Charchapatra

80 કરોડ આવ્યા ક્યાંથી?

તા.27 જુલાઈના ‘ગુજરાતમિત્ર’ પેજ નં.-12 ઉપર ભાજપના એક કાર્યકરે 80 કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ ઉઘરાવીને ભાજપના પ્રદેશ અધ્યક્ષને આપ્યું, ત્યાર બાદ એ ફંડ ભાજપના પાર્ટી ફંડમાં જમા ન થતાં જે તે કાર્યકર અને પ્રદેશ અધ્યક્ષ વચ્ચે સામસામી આક્ષેપબાજી થયાના સમાચાર છપાયા છે. સાથે જ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયામાં ફરતો થયો છે. પોલીસ ફરિયાદો પણ થયાના અહેવાલ છે. આ કિસ્સામાં માત્ર પ્રદેશ અધ્યક્ષની ફરિયાદ જ નોંધાઈ છે અને તેય પોલીસમાં! કારણ કે મામલો સત્તાધારી પક્ષનો છે.

ખરેખર તો આ મામલો 80 કરોડ જેવી જંગી રકમનો છે ને ફરિયાદ 8 કરોડની થઈ છે. આખો મામલો શું છે? એ મોદીજીના રામ જાણે, પરંતુ પ્રશ્નો અનેક ઊભા થયા છે. મામલો 80 કરોડનો છે. આ રૂપિયા ક્યાંથી આવ્યા ? એક નંબરના છે કે બિનહિસાબી બે નંબરના? ક્યાંથી અને કોની પાસેથી ઉઘરાવાયા? આ કિસ્સામાં ED, CBI કે આયકર વિભાગ કેમ મૌન છે? જો આટલા રૂપિયાનો આવો મામલો કોઈ વિરોધ પક્ષમાંથી સામે આવતે તો આ બધા ચૂપ રહેતે કે તૂટી પડતે? આ જ રીતે કર્ણાટકના એક MLAને ત્યાંથી એ ચૂંટણી દરમિયાન જંગી રકમ ઝડપાયેલી પણ આજ સુધી કોઈ વિભાગ તપાસ કરવા પહોંચ્યો નથી. આ દેશમાં સત્તાધારીઓને કોઈ કાયદા લાગુ પડતા નથી.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

મનુષ્ય જીવનનો હેતુ શું?
આ સૃષ્ટિ સદીઓથી ચાલી આવે છે અને ચાલતી રહેશે. સમાજમાં, દેશમાં તેમજ દુનિયામાં વખતોવખત પરિવર્તન થતા રહે છે. મનુષ્યજીવન જન્મ્યા પછી સુખ દુ:ખ, લાભ, હાનિ, હર્ષ શોક, રોગ, શોક, પીડા, કષ્ટ, ચિંતા, ભય, જન્મ મરણના દુ:ખ, પૂર્વ જન્મનાં વેર આ જન્મનાં વેરઝેર સહન કરવા માટે જ મળ્યું છે કે પછી મનુષ્યજીવનનો કોઇ વિશેષ હેતુ યા મળે છુપાયેલો છે? આ અંગે ધર્માચાર્યોએ, સંતો, મહંતોએ કોઇ પ્રકાશ પાડવો જ જોઇએ. દરેક વ્યકિત ધર્મગ્રંથોનો અભ્યાસ કરી ન શકે. જનમાનસમાં કોઇ જ્ઞાન પ્રકાશ ફેલાવવાની જવાબદારી ધર્માચાર્યોની છે. આજકાલ લગભગ દરેક વ્યકિત કોઇને કોઇ દુ:ખ, પીડા, મુંઝવણથી પીડાતો જોવા મળે છે. શું મનુષ્ય જીવન અને આ ધરતી પરના બીજા પ્રાણીઓ પણ શું પોતાના સુખ દુ:ખ, પીડા, કષ્ટ સહન કરવા માટે જ જન્મ્યા છે કે શું?
અમલસાડ    – હિતેશકુમાર એસ. દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top