દિલ્હીમાં ગેન્ગરેપની ઘટનાને પગલે હિન્દી ફિલ્મોમાં આઇટમ સોંગ્સ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી જોર પકડી રહી છે. આઇટમ સોંગ્સમાં સ્ત્રીનું જે રીતે બિભત્સ ચિત્રણ કરવામાં આવી રહ્યું છે તે જોઇને પુરુષોની દમિત વાસનાઓ ઉછળે છે અને તેઓ સ્ત્રીઓ ઉપર તૂટી પડે છે, એવો આક્ષેપ થઇ રહ્યો છે. આ માંગણીને સમર્થન આપતાં હિન્દી ફિલ્મોની ડ્રીમ ગર્લ તરીકે ઓળખાતી હેમા માલિનીએ જાહેર કર્યું છે કે તે પોતાની ફિલ્મોમાં કદી આઇટમ સોંગ્સ લેશે નહીં. બોલિવૂડની ફિલ્મોમાં આઇટમ સોંગ્સ ઘૂસાડી દેવાની હમણાં ફેશન ચાલી રહી છે. વર્ષો પહેલાં ‘તિસ્મારખાં’ ફિલ્મમાં ‘માય નેમ ઇઝ શીલા’ સફળ થયું તેને પગલે ફિલ્મોમાં આઇટમ સોંગ્સ માટે હોડ લાગી હતી. ‘દબંગ’માં ‘મુન્ની બદનામ હુઇ’ સોંગ ખૂબ વખણાયું તે પછી ‘હલકટ જવાની’ અને ‘ફેવિકોલ સે’જેવાં ગીતો ચારે બાજુ સંભળાઇ રહ્યાં હતાં. અગાઉ આઇટમ સોંગ માટે બિપાશા બાસુ, રાખી સાવંત અને મલાઇકા જેવી આઇટમ ગર્લ્સની મદદ લેવામાં આવતી હતી. હવે કરીના કપૂર તેમ જ કેટરિના કેફ ઉપરાંત દીપિકા પાદુકોણ અને જેક્વેલિન ફર્નાન્ડિઝ જેવી મેઇનસ્ટ્રિમ હિરોઇનો જ આઇટમ સોંગ્સની બાબતમાં આઇટમ ગર્લ્સ સાથે સ્પર્ધા કરી રહી છે.
હિન્દી ફિલ્મોના નિર્માતાઓ પૈસાના પૂજારી છે. જે ગતકડાં દ્વારા ફિલ્મો વેચાતી હોય અને કમાણી વધતી હોય તેને અપનાવી લેવા તેઓ કાયમ તત્પર હોય છે. અક્ષય કુમારની ‘તિસ્મારખાં’ ફિલ્મમાં કાંઇ દમ નહોતો, પણ ‘શીલા કી જવાની’ ગીતના સહારે આ ફિલ્મ તરી ગઇ એટલે નિર્માતાઓ આઇટમ સોંગ્સના બંધાણી થઇ ગયા હતા. આઇટમ સોંગ્સની ફિલ્મની કથામાં કે પટકથામાં બિલકુલ જરૂર નથી હોતી, પણ દર્શકોને ગલીપચી કરવા માટે તે ઉમેરવામાં આવે છે. આઈટમ ગર્લ્સનો ફિલ્મોમાં નાનો રોલ હોય છે, પણ સોશ્યલ મિડિયા પર તેમનાં કરોડો ચાહકો હોય છે. આઈટમ ગર્લ્સ પાસે કરોડો રૂપિયા ક્યાંથી આવે છે? તેની તપાસ પણ કરવા જેવી છે.
ભારતના પુરુષો પોતાની કામવાસનાનું દમન કરવા માટે જાણીતા છે. આઇટમ સોંગ્સમાં આછાં વસ્ત્રો પહેરેલી અભિનેત્રીના શરીરના બિભત્સ લટકા-ઝટકા દર્શાવવામાં આવે છે. ગીતમાં આ અભિનેત્રીની આસપાસ જેમના મોંઢાંમાંથી લાળ ટપકતી હોય તેવા વાસનાલોલુપ પુરુષો પણ દર્શાવવામાં આવે છે. આ પુરુષોમાં અને આઇટમ સોંગ્સના તાલ ઉપર થિયેટરમાં ઝૂમી રહેલા પુરુષો વચ્ચે કોઇ તફાવત નથી હોતો. આઇટમ સોંગ્સ જોઇને તેમની વિકૃત કામવાસનાઓ સંતોષાતી નથી પણ વધુ ભડકી ઊઠે છે. આ વાસના તેઓ કોઇ અબળા ઉપર બળાત્કાર કરીને સંતોષે છે.
