નવસારી: (Navsari) વેસ્મા ગામે પાડોશી (Neighbor) યુવાને મહિલાની આબરૂ લેવાના ઈરાદે તેની ઉપર હુમલો કરી માર માર્યો હતો. સાથે જ બચાવવા વચ્ચે પડેલી મહિલાની (Lady) સાસુને (Mother In Low) પણ માર મારતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) પહોંચ્યો છે.
- વેસ્મા ગામે મહિલાની આબરૂ લેવાના ઈરાદે પડોશી યુવકે મહિલા પર હુમલો કર્યો
- મહિલા લોકોને ત્યાં ઘરકામ કરવા જાય તે પડોશી યુવકને ગમતું ન હતું, ત્રણેક મહિનાથી અબોલા જેવું હતું
- યુવકે આબરૂ લેવાના ઈરાદા સાથે માર માર્યો, છોડાવવા વચ્ચે પડેલી મહિલાની સાસુને પણ ફટકારી
- અજય તેમના ઘરે આવતો-જતો હતો જેથી રાકેશભાઈ અને તેમની પત્ની બેલાબેન અજયને સારી રીતે ઓળખતા હતા
જલાલપોર તાલુકાના વેસ્મા ગામે પ્રતાપ રોડ ફળીયામાં રાકેશભાઈ સોમાભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે. રાકેશભાઈની પાડોશમાં રહેતો અજય ધીરુભાઈ રાઠોડ તેમના ઘરે આવતો-જતો હતો. જેથી રાકેશભાઈ અને તેમની પત્ની બેલાબેન અજયને સારી રીતે ઓળખતા હતા. પરંતુ અજયનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી સંબંધ ઓછો કરી નાંખ્યો હતો. રાકેશભાઈની પત્ની બેલાબેન છેલ્લા એકાદ વર્ષથી વેસ્મા ગામની આજુબાજુમાં આવેલી સોસાયટીઓમાં ઘરકામ કરવા માટે જતી હતી. પરંતુ આ વાત અજયને પસંદ ન હોવાથી અજય રાકેશભાઈ અને બેલાબેન સાથે અવાર-નવાર બોલાચાલી કરતો હતો.
ગત 28મીએ બેલાબેન ઘર પાસેના બાંકડા ઉપર બેસેલા હતાં, ત્યારે અજયે આવી બેલાબેનને જણાવ્યું હતું કે, તારે કોઈને ત્યાં ઘરકામ જવાનું નહીં, તેવું કહી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ઉશ્કેરાઈ જઈ બેલાબેનની આબરૂ લેવાના ઈરાદે હુમલો કરી માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ અજય તેના ઘરેથી બુઠ્ઠુ લાકડું લઈ આવી બેલાબેનને માર મારતા જમણા પગના પંજાના ભાગે વચ્ચેની ત્રણ આંગળીઓના જોઈન્ટના ભાગે નીચેના તરફ ત્રણ ફ્રેકચર થયા હતા. તેમજ અજયે સિમેન્ટના પતરાના ટુકડાથી બેલાબેનના માથામાં મારી દીધું હતું.
દરમિયાન ઘરમાંથી બેલાબેનના સાસુ મંગીબેન બચાવવા જતા તેમને પણ હથેળીની સાઈડે બે ફ્રેકચર અને હાથના વચ્ચેની એક આંગળીના જોઈન્ટમાં હથેળીની સાઈડે ફ્રેકચર થયું હતું. બનાવ અંગે રાકેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.