ગાંધીનગર : ભારતમાં સેમી કંડક્ટર (Semi conductor) ઉત્પાદન કરવા એકમ સ્થાપનાર ઉદ્યોગ ગૃહને 50 ટકા આર્થિક સહાય (Financial Assistance) અપાશે, તેમ પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ગાંધીનગરમાં (Gandhinagar) જણાવ્યું હતું. મોદી એ કહ્યું હતું કે ભારતમાં સેમી કંડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપનાર કંપનીઓ માટે કેન્દ્ર દ્વારા રેડ કાર્પેટ પાથરવામાં આવી છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બીજી સેમીકોન ઇન્ડિયા સમિટનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે સેમી કંડક્ટર ઉદ્યોગોના ઝડપી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સ્પેશિયલ ઈકો સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. અમે ભારતના સેમીકોન પ્રોગ્રામ હેઠળ ભારતમામં અમે કેટલીક રાહતો આપી રહ્યાં છે. તે વધારીને હવે ભારતમાં સેમી કંડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપનાર ઉદ્યોગ ગૃહને 50 ટકા સહાય આપવામાં આવશે. જેના કારણે ભારતમાં સેમી કંડક્ટર ઉદ્યોગના વિકાસને વેગ મળશે.
ગાંધીનગરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે સેમીકંડક્ટરના નિર્માણક્ષેત્રે ભારત ગ્લોબલ હબ બનવા સંપૂર્ણપણે તૈયાર છે. ભારત સેમીકંડક્ટર ક્ષેત્રનું પાવર કંડક્ટર સાબિત થશે. વર્તમાન સમય ચોથી વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિનો સમય છે. જેનું નેતૃત્વ કરવા ભારત સજ્જ છે. ભારતના યુવાનો મહત્ત્વાકાંક્ષી છે. સાથોસાથ તેઓ પોતાની વૈશ્વિક જવાબદારી સમજીને મેક ફોર ઇન્ડિયાની સાથે મેક ફોર ધ વર્લ્ડના સૂત્રને અનુરૂપ વિકાસ કરી રહ્યા છે. ભારતમાં રોકાણ કરનારાઓને બમણા કે ત્રણ ગણા વળતરની ખાતરી આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત સાથે પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને આ દેશ ક્યારેય નિરાશ કરતો નથી.
આ પ્રસંગે સેમી કંડક્ટર ક્ષેત્રની વિશ્વની દિગ્ગજ કંપનીઓના વડાઓ તેમજ પ્રતિનિધિઓને આવકારતા પીએમ મોદીએ કહ્યું હતું કે આજથી એક વર્ષ પહેલાં યોજાયેલી પ્રથમ સેમીકોન ઇન્ડિયા સમિટમાં ભારતમાં સેમીકંડક્ટર ક્ષેત્રે રોકાણ શા માટે કરવું? એ પ્રશ્ન પર ચર્ચાઓ થઈ હતી. પરંતુ આજે એક વર્ષ પછી ભારતીય યુવાનોની મહત્ત્વાકાંક્ષાઓના પરિણામ સ્વરૂપ આ પ્રશ્ન બદલાઈ ગયો છે અને આજે ભારતમાં રોકાણ શા માટે ન કરવું? એ પ્રશ્ન પર ચિંતન કરવામાં આવી રહ્યું છે.
આ મુદ્દાની છણાવટ કરતાં મોદીએ મૂરના નિયમ(Moore’s Law)નું ઉદાહરણ આપીને કહ્યું કે ભારતે પણ ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે 21મી સદી એ ભારત માટે અવસરોની સદી છે. વિશ્વની આ સૌથી મોટી લોકશાહી તરીકે અહીં સ્કિલ્ડ ફોર્સ છે. ડેમોક્રેસી, ડેમોગ્રાફી થકી મળતા ડિવિડન્ડથી અહીં રોકાણ કરનારાનો બિઝનેસ બમણો-ત્રણ ગણો થશે.
તેમણે જણાવ્યું હતું કે આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારતનું યોગદાન અનેક ગણું વધ્યુ છે. વર્ષ 2014માં ભારતનું ઈલેક્ટ્રોનિક ઉત્પાદન 30 બિલિયન ડોલરથી ઓછું હતું. જે આજે 100 બિલિયન ડોલરને પાર કરી ગયું છે. છેલ્લા 2 વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ઉપકરણોની નિકાસ બમણી થઈ છે. વર્ષ 2014 પછી ભારતમાં થયેલા ટેકનોલોજિકલ વિકાસ પર પ્રકાશ પાડતા વડાપ્રધાનએ કહ્યું હતું કે વર્ષ 2014 પહેલા ભારતમાં માત્ર બે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા જ્યારે આજે 2000થી પણ વધુ યુનિટ છે. વર્ષ 2014 પહેલા દેશમાં બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા માત્ર 6 કરોડ હતી. જે આજે 80 કરોડથી પણ વધુ થઈ છે. જ્યારે ઈન્ટરનેટ કનેક્શનની સંખ્યા 25 કરોડથી વધીને આજે 85 કરોડ જેટલી થઈ છે. વડાપ્રધાનએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ આંકડાઓ માત્ર ભારતની પ્રગતિ જ નહીં, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે થઈ રહેલાં વ્યાવસાયિક વિકાસનો માપદંડ છે.
