ખેરગામ : છેલ્લા કેટલાય મહિનાઓથી મણિપુરમાં (Manipur) મૈતેઇ અને નાગા-કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસા (Violence) રોકાવાનું નામ નથી લેતી જેમાં અનેક લોકોએ પોતાના કિંમતી જાનમાલનું જંગી નુકસાન સહન કરવું પડ્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયેલા કુકી સમુદાયની મહિલાઓ સાથે થયેલી ઘટનાથી આખા દેશમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે. સમગ્ર દેશમાંથી આરોપીઓ પર ફિટકાર વરસી રહ્યો છે. જેના પગલે ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાનાં માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા મોડી સાંજે શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, ધરમપુર અપક્ષ તાલુકા સભ્ય કલ્પેશ પટેલ, મનીષ શેઠ, સુરેશ પટેલ તથા યુવાનો, સરપંચ ઝરણા પટેલ, કોંગ્રેસ પ્રમુખ સશીન પટેલ તેમજ યુવાનો, વડીલો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે ડો.નિરવ જણાવાયું છે કે આદિવાસી સમાજ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરે છે અને આરોપી ઓને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરે છે.
મણિપુરની ઘટનાના વિરોધમાં કપરાડા સંપૂર્ણ બંધ
વલસાડ: દેશના મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ભાંગી પડેલી પરિસ્થિતિ અને આદિવાસી મહિલાઓ સાથે બનેલી અમાનવીય ઘટનાના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ કપરાડા દ્વારા શનિવારે એક દિવસ કપરાડા તાલુકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે તાલુકાનું મુખ્ય મથક કપરાડા સંપૂર્ણ બંધ રહ્યું હતું. નાના વેપારીઓ, દુકાનદારો, શો રૂમ, હોટલ, રેસ્ટોરેન્ટ બંધ રહ્યા હતા.
- દુકાનો, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, શો રૂમ પણ બંધ રહ્યા
વાહનો અને લોકોથી સતત ધમધમતું કપરાડાનું બજાર સૂમસામ જોવા મળ્યું હતું. મેડિકલ સ્ટોર્સ, પેટ્રોલ પંપ ચાલુ રહ્યા હતા. શુક્રવારે જ બંધની જાહેરાત કરી હોવાથી લોકોએ પણ કપરાડા આવવાનું ટાળ્યું હતું. આદિવાસી સમાજના આગેવાન જયેન્દ્ર ગામીતે બંધને સફળ ગણાવ્યું હતું. બંધ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. કપરાડા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.