સાપુતારા: આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં વિચિત્ર ઘટના બની છે. અહીં પતિ બે દિવસથી કામ પર નહીં ગયો હોય ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં રહેતા રાજુ લાસુભાઈ ગાવિતની પત્ની કમળીબેને તેમને પૂછ્યુ હતુ કે, ખેતી કામ કરવા કેમ નહી જતા ? ત્યારે પતિએ કહ્યુ હતુ કે, ખેતી નહી કરવી તારે શુ છે ? તેમ કહેતા પત્ની એકદમ ઉશ્કેરાઇ ગઈ હતી અને અપશબ્દો – ગાળો આપી શરીરે ઢીક્કા પાટુ નો માર માર્યો હતો. તેમજ પત્નીએ ઘરમાંથી કુહાડી લઇ આવી પતિને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા હતા. જે બાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે પત્નીએ કહ્યુ હતું કે, આજે તો બચી ગયો છે પરંતુ બીજી વખત જાનથી મારી નાખીશ. ત્યારબાદ પીડિત પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પારડીમાં પીકઅપ ટેમ્પોએ ટક્કર મારતા મહિલાનું મોત
પારડી : પારડી નેશનલ હાઇવે નં.48 સર્વિસ રોડ ઉપર એક પીકઅપ ટેમ્પો ચાલકે દંપતીની મોપેડને પાછળથી ટક્કર મારતા અકસ્માતમાં પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પતિને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પારડી કોલેજની બાજુમાં રહેતા વિનોદ પપ્પુભાઈ પટેલ સોમવારે સવારે તેની પત્ની વનીતાબેનને શુભમ હોસ્પિટલ ખાતે મોપેડ પર લેવા માટે ગયો હતો. તેઓ પરત ઘરે ફરતા સમયે સર્વિસ રોડ પર ટેમ્પોના ચાલકે પાછળથી દંપતીની મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં પાછળ બેઠેલી પત્ની વનિતાબેન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઈજા પહોંચતા પારડી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જી પીકઅપ ટેમ્પો સ્થળ ઉપર મૂકી ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે મૃતક વનીતાબેનના પતિ વિનોદ પટેલે પારડી પોલીસ મથકે પીકઅપ ટેમ્પો ચાલક વિરુધ્દ ફરિયાદ નોંધાવી હતી. મૃતકની લાશને સીએચસીમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.