જે સ્ત્રીઓ આઇટમ સોંગ્સમાં કામ કરે છે, તેઓ સ્ત્રી જાતિની સૌથી મોટી દુશ્મન છે. તેઓ પડદા ઉપરથી એવો સંદેશ આપે છે કે સ્ત્રીનું શરીર પવિત્ર નથી, પણ પ્રદર્શનની અને ઉપભોગની ચીજ છે. પુરુષો પડદા ઉપર માત્ર તેમના નિર્વસ્ત્ર દેહના દર્શન કરવા આવે છે. તેમાંથી ફિલ્મના નિર્માતાઓ મબલખ કમાણી કરે છે. આ કમાણીમાંથી તગડો હિસ્સો આઇટમ સોંગ કરનારી અભિનેત્રીને આપવામાં આવે છે. એક રીતે જોઇએ તો પોતાનો દેહ વેચીને કમાણી કરતી રૂપજીવિનીઓમાં અને આઇટમ ગર્લ્સમાં કોઇ તફાવત નથી.
આઇટમ સોંગ જોવા આવતા પુરુષો આઇટમ ગર્લ ઉપર તો બળાત્કાર કરી નથી શકતા, પણ તેઓ કોઇ સહેલો શિકાર શોધે છે, જેને કારણે નિર્દોષ સ્ત્રીઓ અસલામત બની જાય છે. કોઇ પણ ડાહ્યો અને સમજદાર પુરુષ પોતાની માતા, બહેન, દીકરી કે પત્નીને આઇટમ ગર્લના રૂપમાં જોવા તૈયાર નહીં થાય. તેનો દાખલો જાણીતા અભિનેતા સંજય દત્તે પૂરો પાડ્યો છે. સંજય દત્તની વર્તમાન પત્ની માન્યતાએ લગ્ન પહેલાં ‘ગંગાજલ’ નામની સેક્સ અને વાયોલન્સથી ભરેલી ફિલ્મમાં ‘અલ્હડ મસ્ત જવાની’ નામનું આઇટમ સોંગ કર્યું હતું.
માન્યતાનું અસલી નામ દિલનવાઝ શૈખ છે. તે જ્યારે ફિલ્મોદ્યોગમાં સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે તેણે મજબૂરીવશ પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં આઇટમ સોંગ કર્યું હતું. હવે સંજય દત્તે માંગણી કરી છે કે ભવિષ્યમાં ‘ગંગાજલ’ફિલ્મની નવી સીડી બહાર પાડવામાં આવે તેમાં આ આઇટમ નંબરની બાદબાકી કરવામાં આવે. તેનું કારણ એ છે કે પોતાની પત્નીને આવી વલ્ગર ભૂમિકામાં જોવા સંજુ બાબા તૈયાર નથી. આ સંજુ બાબા બીજી સ્ત્રી સાથે આવાં ગીતો કરવા તૈયાર હોય છે.
સ્ટેમ્પ કૌભાંડના સૂત્રધાર અબ્દુલ કરીમ તેલગીના જીવન પરથી એક ફિલ્મ બની છે. મુદ્રાંક નામની આ ફિલ્મમાં રાખી સાવંતનું આઇટમ સોંગ પરાણે ઘૂસાડવામાં આવ્યું છે. આ ફિલ્મ જ્યારે તેલગીને બતાવવામાં આવી ત્યારે આઇટમ સોંગ આવતાં જ તે એટલો શરમાઇ ગયો હતો કે તેણે પોતાની આંખો બંધ કરી દીધી હતી. રાખી સાવંત અને મલ્લિકા શેરાવત જેવી સ્ત્રીઓ તો પોતાના શરીરનું બિભત્સ પ્રદર્શન કરીને જ પોતાની કારકિર્દીને આગળ ધપાવવામાં માને છે. આ સ્ત્રીઓના બિભત્સ હાવભાવ જોઇને પુરુષોની અંદર પડેલો શેતાન જાગી જાય છે અને કોઇ નિ:સહાય કન્યા ઉપર અત્યાચાર ગુજારે છે.
