નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) શનિવારે એટલે કે આજે 8મી જુલાઈએ પંચાયત ચૂંટણી (Election) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. મતદાન શરૂ થાય તે પહેલાં શુક્રવાર રાતથી જ અહીં હિંસા ભડકી ઉઠી છે. શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીની હિંસામાં અત્યાર સુધીમાં 10થી વધુનાં મોત (Death) થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ (Injured) પણ થયા છે. મતદાન મથકો પર આગચંપી અને બેલેટ પેપરની લૂંટના અહેવાલો પણ છે. સુરક્ષાના પગલે સમગ્ર રાજ્યમાં 1.35 લાખ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલુ છે. પરંતુ આ દરમિયાન અહીંથી હિંસાના સમાચાર આવી રહ્યા છે. ટીએમસીનો આરોપ છે કે છેલ્લા 24 કલાકમાં આ લોકો છરાબાજી, બોમ્બ ધડાકા અને ફાયરિંગમાં માર્યા ગયા છે. આ હુમલા શુક્રવાર રાતથી આજ સવાર સુધી પ્રકાશમાં આવ્યા છે.
- મુર્શિદાબાદ: શનિવારે સવારે બેલડાંગામાં TMC કાર્યકરની કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- મુર્શિદાબાદ: શુક્રવારે રાત્રે ખારગ્રામમાં TMC કાર્યકરની કથિત રીતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી.
- મુર્શિદાબાદ: શુક્રવારે રાત્રે રેજીનગરમાં બોમ્બ વિસ્ફોટમાં TMC કાર્યકરનું કથિત રીતે મોત થયું હતું.
- મુર્શિદાબાદ: સમસેરગંજમાં TMC કાર્યકરને ગોળી મારી હત્યા
- કૂચ બિહાર: શનિવારે સવારે તુફાનગંજમાં ટીએમસી કાર્યકરની કથિત રીતે છરી મારીને હત્યા કરવામાં આવી હતી.
- માલદામાં TMC નેતાના સંબંધીની હત્યા. માલદાના માણિકચોકમાં ભારે બોમ્બમારો બાદ મોતનો મામલો
- સીપીઆઈએમનાં કાર્યકરને શુક્રવારે ગોળી મારી મારવામાં આવી જેનું આજે મોત થયું
અપક્ષ ઉમેદવાર જહાનઆરા બેગમ પર ગોળીબારનો એજન્ટનો આરોપ
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં અપક્ષ ઉમેદવાર જહાનઆરા બેગમના એજન્ટ પર ગોળીબારનો આરોપ છે. આ ઘટના આરામબાગમાં અરંડી ગ્રામ પંચાયત 1 ના બૂથ 273 પર બની હતી. ગોળી મારનાર એજન્ટનું નામ કયામુદ્દીન મલિક છે. બૂથ પર જતી વખતે શાસક પક્ષ પર ફાયરિંગ કરવાનો આરોપ છે.
તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કરીને આ વાત કહી
તૃણમૂલ કોંગ્રેસે ટ્વીટ કર્યું, “આઘાતજનક અને દુ:ખદ ઘટનાઓએ મતદાન સમુદાયને આંચકો આપ્યો છે. રેજીનગર, તુફનગંજ અને ખારગ્રામમાં અમારી પાર્ટીના ત્રણ કાર્યકરો માર્યા ગયા છે અને ડોમકોલમાં બે લોકોને ગોળી વાગી છે. જ્યારે બંગાળ ભાજપ, સીપીઆઈએમ પશ્ચિમ બંગાળ અને બંગાળ કોંગ્રેસ કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી રહ્યા છે અને આજે જ્યારે તેમની સૌથી વધુ જરૂર છે, ત્યારે તેઓ ક્યાં છે? આ ચૂંટણીની શરૂઆત પહેલા જ લોકોની સલામતી સુનિશ્ચિત કરવામાં તેમની ભારે નિષ્ફળતા સૂચવે છે.
BJPએ ટીએમસી પર કર્યા પ્રહાર
માલદા જિલ્લામાં બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવ્યા પછી ભાજપે ટીએમસી કાર્યકર્તા અને તેમના ઉમેદવારોને નિશાન બનાવ્યા છે. બંગાળ બીજેપીના પ્રમુખ ડૉ. સુકાંત મજુમદારે ટ્વીટ કરીને કહ્યું કે, TMCની ગુંડાગીરીએ તમામ હદો વટાવી દીધી છે અને હવે પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં બેલેટ પેપરની ખુલ્લેઆમ લૂંટ કરીને લોકશાહીનું ગળું દબાવી રહ્યું છે.
ચૂંટણીના પરિણામો 11 જુલાઈના રોજ આવશે
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 22 જિલ્લાઓમાં 63,229 ગ્રામ પંચાયતની બેઠકો, 9,730 પંચાયત સમિતિની બેઠકો અને 928 જિલ્લા પરિષદની બેઠકો પર ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં બંગાળના 5,67,21,234 (5.7 કરોડ) મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. જ્યારે ચૂંટણીના પરિણામો 11 જુલાઈના રોજ આવશે. જણાવી દઈએ કે 2024માં આવનારી લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી આ પંચાયત ચૂંટણીઓને લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.