નવી દિલ્હી: મણિપુરમાં (Manipur) હિંસક તત્વોનો વર્ચસ્વ વધી રહ્યો છે. 3મેથી શરૂ થયલી હિંસા (Violence) હજી સુધી થમવાને આરે આવી નથી. હાલમાં મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં હિંસા ભડકી છે. મળતી માહિતી મુજબ અહીંના થોરબુંગ વિસ્તારમાં ભારે ગોળીબાર (Firing) કરવામાં આવ્યો હતો. જો કે આ ફાયરિંગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, તેનો આંકડો સામે આવ્યો નથી. એકાએક ગોળીબારને કારણે આ વિસ્તાર સંવેદનશીલ બની ગયો છે. એટલું જ નહિ લોકોમાં ડરનો માહોલ પણ છવાઇ ગયો છે.
મણિપુરમાં કુકી સમુદાય દ્વારા 3મેના રોજ યોજવામાં આવેલ આદિવાસી એકતા માર્ચ દરમિયાન હિંસા ભડકી હતી. જે દરમિયાન કુકી અને મેઇતેઇ સમુદાય વચ્ચે હિંસક માહોલ સર્જાયો હતો. ત્યારથી જ મણિપુરમાં તાનવપૂર્ણ માહોલ યથાવત છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 160 વધુ લોકો હિંસાનો ભોગ બની ચૂક્યા છે. મણિપુરની વસ્તીની વાત કરીએ તો ત્યાં આશરે 53% લોકો મેઇતેઇ સમુદાયના છે, તેમાંથી મોટાભાગના લોકો ઇમ્ફાલ ઘાટીમાં રહે છે, જ્યાં 40% આદિવાસી રહે છે. જેમાં નાગા અને કુકી સમુદાય શામેલ છે. તેમજ તેઓ પહાડી વિસ્તારમાં રહેતા હોય છે.
મણિપુરમાં હિંસા મુદ્દે ચોમાસુ સત્રમાં હંગામો ચાલુ છે. વિપક્ષ પીએમ મોદીના (PMModi) નિવેદન અને ગૃહમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની માંગ કરી રહ્યું છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના જવાબ સાથે સરકાર ટૂંકા ગાળાની ચર્ચા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં સંસદના બંને ગૃહોમાં સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે.
મણિપુરથી 4 મેના રોજ એક ઘૃણાસ્પદ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. આ વાયરલ વીડિયોમાં (Viral Video) બે મહિલાઓને નગ્ન કરી હિંસક લોકોના ટોળાએ પરેડ કરાવી હતી. એટલું જ નહિ તેમની સાથે સામૂહિક બળાત્કાર (Gang Rape) પણ થયો છે. આ ઘટના મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 35 કિમી દૂર કાંગપોકપી જિલ્લામાં બની હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે આ ગામામાં ચોથી મેના રોજ બપોરે ત્રણ વાગ્યે આશરે 800થી 1000 મેઇતેઇ લોકોના ટોળાએ કાંગપોકપી જિલ્લાના એક ગામમાં ઘૂસીને ઘરોમાં લૂંટફાટ કરી હતી. તેમજ આ બંને મહિલાઓને પર સામૂહિક બળાત્કાર ગુજારી તેમને નગ્ન કરી પરેડ કરાવી હતી. જેમાંથી એક આરોપીની ધકપકડ પણ કરવામાં આવી હતી.