SURAT

સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું આ ગામ બન્યું સ્માર્ટ વિલેજ

સુરત : ભારતમાં શહેરોની સાથે ગામડાઓ (villages) પણ વિકાસ (develop) પામી રહ્યા છે. ભારત દેશમાં સમયની સંગાથે હવે ગામડાઓ પણ આધુનિક (Modern) બનતા જાય છે. જ્યાં પાકા સીસી રોડ, પાકા મકાનો, સીસીટીવી કેમેરા અને ઈન્ટરનેટ સેવા સાથે જોડાયેલી ગ્રામ પંચાયતોથી બનેલા સ્માર્ટ વિલેજ (Smart Village) શહેરને પણ ટક્કર મારી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજ (Kamrej) તાલુકામાં પણ આવું જ એક આધુનિક ગામ છે. આ ગામનું નામ ઉંભેળગામ છે. ગામની અંદર પ્રવેશ કરતાં જ ગામનું આહલાદક વાતાવરણ સૌ કોઈને આકર્ષી જાય છે.

ઉંભેળગામમાં સ્માર્ટ પ્રાથમિક શાળા, લાયબ્રેરી, સ્વચ્છ રોડ-રસ્તા, સીસીટીવી, બાગ-બગીચા, 24 કલાક પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક, ભૂગર્ભ ગટર યોજના જેવી સુવિદ્યાઓ ઉપલબ્ધ છે. ગ્રામ પંચાતની વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયત અને લોકભાગીદારી દ્વારા કરવામાં આવેલા કાર્યોની વિગતો આપવામાં આવે છે. આ સાથે સમાજને ઉપયોગી તમામ પ્રકારની સુવિદ્યા ગ્રામજનને મળી રહી છે. આ સાથે સરકારની તામમ યોજનાકીય સહાયના ફોર્મ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

ગામની સાફલ્ય ગાથા વર્ણવતા પૂર્વ સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ દર્શનભાઈ પટેલ જણાવ્યું હતું કે ઉંભેળ ગામમાં એક સમયે પાયાની સુવિધાઓનો પણ અભાવ હતો. જો કે ત્યાર પછી સરકારની સાથે મળીને અનેક સુવિધાઓ શરૂ કરવાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે ગામડાંઓની સમૃદ્ધિ કેવી હોય તેનું ઉદાહરણ અમારું ઉભેળગામ છે. અહીંયા સંપૂર્ણ પણે શુદ્ધ આર.ઓ.વોટર આપવામાં આવે છે. નજીવા દરે ગ્રામજનો આર.ઓ.પાણી મેળવી શકે છે. ગ્રામ પંચાયતની કચેરીનું લોક ભાગીદારીથી નવિનીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ બાળકોને ઘરે જવાનું મન ન થાય તેવાં નંદઘર અને શાળા માટે અત્યાધુનિક ઓરડાઓ સાથે ભવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેમણે વધુ જણાવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રગતિશીલ ગામડાંઓની પરિકલ્પનાને અમે ચરિતાર્થ કરી રહ્યા છીએ. ઉંભેળ ગામનો આ વિકાસ પહેલાં આવો નહોતો. ગામમાં અનેક સુવિધાઓ છેલ્લા એક દોઢ દાયકામાં પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં પણ અમે સરકારની મદદથી ઉંભેળગામને વધુ સમૃદ્ધ અને વધુ સુવિધાયુક્ત બનાવવા કટીબદ્ધ છીએ.

ડેપ્યુટી સરપંચ દર્શનભાઈ પટેલ વધુમાં જણાવ્યું કે ગામના વિકાસમાં લોકોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ઉંભેળ ગામ ખેતી, પશુપાલન અને નાના મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલુ છે. ગામની એકતા અને સંપના કારણે અત્યાર સુધી સામુહિક નિર્ણય થકી ગામમાં અનેક પ્રકારની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગામમાં સફાઈની સપુર્ણપણે કાળજી લેવામાં આવે છે. ગમના દરેક ઘર ગટર યોજનાથી જોડાયેલા છે. ગ્રામ પંચાયત દ્વારા ઠરાવો કરીને ગામ પ્રદૂષણ મુક્ત રહે તેની કાળજી પણ લેવામાં આવે છે. અહીંની પંચાયત દ્વારા ટ્રેકટરની મદદથી ગામની શેરીએ શેરીએ જઈને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવે છે. એકઠો કરાયેલો કચરો ગામની બહાર બનાવવામાં આવેલ કુંડીમાં નાખીને તેનો નિકાલ કરવામાં આવે છે.

ગામમાં પેવર બ્લોક, ગાર્ડન, આંગણવાડી, કુવા અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો યશ સ્થાનિક સંરપચ અને આગેવાનોનો પણ છે. નાનકડું ગામ આજે સ્વચ્છતા સાથે પ્રદૂષણ મુક્ત છે. ગામના તમામ લોકો ગામને સ્વચ્છ રાખવા સ્વચ્છતાનું પાલન કરી રહ્યાં છે. ગામના વિકાસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે રસ લીધો છે. જેને કારણે આજે આ નાનકડુ ગામ ભારતના નકશામાં સ્માર્ટ વિલેજ તરીકે સ્થાન પામ્યું છે.

