National

‘કલમ-370 મામલે જમ્મુ-કાશ્મીરમાં બ્રેક્ઝિટ જેવા જનમતનો પ્રશ્ન નથી’: સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu Kashmir) કલમ 370 (Article-370) હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં (SC) સુનાવણી ચાલી રહી છે. દરમ્યાન આ મામલે મંગળવારે કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી . સુપ્રીમ કોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ (Brexit) જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી. કોર્ટ એનું મૂલ્યાંકન કરી રહી છે કે શું તેનું રદ કરવું બંધારણીય રીતે કાયદેસર હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે જ્યાં તેના રહેવાસીઓની ઇચ્છા સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ જાણી શકાય છે.

મંગળવારે નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર સિબ્બલ લોન માટે હાજર થયા હતા. સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર ટિપ્પણી કરી હતી. જેમાં સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવી રાજકીય ચાલ છે જ્યાં બ્રિટિશ નાગરિકોનો અભિપ્રાય લોકમતમાંથી લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.

સિબ્બલે વધુમાં કહ્યું કે જ્યારે 5 ઓગસ્ટ, 2019નાં રોજ કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી ત્યારે આવો કોઈ અભિપ્રાય કોઈ પાસેથી લેવામાં આવ્યો ન હતો. સિબ્બલે ભારપૂર્વક કહ્યું, આ કોર્ટ બ્રેક્ઝિટને યાદ રાખશે. બ્રેક્ઝિટ પર લોકમતની માગણી કરતી (ઇંગ્લેન્ડમાં) કોઈ બંધારણીય જોગવાઈ નહોતી. પરંતુ, જ્યારે તમે આવા સંબંધને તોડવા માંગતા હો તો તમારે લોકોનો અભિપ્રાય લેવો જોઈએ. કારણ કે આ નિર્ણયના કેન્દ્રમાં લોકો છે, કેન્દ્ર સરકારનો નહીં.

કોર્ટમાં સિબ્બલે કહ્યું કે તમે મધ્યપ્રદેશ કે બિહારને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી શકતા નથી. તે લોકશાહીનું પ્રતિનિધિત્વ સ્વરૂપ છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ ક્યાં છે? પ્રતિનિધિ લોકશાહીનો અવાજ ક્યાં છે? પાંચ વર્ષ વીતી ગયા… શું તમારી પાસે પ્રતિનિધિ લોકશાહીનું કોઈ સ્વરૂપ છે? આ રીતે સમગ્ર ભારતને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી શકાય છે. સિબ્બલે પોતાની દલીલો પૂરી કરતાં કહ્યું કે, મને આશા છે કે આ કોર્ટ ચૂપ નહીં રહે.

કોર્ટમાં CJI ઉપરાંત બંધારણીય બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંત પણ સામેલ છે. જોકે, CJI ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવિત થયા ન હતા. CJIએ કહ્યું કે, બંધારણીય લોકશાહીમાં લોકોના અભિપ્રાય મેળવવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જોઈએ. એટલા માટે તમે બ્રેક્ઝિટ જેવી લોકમત જેવી પરિસ્થિતિની કલ્પના કરી શકતા નથી. તેઓ સિબ્બલના મત સાથે સહમત હતા કે બ્રેક્ઝિટ એક રાજકીય નિર્ણય હતો, પરંતુ આપણા જેવા બંધારણ હેઠળ જનમત લેવાનો કોઈ પ્રશ્ન જ નથી.

બ્રેક્ઝિટ શું છે?
યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ થવાને ‘બ્રેક્ઝિટ’ નામ આપવામાં આવ્યું હતું. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનનું બહાર નીકળવું એટલે કે બ્રેક્ઝિટને વધતા રાષ્ટ્રવાદી ઉત્સાહ, સખત ઇમિગ્રેશન નિયમો અને મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાને કારણે વેગ મળ્યો હતો. બ્રેક્ઝિટ અંગે 2016માં બ્રિટનમાં જનમત સંગ્રહ થયો હતો. જેમાં મોટાભાગના લોકો યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના અલગ થવાના પક્ષમાં હતા. રેફરન્ડમના પરિણામ બાદ કેમરન સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ કન્ઝર્વેટિવ પાર્ટીના થેરેસા મેના નેતૃત્વમાં સરકાર રચાઈ હતી.

Most Popular

To Top