આજે સલિલ બહુ મોડો ઊઠ્યો અને મમ્મીનું રોજની જેમ લેકચર શરૂ થઇ ગયું.’કંઈ કામનો નથી આ છોકરો,ભણી લીધું છે તો હવે એમ નહિ કે બહાર જઈ સમયસર જે મળે તે નોકરી કરીએ.મહેનત કરીને ચાર પૈસા કમાઈને લાવીએ.કંઈ કામ કરશે તો ચાર પૈસા કમાશે.ચાર પૈસા ઘરમાં આવશે તો સારું જ છે ને.’ મમ્મી બોલતી જ રહી અને સલિલ કાનમાં હેડફોન ભરાવીને આખા ઘરમાં ફરી રહ્યો હતો.તે જોઇને મમ્મીને વધારે ગુસ્સો આવ્યો અને તેમની બડબડ વધતી જ ગઈ.મમ્મીને વધુ ગુસ્સે કરવા સલિલ બોલ્યો, ‘મમ્મી ચાર પૈસા નહિ કમાઉં તો કોફી નહિ મળે અને ચાર જ પૈસા શું કામ.ત્રણ નહિ કે પાંચ પણ નહિ.ચાર પૈસા જ શું કામ કમાવાના.’ મમ્મી હજી વધુ ગુસ્સે થઇ અને કંઈ બોલવાને બદલે ગુસ્સાથી લાલચોળ થઈને રડવા લાગી અને રસોડામાં જતી રહી.દાદા કયારના આ બધું જોઈ રહ્યા હતા.દાદાએ સલિલને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, ‘દોસ્ત, આમ મમ્મીને ગુસ્સે ન કરાય.
શું તને નથી લાગતું કે તેની વાત સાચી છે. તારે હવે મહેનત કરીને ચાર પૈસા કમાવા જ જોઈએ અને ચલ, હું તને આ ચાર પૈસાનું મહત્ત્વ સમજાવું.જા પહેલાં મમ્મીને જઈને સોરી કહી આવ.’ સલિલ મમ્મીને સોરી કહીને આવ્યો. દાદાએ કહ્યું, ‘ચાર પૈસાનું મહત્ત્વ સમજ. પહેલો પૈસો છે ભોજન એટલે કે પોતાનું અને પોતાના પરિવારના પાલનપોષણ માટે પેટ ભરવા માટે તેમની ઈચ્છા પૂરી કરવા માટે પૈસા કમાવા.બીજો પૈસો છે ફરજ અને કરજ ચુકવવું એટલે કે પોતાના માતા પિતાની સેવા માટે પૈસા કમાવા.તેમણે તમારા માટે જે કંઈ કર્યું છે તે ધ્યાનમાં લઈને તેમની સેવા કરો.ત્રીજો પૈસો છે રોકાણ —અથવા કરજ આપવું. તમારાં પોતાનાં બાળકો પાછળ ખર્ચો કરવો.
તેમના ભણતર અને ભરણપોષણ માટે પૈસા કમાવા, જેથી તેઓ તમારી વૃધ્ધાવસ્થામાં તમારું ધ્યાન રાખે, તમને જાળવેઅને ચોથો પૈસો છે કૂવામાં નાખવો એટલે કે જીવનમાં શુભ કાર્યો ,દાન ,સંત સેવા ,સમાજ સેવા કરવા માટે મહેનત કરીને પૈસા કમાવા અને સારાં કાર્યોમાં વાપરવા. આ પૈસાનું ફળ આપણા કર્મ ફળ રૂપે જમા થઈને આપણને જીવન પછી બીજા જન્મમાં મળે છે. જીવનમાં મહત્ત્વનાં આ ચાર કર્મો માટે આપણને ચાર પૈસાની જરૂરત છે અને આ ચારે કર્મો સભાનતાથી અને જવાબદારી સાથે કરવાં જરૂરી છે.જો ત્રણ પૈસા હશે તો કોઈ એક કાર્ય અધૂરું રહેશે અને પાંચમા પૈસાની જીવનમાં જરૂરત જ નથી સમજ્યો. ચલ, હવે તું જીવનમાં તારાં ચારે કર્મો પૂરાં કરવા કમાવાની શરૂઆત કર.’ દાદાએ સલિલને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.