નારીવાદી સંસ્થાઓ જો સ્ત્રીઓની સુરક્ષા ચાહતી હોય તો તેમણે આઇટમ ગર્લ્સના ઘર બહાર ધરણાં કરવાં જોઇએ. હિન્દી ફિલ્મોમાં આઇટમ સોંગ કોઇ નવી વાત નથી. અગાઉ હેલન અને બિંદુ જેવી બોલ્ડ ગણાતી અભિનેત્રીઓ આઇટમ ગર્લ્સ તરીકે ડાન્સ કરતી હતી. પરંતુ હવે તો આખી ફિલ્મને જ આઇટમ સોંગના જોર ઉપર વેચવાની કોશિશ ચાલી રહી છે, જેમાં સફળતા પણ મળે છે. અગાઉ ફિલ્મોમાં આઇટમ સોંગ ગાવું એ હલકું કામ ગણાતું હતું. હવે તેને એટલી પ્રતિષ્ઠા મળી છે કે ઐશ્વર્યા રાય જેવી હિરોઇનો પણ આઇટમ સોંગ ગાતી તૈયાર થઇ ગઈ છે.
આઇટમ સોંગ ગાતી સ્ત્રીઓ જે બિભત્સ રીતે પોતાના શરીરના ચેનચાળા કરે છે તે જોઇને ઘણાનું માથું શરમથી ઝૂકી જાય છે. આપણું સેન્સર બોર્ડ શા માટે સ્ત્રીઓનું વિકૃત ચિત્રણ કરતાં આવાં ગીતો ઉપર કાતર નથી ચલાવતું એ સંશોધનનો વિષય છે. એક સમય એવો હતો કે હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ‘સેક્સી’શબ્દ સામે પણ વિરોધ દર્શાવવામાં આવતો હતો. હિન્દી ફિલ્મના એક ગીતમાં કરિશ્મા કપૂરને ‘સેક્સી, સેક્સી, સેક્સી મુઝે લોગ બોલે’એમ ગાતી બતાવવામાં આવી હતી. આ ગીતનો એટલો વિરોધ થયો કે ‘સેક્સી’શબ્દને બદલીને ‘બેબી’કરવાની નિર્માતાને ફરજ પડી હતી. થોડા સમય પછી ‘ચોલી કે પીછે ક્યા હૈ?’ગીત આવ્યું તે ચાલી ગયું હતું.
હવે તો ‘હલકટ જવાની’નો જમાનો ચાલી રહ્યો છે. હની સિંઘ નામનો પંજાબી પોપ ગાયક પોતાનાં ગીતોમાં શબ્દકોષમાં ન હોય તેવા ગંદા શબ્દો વાપરી રહ્યો છે. તેનાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં છે. આ ગીતોમાં સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરવાની પુરુષોને પ્રેરણા કરવામાં આવે છે. આપણા દેશમાં જાહેર માધ્યમોમાં બિભત્સતાનો મુકાબલો કરવા બાબતના કાયદાઓ છે, પણ તેનો અમલ કરાવવાની બાબતમાં આપણી પોલિસ અને અદાલતો તદ્દન ઉદાસીન છે. આજથી વર્ષો પહેલાં લખનૌ હાઇ કોર્ટની અલ્લાહાબાદ બેન્ચમાં ‘શીલા કી જવાની’અને ‘મુન્ની બદનામ હુઇ’ ગીતો સામે જાહેર હિતની અરજી થઇ હતી. આ કેસનો હજી ચુકાદો આવ્યો નથી. એ દરમિયાન બીજાં ડઝનબંધ આઇટમ સોંગ્સ ફિલ્મોમાં આવી ચૂક્યાં છે અને હજી આવી રહ્યાં છે. હવે તો નારીવાદી સંસ્થાઓ જાગૃત થાય તો જ સ્ત્રીનું અપમાન કરતી આ બિભત્સતાની પરંપરા અટકે તેમ છે.