સુરત: વરિયાવી બજાર ખાતે રહેતી 21 વર્ષની યુવતી અને 65 વર્ષના વૃદ્ધ પ્રેમી વચ્ચેના પ્રેમ સંબંધમાં એનજીઓ ચલાવતી મહિલા વકીલે યુવતી અને તેના પ્રેમીની વાતચીતનો ઓડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી ખંડણી માંગી હોવાની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- NGOની મહિલાઓએ 21 વર્ષીય યુવતીનો 65 વર્ષીય વૃદ્ધ પ્રેમી સાથેનો ઓડિયો વાયરલ કરવા ધમકી આપી
- ફરીદાએ ફોન લઈ લીધો, લગ્ન કરવા અથવા વૃદ્ધ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવવા દબાણ કર્યું, યુવતીએ ના પાડતાં ખર્ચ માંગી ધમકી શરૂ કરી
લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરિયાવી બજારમાં રહેતા યુવકે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરીદા વાય પઠાણ (રહે. રોશની પેલેસ નાગોરીવાડ), સાબીર, રૂકશાનાખાન અને મઝહર સૈયદની સામે ફરિયાદ નોંધાવી છે. યુવકની 21 વર્ષની બહેન સોનમ (નામ બદલ્યું છે), ગત 23મી જુલાઇએ બપોરે ગુમ થઈ હતી. સોનમને 65 વર્ષીય અબ્દુલ કાદર યાસીનમિયાં સૈયદ (રહે. ગુમ્બજવાળી મસ્જીદ પાસે હરીપુરા) સાથે પ્રેમસંબંધ હતો.
વૃદ્ધ પ્રેમી સાથે હોવાની શંકા સાથે તેનો ભાઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને તેની પરિચીત વકીલ ફરીદા પઠાણને પણ પોલીસ સ્ટેશને બોલાવી હતી. જો કે થોડા સમય પછી સોનમ તેની બહેનપણીના ઘરેથી મળી આવી હતી અને બાદમાં સોનમના નિવેદન પછી પ્રેમી સાથે સમાધાન થયું હતું.
- મહિલા વકીલ અને એનજીઓએ યુવતીને ફરિયાદ દાખલ કરવા દબાણ કર્યું હતુ
- જો યુવતી તેના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નહી નોંધાવે તો તેનો ફોન આપવા પણ ઇનકાર કર્યો હતો
- NGOની ફરીદા પઠાણ પોતાને વકીલ બતાવતી હતી, બોગસ નીકળી!
તે સમયે શબાના પાસેથી મોબાઇલ લઇ લેવાયો હતો. ત્યારે મહિલા વકીલે યુવકને તારી બહેનનો ફોન મને આપી દે તેમ કહીને પોતાની પાસે લઈ લીધો હતો. ત્રણેક દિવસ પછી ફરીદા પઠાણે યુવકને બોલાવી જો તેઓ લગ્ન કરવા માંગતા હોય તો કરાવી દઈશું અને જો પ્રેમી ના પાડે તો ફરિયાદ દાખલ કરાવીશું તેમ કહ્યું હતું.
બાદમાં 31 માર્ચે રાતે ફરીદા પઠાણ તથા મહીલા મંડળ એન.જી.ઓ.ના શાનાખાન તથા અન્ય મહિલાઓ લાલગેટ પોલીસ મથકે પહોંચ્યા હતા તથા યુવક અને તેની બહેનને બોલાવ્યા હતા. સોનમને બળજબરી તેના વૃદ્ધ પ્રેમીની વિરુધ દુષ્કર્મની ફરિયાદ આપવા કહ્યું હતું. જો કે સોનમે વૃદ્ધે આજદિન સુધી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો ન હોવાનું કહીને ફરિયાદ નોંધાવવા ઇનકાર કર્યો હતો.
બાદમાં મહિલા વકીલ અને એનજીઓના માણસોએ તેની ઉપર ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું અને જો તેવું નહીં કરે તો તેના ફોનમાં પ્રેમી સાથેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત આ અરજીઓ કરવા 27 હજારનો ખર્ચ થયો તે પણ માંગ્યા હતાં અને જો નહીં આપે તો ફોન પણ નહી આપવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે સુરત જિલ્લા વકીલ મંડળમાં તપાસ કરાવતા ફરીદા બોગસ વકીલ હોવાનું જાણવા મળ્યું છે.