Madhya Gujarat

યાત્રાધામ ડાકોરના ગોમતી કિનારે વહેલીતકે ચેન્જીંગ રૂમ બનાવવા માંગ

ડાકોર,: ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતી તળાવમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ સ્નાન કરવા આવતાં હોય છે. તેમ છતાં તળાવના કિનારે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી મહિલાઓ ખુલ્લામાં કપડાં બદલવા મજબુર બન્યાં છે. આથી, ચેન્જીંગ રૂમ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

હાલ, અધિક શ્રાવણ માસ હોવાથી મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા વિશેષ જોવા મળી રહી છે. જેમાં પૈકી મોટા ભાગના શ્રધ્ધાળુઓ મંદિરની સામે આવેલ પવિત્ર ગોમતી તળાવમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે. પરંતુ, તળાવના કિનારા ઉપર ચેન્જીંગ રૂમ ન હોવાથી મહિલાઓને કપડાં બદલવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને સ્નાન માટે પવિત્ર ગણાતી આવી જાહેર જગ્યાઓએ જ મહિલાઓને લગતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

યાત્રાધામ વિકાસ બોર્ડને શરમ આવવી જોઈએ
સુરત તેમજ અમદવાદથી દર્શનાર્થે આવેલ જયમીન પટેલ અને રાહુલ ખત્રી જણાવે છે કે, ડાકોર નગરપાલિકા તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડને શરમ આવે તેવી ઘટના ગોમતી તળાવ ઉપર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા મહિલાઓને કપડા બદલવા માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી ખુલ્લામાં કપડાં બદલવા મજુર બને છે. તંત્ર વહેલી તકે મહિલાઓને કપડાં બદલવા માટે ચેન્જ રૂમની વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે. શ્રાવણ મહિનામાં પણ ઘસારો જોવા મળશે જેથી તંત્ર યોગ્ય પગલા ભરે તેવી આશા વ્યક્ત કરીએ છે.

Most Popular

To Top