સુરત : સુરત (Surat) પોલીસ હેડ ક્વાર્ટરમાં (Police Head Quarter) ડ્રાઇવરની (Driver) નોકરી કરતા ચિંતન રાજ્યગુરૂ નામના કોન્સ્ટેબલે (Constable) પીઆઇ (PI) બનીને બુટલેગરનો (Bootlegar) 1.92 લાખનો તોડ કર્યો હતો. પોતાનો ઘર ખર્ચ ચલાવવા માટે હોમ ડિલિવરી (Home Delivery) કરનાર યુવાનનું ક્રેટા કારમાં અપહરણ (Kidnaping) કરીને તેને માર મારીને તેની પાસેથી 1.92 લાખની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ ચોપડે દાખલ કરવામાં આવી હતી.
આ મામલે અજય ભૂપત સવાણી (ઉ. 27, રહે, સુદામા ચોક, મોટા વરાછા, રિવેરા એપાર્ટમેન્ટ)એ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે પોતે લાંબા સમયથી બેકાર છે. તેથી ઘર ખર્ચ કરવા માટે તે દારૂનો ધંધો કરે છે. તે દારૂની હોમ ડિલિવરી કરે છે.
અજય સવાણી પર ગઇ તા. 23 ના રોજ દારૂ માટે તુલસી હોટલ, વરાછા ચોપાટી પાસે ડિલિવરી કરવા માટે ફોન આવ્યો હતો. તે સમયે તેણે બ્લેક ડોગ નામની દારૂની બોટલની ડિલિવરી કરી હતી. ત્યારબાદ તેના પર તા. 24 ના રોજ પર પણ દારૂની બોટલની ડિલિવરી માટે ફોન આવ્યો હતો. તે સમયે તુલસી હોટલ પાસે અજાણ્યા ઇસમે આવીને તેની ક્રિટા ગાડીમાં બેસાડી દીધો હતો.
આ કારમાં પોતે પોલીસવાળા છે તેમ જણાવ્યું હતું. આગળ જે સાહેબ બેઠા છે તે પીઆઇ સાહેબ છે. તેમ કહીને અજયને તેણે દારૂનો સ્ટોક ક્યાં મુકયો છે તેમ પુછીને તેને માર માર્યો હતો. ગભરાયેલા અજય સવાણીએ તેનું ઠેકાણુ બતાવી દીધુ હતુ. જેથી આ લોકોએ જો કેસ કરવો નહીં હોય તો બે લાખ રૂપિયાની માંગણી કરી હતી.
દરમિયાન અજયે તેના મિત્રો અને પત્ની પાસે ફોન કરીને 1.92 લાખ જેટલી રકમ આ લોકોને આપી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ કોઇને નહીં કરવા માટે ક્રેટા કારમાં બેસેલા 3 ઇસમોએ ચેતવણી આપી હતી. આથી ગભરાયેલા અજયે આ મામલે કોઇને જાણ કરી ન હતી. બાદમાં તેણે તેના મિત્રોને જાણ કરતા આ મામલે તપાસ કરતા સ્થાનિક કોઇ પોલીસે આ રીતે કાર્યવાહી નહીં કરી હોવાનું બહાર આવતા તેણે કાપોદ્રા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરાવી હતી.
કાપોદ્રા પોલીસે ચેક કર્યુ તો હેડ ક્વાર્ટરના ડ્રાઇવરે પીઆઇ બનીને તોડ કર્યાનું બહાર આવ્યું
આ મામલે કાપોદ્રા પોલીસે ચેક કર્યુ તો હેડ કવાર્ટરના ડ્રાઇવરે પીઆઇ બનીને અજયનો તોડ કર્યો હતો. કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરૂ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેણે પોલીસના બાતમીદારો ગણાતા અન્ય ઇસમો પૈકી ધારા તોમર અને નિતેશ ભદોરિયાને સાથે ઝઇને અજયનો તોડ કર્યો હતો અને તેને ફટકાર્યો હતો. દરમિયાન કાપાદ્રા પોલીસે ત્વરીત ચિંતન રાજ્યગુરૂની ધરપકડ કરી હતી.