વડાપ્રધાનએ ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉપલબ્ધ નીતિઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે આજે દુનિયામાં સૌથી ઓછો કોર્પોરેટ ટેક્સ ભારતમાં છે. 2014 પછી ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસને ધ્યાને લઈને ઔદ્યોગિક વિકાસ માટે નડતરરૂપ અનેક જૂના કાયદાઓ અને ગૂંચવણોને દૂર કરવામાં આવ્યા છે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ પણ આપ્યા છે. એટલું જ નહીં 50 ટકા સુધીની નાણાકીય સહાય સાથે સરકાર સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને બળ પૂરું પાડી રહી છે.
સેમીકંડક્ટર ક્ષેત્રની વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અનેક ઇન્ડસ્ટ્રિયલ રિફોર્મ્સની સાથે ભારત આજે વિશ્વની સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર કંડક્ટર બનવા માટે સજ્જ છે. વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિઓ કોઈ ને કોઈ દેશની મહત્ત્વાંકાંક્ષાનું પરિણામ છે. ત્યારે આજનો યુગ એ ભારતનો સમય છે. ભારતમાં ગરીબી આજે તીવ્ર ગતિએ ઘટી રહી છે અને એક નવો મધ્યમ વર્ગ – નિઓ મિડલ ક્લાસ ઉભરી રહ્યો છે. આજનો ભારતનો યુવાન મહત્ત્વાકાંક્ષી છે અને ટેક્નોલોજી એડોપ્શન માટે હંમેશાં તત્પર રહે છે.
વિશ્વને આજે ચીપ સપ્લાય ચેઇનની જરૂર છે અને ભારતથી વધુ વિશ્વાસપાત્ર કોણ હોય શકે? તેવું જણાવતાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત પર દુનિયાનો ભરોસો સતત વધી રહ્યો છે. જેની વૈશ્વિક જવાબદારી ભારત પણ સુપેરે સમજે છે અને માત્ર મેક ફોર ઇન્ડિયા નહીં, પરંતુ મેક ફોર ધ વર્લ્ડના ભાવ સાથે સેમીકંડક્ટર ક્ષેત્રનું હબ બનવા અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા તૈયાર છે. આ માટે સાથી દેશોના સહયોગથી વિસ્તૃત રોડમેપ તૈયાર કરીને કામ થઈ રહ્યું છે. તાજેતરમાં જ ભારતે નેશનલ ક્વૉન્ટમ મિશનને મંજૂરી આપી છે. સેમીકંડક્ટર ઈકો-સિસ્ટમ માટે બદલાવો કરવામાં આવી રહ્યા છે. આ માટે દેશભરમાંથી 300 જેટલી કૉલેજોની ઓળખ કરવામાં આવી છે. જ્યાં સેમીકંડક્ટર વિષય પરના અભ્યાસક્રમોની શરૂઆત થશે. એક અંદાજ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિઝાઇન એન્જિનિયર અહીં તૈયાર થશે. ભારતની સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમથી સેમીકંડક્ટર ક્ષેત્રને નવું બળ મળશે. જેના થકી ભારત વિશ્વની સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રીનું પાવર-કંડક્ટર બનશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્તમાન વર્ષ માટે ભારતને જી-20 દેશોનું યજમાનપદ મળ્યું છે. જેની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે. એ દૃષ્ટિએ સમગ્ર વિશ્વને પરિવાર ગણીને બહેતર વિશ્વના નિર્માણ માટે ભારત હંમેશાં તત્પર છે. ભારતની સ્કિલ, કેપેસિટી અને કેપેબિલિટીનો વિશ્વને લાભ મળે એ નિર્ધાર સાથે ભારતનું સામર્થ્ય વધારવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે. આ સહિયારા પ્રયાસમાં વૈશ્વિક ઉદ્યોગકારો માટે ભારતે હંમેશાં લાલ જાજમ બિછાવી છે.
લાલ કિલ્લા પરથી બોલેલા વચનોને દોહરાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યહી સમય હૈ, સહી સમય હૈ – દેશ કે લિએ ભી, દુનિયા કે લિએ ભી. આ માટે તેમણે કહ્યું હતું કે પોતાનાં સપનાઓ અને અપેક્ષાઓ જોડીને ભરોસો મૂકનારાઓને ભારત દેશ ક્યારેય નિરાશ કરતો નથી.