ગામના લોકોની સુખાકારી માટે ગામમાં દરેક ઘરે સુકો કચરો અને ભીને કચરો એમ બે પ્રકારની ડસ્ટબીનો આપવામાં આવે છે. તેમજ જાહેર સ્થળે પણ આ બે પ્રકારની ડસ્ટબીન મુકવામાં આવી છે. આ સાથે ડોર ટુ ડોરના કચરાના કલેકશન માટે વાહનોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં નિયમિત સાફ-સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રવાહી કચરાના નિકાલ માટે ગામથી બહાર પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં પાણી શુદ્ધિકરણ કરી ચોખ્ખું પાણી વહેતું છોડવામાં આવે છે. જેનાથી જળસ્તર વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. ગામમાં સત્યગૌચર હનુમાનજી મંદિર પાસે સુંદર ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બાળકોના રમત ગમતના સાધનો પણ મૂકવામાં આવેલા છે. ગાર્ડનમાં આવેલા તળાવને અમૃત સરોવરમાં સમાવી તળાવ બ્યુટીફિકેશનનું કામ હાથ ધરાયું છે. ગાર્ડનમાં સુરત, બારડોલી સહિતના દુરના વિસ્તારના લોકો પણ ફરવા માટે આવે છે. આ સાથે ગામની મધ્યમાં કુંડાઓ મુકી ફૂલ છોડનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. જેનાથી ગામની સુંદરતામાં વધારો થયો છે.

ગામમાં પર્યાવરણ સારૂં રહે તે માટે દર વર્ષે મોટા પાયા પર વૃક્ષારોપણ કરવામાં આવે છે. ગામની 20 એકર ગૌચર જમીનમાં ખુબ જ મોટા પાયે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેમાં 10 એકર વન વિભાગ અને 10 એકર PEPL (Palsana Enviro Protection Ltd) દ્વારા વૃક્ષોનું પ્લાન્ટેશન કરી જાળવણી કરવામાં આવી રહી છે. ગૌચરની જમીનમાં વૃક્ષો વાવી ગામની શોભાવૃદ્ધી વધારવાની સાથે ગામમાં આવકનો એક સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો છે. ગૌચરની જમીનમાં વૃક્ષો વાવાથી ગામના બેરોજગાર લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ છે. વન વિભાગના સહયોગથી બિન ઉપજાવ જમીન હરિયાળી બનાવવા તેમજ ગ્રામ પંચાયતને ફાયદો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

ઉંભેળ ગામપંચાયત દ્વારા ગ્રામજનો માટે ત્રણ યોજનોઓ શરૂ કરવામાં આવી છે. જો આ યોજનાની વાત કરીએ તો તેમાં પહેલી યોજના ‘દીકરી મારી લક્ષ્મીનો અવતાર’ છે. આ યોજના અંતર્ગત ગામમાં જન્મેલ દરેક દીકરીનાં માતા-પિતાને ચાંદીનો સિક્કો, સન્માનપત્ર અને મીઠાઇનું બોક્ષ એમનાં ઘરે જઈ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ યોજના બેટી બચાવો અભિયાનને પ્રોત્સાહન આપે છે. બીજી યોજના ‘હરિશ્વચંદ્ર તારામતી અંત્યેષ્ઠી સહાય’ છે. જેમાં ગામમાં મરણ પામતા કોઈપણ ગ્રામજનની અંતિમક્રિયામાં સ્મશાનનો ખર્ચ અને જરૂરી સામાન આપવામાં આવે છે. જેથી જેના ઘરે અશુભ બનાવ બન્યો હોય તેને થોડો આધાર મળી રહે. જ્યારે ત્રીજી યોજના ‘નિરાધારનો આધાર’ યોજના છે. જેમાં ગામમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અને જેમના માતા-પિતા હયાત ન હોય તેવા બાળકોને વાર્ષિક રૂ 3000 ગ્રામ પંચાયત તરફથી અને રૂ. 2000 પુર્વ સરપંચ દર્શનભાઈ પટેલ તરફથી એમ કુલ રૂ.૫૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ સહાય બાળકને ભણતરમાં મદદ રૂપ અને એમનું ભરણપોષણ કરતાં પાલક વાલીને સહાયરૂપ બની છે.

ઉંભેળ ગામને અત્યાર સુધી અનેક પ્રકારના એવોર્ડ મળેલા છે. જેમાં વર્ષ 2006 માં સમરસ ગામ પંચાયત, વર્ષ 2019માં શ્રેષ્ઠ ગ્રામપંચાયત, કોવિડમાં શ્રેષ્ઠ કામગીરી અને સ્વર્ણિમ પુરસ્કાર સહિતના પુરસ્કારનો સમાવેશ થાય છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉંભેળગામને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કર્યું હતું. ગ્રામજનોએ મુખ્યમંત્રીની પ્રત્યેય આભાર ભાવ વ્યક્ત કર્યો હતો. ગુજરાત અને ભારત સરકારની યોજનાઓના સુભગ સમન્વયનો લાભ લઈ ગ્રામજનોએ ઉંભેળ ગામને સ્માર્ટ વિલેજ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું.

Most Popular

To Top