SURAT

શોર્ટસર્કિટના લીધે ભેસ્તાનના યાર્નના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

સુરત(Surat) : ભેસ્તાન (Bhestan) બાટલી બોય (BatliBoy) નજીકની યુનિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (Unity Industrial Estate) ના એક યાર્નના ગોડાઉનમાં (Yarn Godown) આજે બુધવારે સવારે આચનક આગ (Fire) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. GEB ના સર્વિસ વાયરમાં ધડાકા બાદ શોર્ટ સર્કિટને (Short Circuit) કારણે આગ ફાટી નીકળતા આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું.

જોકે પાડોશી કારખાનેદાર પરેશ ભાઈએ તાત્કાલિક ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરી દેતા 7 ફાયર સ્ટેશનની 12 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને આગને કંટ્રોલ કરી મોટી દુર્ઘટનાને ટાળવામાં સફળ રહ્યા હતા.

પરેશભાઈ (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે હું તો મારા ખાતા પર જતો હતો. ધુમાડો જોઈ લોકોને ભાગતા જોઈ તાત્કાલિક ફાયર અને GEBને જાણ કરી જવાબદારી નિભાવી હતી. ફાયર અને GEB બન્ને સમયસર આવી ગયા હતા. GEBના સર્વિસ વાયરમાં ધડાકા થયા બાદ આગ લાગી હતી. 3 કલાક બાદ આગ કંટ્રોલમાં આવી ગઈ હતી.

ઓમપ્રકાશ મિશ્રા (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ અનેક ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી. આગ પર પાણીનો મારો ચલાવી આગને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાયો હતો. લગભગ 3 કલાકે આગ કાબુમાં આવી હતી. ત્યાર બાદ કુલિંગ કરતા કરતા ફાયરના જવાનોએ ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. પહેલા માળે લાગેલી આગમાં લાખોનો સામાન બળી ગયો હતો. તકલીફ એ હતી કે ગોડાઉનમાં વેન્ટિલેશન નહોતું. એટલે ધુમાડોનો અંદર જ ફર્યા કરતો હતો. જોકે આ આગજનીમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ફાયર ઓફિસરે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે સરકારે ફાયર વિભાગમાંથી ઇન્ડસ્ટ્રીને કાઢી મૂકી છે. ઇન્ડસ્ટ્રીલ વિસ્તારમાં પોતાની ફાયર સિસ્ટમ, ફાયર સુવિધા હોવી જોઈએ. જોકે સરકારના નિયમોનું નેવે મૂકી ચાલતી ઇન્ડસ્ટ્રીમાં આગ લાગે એટલે પાલિકાની ફાયર સ્ટેશનની જ ગાડીઓને દોડાવવામાં આવે છે.

આવી ઇન્ડસ્ટ્રીયલ આગવાળી જગ્યાઓ અમે મેમો પણ આપી શકતા નથી. નોટિસ આપવાની વાત જ નથી આવતી. બસ આગને કન્ટ્રોલ કરો અને પરત આવી જાવ. જોકે આવા સમયમાં કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?

Most Popular

To Top