હમણાં અચાનક રોમેન્ટિક ફિલ્મોની બૌછાર થવા માંડી છે અને તેમાં વરુણ ધવન-જાન્હવી કપૂર ‘બવાલ’ મચાવવા આવી રહ્યા છે. એ હકીકત બહુ જુની છે કે રોમેન્ટિક સ્ટાર જ ખૂબ લોકપ્રિય થતા હોય છે. તમે ભૂતકાળ પણ તપાસી શકો છો. અમિતાભ પછી છેલ્લે શાહરૂખ અને સલમાન ટોપ સ્ટાર્સ થયા તે પણ રોમેન્ટિક ફિલ્મોને કારણે જ. હા, એક્શન, કોમેડી, હોરર, થ્રિલર, હિસ્ટોરીકલ સહિતની ફિલ્મોમાં કામ કરવાનું હોય તો તે પણ સરસ રીતે નિભાવી શકવું જોઇએ. ધર્મેન્દ્ર, અમિતાભ બધા જ પ્રકારની ભૂમિકા કરી શકતા. રાજેશ ખન્ના સુપર સ્ટાર બન્યા પણ બધા જ પ્રકારની ભૂમિકા ન કરી શકયા એટલે સુપરસ્ટારડમ વહેલું પૂરું થઇ ગયું.
હમણાં આ ક્વોલિટી ઋતિક, રણબીર, વરુણ વગેરેમાં છે. ટાઇગર, કાર્તિક વગેરે હજુ ટોટલ સ્ટાર તરીકે પોતાને સાબિત કરવાના બાકી છે. વરુણ ધવન આમ તો ડેવિડ ધવન જેવા દિગ્દર્શકનો દિકરો છે પણ તેનામાં મોટા સ્ટાર થવાની ક્ષમતા છે. યોગ્ય ફિલ્મોની પસંદગી જરૂરી છે. ‘બવાલ’ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની હતી અને હવે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રજૂ થઇ રહી છે. વરુણ ધવને અને હકીકતે તો ‘બવાલ’ના નિર્માતા સાજીદ નડિયાદવાલા અને દિગ્દર્શક નિતીશ તિવારીએ પણ આ સ્થિતિથી બચવું જોઇતું હતું.
વરુણ અને જન્હવી હોય એ ફિલ્મ તો થિયેટર માટે જ હોય. બાકી આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ, લખનૌ ઉપરાંત પેરિસ, બર્લિન, આર્મસ્ટરડેમ, વોર્સો, પોલાન્ડમાં થયું છે. ફિલ્મનું એક ગીત મનોજ મુન્તાસીરે લખ્યું છે. વરુણ ધવન છેલ્લી ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’, ‘જૂગ જૂગ જિયો’ અને ‘ભેડિયા’ ફ્લોપ ગઇ છે. હવે તેણે સફળતા સાથે પાછા વળવું જરૂરી છે. અલબત્ત, ત્રણ ફિલ્મો લાગલગાટ નિષ્ફળ જવા છતાં વરુણનો એકડો હજુ કાઢી નખાયો નથી. આ કારણે જ તે આવતા અઠવાડિયે રજૂ થનારી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં નાની ભૂમિકામાં દેખાશે.
આવનારી ફિલ્મ ‘સ્ત્રી’ની સિકવલમાં પણ તે આ રીતે એક ભૂમિકા કરી રહ્યો છે. મતલબ તેની હાજરીનું મહત્વ આંકવામાં આવે છે. આ બધું તો તે કરે છે પણ શાહરૂખ જે ફિલ્મથી પોતાની સફળતા દોહરાવવા માંગે છે તે ‘જવાન’ના દિગ્દર્શક એટલીએ તેની તમિલ ફિલ્મ ‘ઠેરી’ની રિમેકમાં વરુણને જ લીધો છે. એ એક એકશન ક્રાઇમ થ્રિલર છે. આ 16મી જુલાઇથી જ તેનું શૂટિંગ શરૂ પણ થઇ ગયું છે. આ ઉપરાંત ‘સનકી’ છે અને તે ઉપરાંત કરણ જોહર દિગ્દર્શીત એ ફિલ્મ છે જેમાં વરુણ અને ટાઇગર શ્રોફ બંને છે.
વરુણ અત્યારે ‘કોલ મીલે’ અને ‘ગ્રેગરી-2’ જેવી વેબ સિરીઝમાં પણ આવી રહ્યો છે. મતલબ તે પોતાને માધ્યમની રીતે પણ વધારે ચકાસી રહ્યો છે. વરુણ ધવન બને ત્યાં સુધી મલ્ટીસ્ટાર ફિલ્મોથી પણ દૂર રહે છે કારણ કે તે પોતાને ગમે તેમ વેડફવા માંગતો નથી. વરુણ તેના પિતાના સપોર્ટમાં હવે ગોવિંદાએ લોકપ્રિય બનાવેલી ફિલ્મની રિમેકમાં કામ કરતો નથી તે પણ ડહાપણ ગણાય. વરુણ જો પોતાને યોગ્ય રીતે મેનેજ કરશે તો તે વધુ સારા સ્થાને પહોંચશે. •