વિશ્વના અગ્રણી સોશ્યલ મીડિયા અને માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરને લગતા જાત જાતના સમાચારો છેલ્લા કેટલાક સમયથી ચમકયા જ કરે છે. આ ટ્વીટર એ રાજકીય અને સામાજીક પ્રવાહોની ચર્ચાઓ માટેનું વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માધ્યમ છે અને જ્યારથી વિશ્વના ટોચના અબજપતિ એલન મસ્કે આ ટ્વીટરની કંપની ખરીદી લીધી છે ત્યારથી ટ્વીટર ઘણી જ ચર્ચામાં છે.
આ ટ્વીટરમાં એલન મસ્ક દ્વારા કરવામાં આવતા જાત જાતના ફેરફારો વચ્ચે હાલ થોડા સમય પહેલા ફેસબુક દ્વારા ટ્વીટરના વિકલ્પ તરીકે એક નવી થ્રેડ નામની એપ્લિકેશન રજૂ કરવામાં આવી તેના પછી હવે આ ટ્વીટરને લગતો એક મોટો ધડાકો થયો છે અને તેમાં એલન મસ્કે ટ્વીટરમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. વિશ્વના અગ્રણી સોશ્યલ મીડિયા અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરમાં અનેક ફેરફારો આવી રહ્યા છે અને તેના નવા માલિક એલન મસ્કે આ સાઇટમાં તળિયાઝાટક ફેરફારો કરવાના તેમના પ્રયાસોમાં ટ્વીટરને રિબ્રાન્ડ કરવાની જાહેરાત કરી છે જેમાં આ સાઇટનું નામ હવે એક્સ ડોટ કોમ થયું છે અને તેના ખૂબ જાણીતા ભૂરા પક્ષીના લોગોના સ્થાને નવો એક્સ લોગો મૂકવામાં આવ્યો છે.
ટ્વીટર ૨૦૦૬માં સ્થપાયું હતું અને તેણે પોતાનું નામ પક્ષીના ટહુકા પરથી લીધું હતું. લોગો તરીકે પણ બ્લુ બર્ડ એટલે કે ભૂરા પક્ષીનું ચિત્ર હતું અને તે ખૂબ જાણીતું થઇ ગયું હતું. ગયા વર્ષે એલન મસ્કે ૪૪ અબજ ડોલરમાં આ સોશ્યલ મીડિયા કંપની ખરીદી લીધી તેના પછી તેઓ ટ્વીટરમાં અનેક ફેરફારો કરી રહ્યા છે અને તેના કેટલાક ફેરફારોને કારણે તેઓ ઘણા યુઝરોમાં અળખામણા પણ બન્યા છે. હવે એક નવા વિવાદાસ્પદ ફેરફારમાં મસ્કે ટ્વીટરની બ્રાન્ડ અને લોગોમાં જ ફેરફાર કરી નાખ્યા છે અને કાળા બેકગ્રાઉન્ડ પર સફેદ એક્સ વાળો નવો લોગો રજૂ કર્યો છે.
રવિવારે મોડી રાત્રે કંપનીના નવા સીઇઓ લિન્ડા યાકારિનોએ આ ફેરફારની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે એક્સ આવી ગયું, ચાલો તે કરીએ! આ પહેલા મસ્કે પોતે જાહેરાત કરી હતી કે ટ્વીટરમાં ફેરફારો આવશે અને બધા પક્ષીઓ ઉડી જશે! લોગોમાં એક્સ આવવાનો સંકેત પણ મસ્કે આપી દીધો હતો અને તેના કેટલાક કલાકો પછી મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે વચગાળાનો લોગો આજે લાઇવ બની રહ્યો છે. અને ટ્વીટરના સીઇઓ યાકારિનોએ ફેરફારોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક્સ એ એઆઇથી સંચાલિત હશે અને આપણને એ રીતે જોડશે કે જેની ફક્ત કલ્પનાની શરૂઆત આપણે કરી રહ્યા છીએ.
ટ્વીટરમાં આ નવો ફેરફાર ટ્વીટરને એવરીથિંગ એપ બનાવવાની મસ્કની ઇચ્છા મુજબ જણાય છે જેઓ ટ્વીટરને સોશ્યલ મીડિયા, ઇન્સન્ટ મેસેજિંગ અને બેકિંગ તથા અન્ય કાર્યો માટે સજ્જ બનાવવા માગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સ નામ સાથે મસ્કને જૂનો પ્રેમ છે અને તેમની ખાનગી અવકાશ કંપનીનું નામ પણ સ્પેસ એક્સ છે. ટ્વીટરનો આ નવો લોગો પણ હંગામી ગણાવાયો છે જ્યારે કે અગાઉ બ્લૂ બર્ડના સ્થાને શીનુ ઇબા કૂતરાનો લોગો તેમણે રજૂ કર્યો હતો પણ તે બહુ ચાલ્યો નહીં. હવે આ નવો એક્સ લોગો આવ્યો છે! આ નવો લોગો કેટલો ચાલે અને ટ્વીટરનું નવુ નામ એક્સ કેટલી હદે લોકજીભે ચડે તે એક પ્રશ્ન જ છે.
ફેસબુક કે વૉટ્સએપની સરખામણીમાં ટ્વીટરના વપરાશકારો ઓછા છે તેનું કારણ ટ્વીટરનું વિશિષ્ટ સ્વરૂપ છે. તે એક માઇક્રોબ્લોગિંગ સાઇટ છે અને તેમાં મર્યાદિત શબ્દોમાં વિચાર કે સંદેશ રજૂ કરી શકાય છે જેને ટ્વીટ કહેવામાં આવે છે. હવે નામ બદલાતા તેને શું કહેવાશે તે એક પ્રશ્ન છે. ટ્વીટર પર પોસ્ટની એક મર્યાદા હોય છે પરંતુ દુનિયાભરના રાજકીય, સામાજીક, ધાર્મિક વગેરે પ્રવાહો પર ટ્વીટરનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે.
ટ્વીટર પર કેટલા ફોલોઅર્સ છે તેના પરથી કોઇ રાજકીય નેતા કે અભિનેતા વગેરેની લોકપ્રિયતાનું પણ માપ નીકળતું હતું. હવે આ ટ્વીટર સામે થ્રેડ આવી ગયું છે અને તે ટ્વીટરને બરાબર ટક્કર આપશે એમ સ્પષ્ટ લાગી રહ્યું છે. જો કે ટ્વીટર જેટલો પ્રભાવ પાથરતા તેને સમય લાગશે એમ જણાય છે. પરંતુ મસ્ક જે રીતે ટ્વીટરને રિબ્રાન્ડ કરી રહ્યા છે ત્યારે તેનું નવુ નામ કેટલુ પ્રચલિત બને તે એક પ્રશ્ન છે અને નામ બદલાતા તેના ઘણા બધા યુઝરો થ્રેડ તરફ ઝડપથી વળી જાય એવું પણ બને. રિબ્રાન્ડ કરવા જતા મસ્ક પોતે જ ટ્વીટરની ઘોર ખોદી નાખે તેવું પણ બની શકે. હવે શું થાય છે તે જોવાનું રહે છે.