામી અઢી વર્ષ માટે મહાનગરપાલિકાના નવા મેયરની નિમણુંક કરવામાં આવશે. અગાઉ બે વર્ષ સુધી મેયર તરીકે કેયુર રોકડીયા હતા તેઓ ધારાસભ્ય બન્યા બાદ 6 મહિના માટે મેયર તરીકે નિલેશ રાઠોડની નિમણુંક કરવામાં આવી હતી. જો કે આ 6 મહિનામાં આંખે ઉડીને વળગે અને શહેરની સમસ્યાઓ હાલ થાય તેવા એકેય કામ જણાઈ રહ્યા નથી.
ત્યારે આગામી અઢી વર્ષમાં જે નવા મેયર આવશે તેના ઉપર સહુને આશ રહેશે. મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી 3 આગેવાનો આવી તમામના અભિપ્રાયો જાણશે અને ત્યાર બાદ તે અહેવાલ પ્રદેશ કક્ષાએ મોક્લવમાં આવશે. જેના આધારે નવા મેયરની નિયુક્તિ કરવામાં આવશે. મેયર પદ મેળવવા માટે અનેક મહિલાઓ મહત્વકાંક્ષી બની છે. અને આ મહિલાઓએ પોતાના ગોડ ફાધરની શરણ પણ લઇ લીધી છે. અને બભારે ભરખમ લોબિંગ શરુ કરી દીધું છે. ત્યારે હવે આગામી 9 સપ્ટેમ્બરના રોજ ખ્યાલ આવશે કે નવા મેયર કોણ હશે.
સ્થાયી સમિતિના ચેરમેન માટે પણ ગળાકાપ સ્પર્ધા
મેયર અને ડેપ્યુટી મેયરની સાથો સાથ કારોબારી ચેરમેન પણ નવા નિયુક્ત કરવામાં આવશે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન માટે પણ ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. હાલ ડો. હિતેન્દ્ર પટેલ સ્થાયી સમિતિના ચેરમેન છે અને તેઓ રિપીટ પણ થઇ શકે છે ત્યારે આ ઉપરાં ડો. શીતલ મિસ્ત્રી, મનોજ પટેલ સહિતના કોર્પોરેટરના પણ નામો ચાલી રહ્યા છે.