Columns

જીવનની વ્યાપકતા

ખલીલ જિબ્રાન મહાન સાહિત્યકાર. તેમની એક રૂપક કથા છે. દેડકા અને મગરની રૂપક કથા દ્વારા ખલિલ જિબ્રાન જીવનનું મહત્ત્વ સમજાવે છે. એક દિવસ કાદવ પાસે આવીને મગરમચ્છ શાંતિથી સૂતો હોય છે.ત્યાં દેડકો આવીને તેની સાથે વાતો કરે છે.ધીમે ધીમે તેમની વચ્ચે દોસ્તી થાય છે.પછી તો રોજ મગરમચ્છ આવે અને દેડકો તેની આજુબાજુ કુદાકુદ કરી વાતો કરે. વરસાદની મોસમ આવી અને કાદવની આજુબાજુ  મોટું ખાબોચિયું ભરાઈ ગયું. મગરમચ્છ આવ્યો તો દેડકો કૂદતો કૂદતો તેમની પાસે આવ્યો અને કહ્યું, ‘ચાલો આજે તો અમારા મહાસાગરમાં પધારો.’ મગર આજુબાજુ જુએ છે અને પછી પૂછે છે કે , ‘ક્યાં છે મહાસાગર?’

દેડકો ખાબોચિયામાં ભરાયેલાં ઘણાં બધાં પાણીની સામે ઈશારો કરીને કહે છે કે, ‘અરે, આ જુઓ કેવાં પાણી લહેરાઈ રહ્યાં છે.’મગર હસવા લાગ્યો અને બોલ્યો, ‘અરે મારા દોસ્ત, તું આને સાગર કહે છે? આ તો ખાબોચિયું છે અને તને ખબર જ નથી કે પાણીની લહેરો કોને કહેવાય.’આટલું બોલી મગર મોટેથી હસવા લાગ્યો. મગરની વાતો અને મજાકથી દેડકાને માઠું લાગ્યું.તેણે કહ્યું, ‘તમને ખબર નથી સાગર કોને કહેવાય?’ મગરે કહ્યું, ‘અરે મારા ભાઈ, હું સાચું કહું છું. હું તો સાગરમાં જઈને તરું છું. મેં સાગરનું અધધ પાણી અને સતત ઉમડતી લહેરો જોઈ છે.તે તારું જીવન આ ખાબોચિયામાં વિતાવ્યું છે અને અને તેમાં જરા પાણી વધ્યું તો તને તે સાગર લાગવા લાગ્યું. સાગરમાં તો અમાપ છે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણી હોય છે.આ ખાબોચિયું સાગર નથી.’દેડકો કહે છે, ‘ના, આ સાગર જ છે તમને ખબર પડતી નથી.’ મગરની વાત સમજવા દેડકો તૈયાર જ ન થયો અને રિસાઈને અબોલા લઇ ચાલી ગયો.

આ રૂપક કથાના દેડકાની જેમ અસંખ્ય માણસો માત્ર સાંકડા ખાબોચિયામાં પડ્યા રહીને …પોતાની સંકુચિત માન્યતાઓ અને વર્તુળોમાં જ પોતાનું જીવન પૂરું કરી નાખે છે અને પોતાના બનાવેલા ખાબોચિયાંને જ મોટો સાગર સમજીને મનમાં ફુલાય છે.કોઈ જીવનનો જાણકાર તેમને જીવનની વ્યાપકતા વિષે ,જીવનની મહત્તા વિષે સમજાવે તો તેઓ તેમની જોડે વાદવિવાદ કરે છે અને પોતાની માની લીધેલી માન્યતાઓને બદલવા કે તેમાંથી બહાર નીકળવા અને જીવનની સાચી વ્યાપકતા સમજવા તૈયાર થતાં જ નથી અને પોતાના જીવનને ખાબોચિયામાં જ પૂરું કરે છે.ખાબોચિયામાંથી બહાર નીકળી જીવનની વ્યાપકતા સમજવી જરૂરી છે.
–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top