National

વિક્રમ લેન્ડરનો પ્રથમ સંકેત: ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીનું તાપમાન માપી વિગતો મોકલી

બેંગલુરુ: ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પર ઉતરેલ ચંદ્રયાન-૩ના (Chandrayan-3) વિક્રમ લેન્ડરે તેની કામગીરી બરાબર શરૂ કરી દીધી છે તેના પ્રથમ સંકેતમાં આ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીના તાપમાનનો (Temperature) ડેટા પૃથ્વી પર મોકલ્યો છે જે ચંદ્રની સપાટી પર તાપમાનની વધઘટનો અભ્યાસ કરવામાં મદદરૂપ નિવડશે.

  • લેન્ડરે મોકલેલા ચંદ્રની સપાટીના વિવિધ સ્તરના તાપમાનનો ગ્રાફ ઇસરોએ બહાર પાડ્યો
  • ચંદ્રયાન-૩ના લેન્ડરના સફળ લેન્ડિંગ પછી ચંદ્ર પરથી આવેલી પ્રથમ માહિતી સત્તાવાર રીતે જાહેર થઇ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાનના લેન્ડરના ચંદ્રાસ સરફેસ થર્મોફિઝિકલ એક્સપરીમેનટ(ચાસ્ટે) પેલોડ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવની આજુબાજુની ચંદ્રની ઉપલી સપાટીનું તાપમાન માપવામાં આવ્યું હતું. વિક્રમ લેન્ડર પર ગોઠવાયેલા ચાસ્ટે પેલોડ દ્વારા કરવામાં આવેલા પ્રથમ નિરીક્ષણો અહીં આપવામાં આવ્યા છે. ચાસ્ટેએ ધ્રુવની આજુબાજુની ઉપલી સપાટીનું તાપમાન ચંદ્રની સપાટીની તાપમાન વર્તણૂક સમજવા માટે માપ્યું છે એ ઇસરોએ અગાઉના ટ્વીટર એવા એક્સ પર એક અપડેટમાં જણાવ્યું હતું. આ અપડેટનો એક ગ્રાફ પણ ઇસરોએ શેર કર્યો છે.

જે અંગે તેણે જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલ ગ્રાફ ચંદ્રની સપાટી/નજીકની સપાટીના તાપમાનમાં વિવિધ ઉંડાઇએ થતો ફેરફાર દર્શાવે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવનું આ આવું પ્રથમ પ્રોફાઇલ છે જેનો વિગતવાર અભ્યાસ ચાલી રહ્યો છે. ઇસરોએ આ અંગે વધુ વિગતો આપી નથી. એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે વિગતવાર અભ્યાસ હજી ચાલુ છે. ઇસરોએ રજૂ કરેલા ગ્રાફ પરથી સમજાય છે કે તાપમાન વિવિધ ઉંડાઇ અનુસાર માઇનસ ૧૦થી લઇને ૬૦ ડીગ્રી સેલ્સિયસ સુધીનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૩મી ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રજ્ઞાન રોવરની સાથે વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ પછી ઇસરોએ ચંદ્ર પરથી આવેલી આ માહિતી પ્રથમ વખતે સત્તાવાર રીતે જાહેર કરી છે.

ચંદ્રની સપાટીનું તાપમાન માપનાર ‘ચાસ્ટે’ પેલોડ દસ સેન્સરોથી સજ્જ
ચંદ્રની સપાટી પરના તાપમાનનું માપન જેણે કર્યું છે તે ચંદ્રાસ સરફેસ થર્મોફિઝિકલ એક્સપરીમેન્ટ(ચાસ્ટે) નામનું પેલોડ તાપમાન માપવા માટેના ખાસ સેન્સરો છે. તેમાં ટેમ્પરેચર પ્રોબ નામનું સાધન છે જે કન્ટ્રોલ પેનેટ્રેશન મિકેનિઝમથી સજ્જ છે જે સપાટીની ૧૦ સેમીની ઉંડાઇ સુધી પહોંચવા સક્ષમ છે. તેમાં જુદા જુદા દસ તાપમાન સેન્સરો છે. આ પેલોડ ઇસરોના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(વીએસએસસી)ની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના નેતૃત્વ હેઠળની ટીમે અમદાવાદની ફિઝિક્સ રિસર્ચ લેબોરેટી(પીઆરએલ)ના સહકારથી વિકસાવ્યું છે.

Most Popular

To Top